પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે જોગાસર તળાવ વિકાસ કામોનું લોકાર્પણ, શહેર વિકાસને નવી ગતિ
ધ્રાંગધ્રા શહેરના વિકાસને નવી ગતિ આપવા માટે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જોગાસર તળાવ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ શહેર માટે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મહારાજા રણમલસિંહજી દ્વારા નિર્મિત આ ઐતિહાસિક તળાવનું નગરપાલિકાએ ખૂબ જ સુંદર રીતે નવીનીકરણ કર્યું છે, જે હવે નગરજનો માટે આસ્થા અને મનોરંજનનું એક સુંદર કેન્દ્ર બનશે. અહીં ગણપતિ દાદાના દર્શન સાથે લોકો પ્રકૃતિનો આનંદ માણી શકશે.
ધ્રાંગધ્રા નગરપાલિકા ‘અ’ વર્ગમાં ઉન્નત: વિકાસ માટે મળશે વધુ ગ્રાન્ટ
શહેર માટે ગૌરવની વાત એ છે કે ધ્રાંગધ્રા નગરપાલિકા હવે ‘બ’ વર્ગમાંથી ‘અ’ વર્ગમાં આવી ગઈ છે. આ ફેરફારને કારણે આગામી સમયમાં શહેરના વિકાસ માટે સરકાર તરફથી વધુ મોટી ગ્રાન્ટ પ્રાપ્ત થશે. મંત્રીશ્રીએ નોંધ્યું હતું કે અન્ય વિસ્તારોમાં પાણીની તંગી હોવા છતાં ધ્રાંગધ્રામાં નિયમિત પાણી પુરવઠો અને મજબૂત આરસીસી રસ્તાઓનું નેટવર્ક ઉપલબ્ધ છે, જે આ નગરપાલિકાને રાજ્યની શ્રેષ્ઠ નગરપાલિકા બનાવવાની દિશામાં લઈ જાય છે.
ઐતિહાસિક માનસરોવર તળાવ માટે ૪૨ કરોડની માતબર રકમ મંજૂર
સાંસદ ચંદુભાઈ શિહોરાએ જોગાસર તળાવના નવા સ્વરૂપને ‘સ્વર્ગાપુરી’ જેવું ગણાવ્યું હતું. તેમણે વધુ એક આનંદના સમાચાર આપતા જણાવ્યું કે, પ્રભારી મંત્રીના પ્રયત્નોથી શહેરના અન્ય એક ઐતિહાસિક ‘માનસરોવર તળાવ’ના નવીનીકરણ માટે પણ રૂ. ૪૨ કરોડની મોટી રકમ મંજૂર કરવામાં આવી છે. આ સાથે જ જોગાસર તળાવથી જડેશ્વર મંદિર સુધીના ખુલ્લા નાળાને બંધ કરી ત્યાં ૨ કિમી લાંબો સુંદર વોકવે અને વૃક્ષારોપણ કરવાનું આયોજન ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
રૂ. ૧૦ કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
અમૃત ૨.૦ યોજના હેઠળ અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે જોગાસર તળાવ અને ગાર્ડન ડેવલપમેન્ટના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સ્વચ્છ ભારત મિશન અને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે રૂ. ૬.૩૫ કરોડના નવા કામોના ખાતમુહૂર્ત પણ થયા છે. આ તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતા શહેરની સ્વચ્છતા અને પાયાની સુવિધાઓમાં મોટો સુધારો આવશે. મંત્રીશ્રીએ નગરજનોને અપીલ કરી છે કે આ જાહેર મિલકતોની જાળવણી કરવી એ સૌની નૈતિક ફરજ છે.

