ચીનની AI કંપનીઓને મોટો ઝટકો! ટ્રમ્પે અમેરિકન ચિપ્સના નિયમો કર્યા કડક
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની રેસમાં ચીનને પછાડવા અને તેના પર સકંજો કસવા માટે એક મોટું પગલું ભર્યું છે. ટ્રમ્પ પ્રશાસને નિકાસના નિયમોને અત્યંત કડક બનાવતા એ સુનિશ્ચિત કરી દીધું છે કે હવે ચીની કંપનીઓ અમેરિકન ચિપ્સ અને સર્વરનો ઉપયોગ કરીને પોતાના AI મોડલ વિકસિત કરી શકશે નહીં. અમેરિકાના વાણિજ્ય વિભાગ હેઠળ આવતા ‘બ્યુરો ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સિક્યુરિટી’ (BIS) એ આ નવા અને કડક નિયમોને તાત્કાલિક અસરથી લાગુ કરી દીધા છે.

ક્લાઉડ અને રિમોટ એક્સેસના રસ્તા પણ બંધ
હકીકતમાં, અમેરિકા પહેલાથી જ ચીનને સીધી રીતે પોતાની સૌથી એડવાન્સ AI ચિપ્સ વેચવા પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે. પરંતુ અમેરિકન નીતિ નિર્માતાઓનું માનવું હતું કે હાલના નિયમોમાં રહેલી ખામીઓનો ફાયદો ઉઠાવીને ચીન ‘ક્લાઉડ કમ્પ્યુટિંગ’ અને વિદેશી ડેટા સેન્ટરો દ્વારા આ પ્રતિબંધોને થાપ આપી રહ્યું હતું. ચીની કંપનીઓ ત્રીજા દેશોમાં આવેલા ડેટા સેન્ટરોમાંથી એનવિડિયા (Nvidia) જેવી દિગ્ગજ અમેરિકન કંપનીઓની ચિપ્સનો કમ્પ્યુટિંગ પાવર ભાડે લઈને પોતાના AI મોડલ ટ્રેન કરી રહી હતી.
નવા નિયમો હેઠળ, હવે અમેરિકન સરકાર પોતાની કંપનીઓની એડવાન્સ ચિપ્સ અને સર્વર સુધી ચીનના રિમોટ એક્સેસને પણ સંપૂર્ણપણે નિયંત્રિત કરશે. સાથે જ, ચીન, રશિયા, ઈરાન અને ક્યુબા જેવા દેશોની કંપનીઓને સેવાઓ આપતા વિદેશી ડેટા સેન્ટરો માટે હવે લાઇસન્સ લેવું ફરજિયાત રહેશે અને તેમણે પોતાના અંતિમ ગ્રાહકો (એન્ડ યુઝર્સ) ની ઓળખ પણ સ્પષ્ટપણે જણાવવી પડશે.
દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો પર પણ કડક દેખરેખ
ટ્રમ્પ પ્રશાસને એ રસ્તાઓને પણ બંધ કરવાની તૈયારી કરી લીધી છે, જેના માધ્યમથી ચોરીછૂપીથી અમેરિકન ટેકનોલોજી ચીન પહોંચી રહી હતી. નવી જોગવાઈઓ અનુસાર, ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર, થાઈલેન્ડ અને બ્રાઝિલ જેવા દેશોમાં ચિપના વેચાણ માટે હવે દરેક કેસના આધારે અલગથી લાઇસન્સ લેવું પડી શકે છે. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે આ દેશો મારફતે પ્રતિબંધિત રાષ્ટ્રો સુધી એડવાન્સ ચિપ્સ પહોંચવાનું જોખમ સામાન્ય કરતાં ઘણું વધારે છે.

નોંધનીય છે કે ગયા વર્ષે ન્યૂયોર્કના રિપબ્લિકન સાંસદ માઈકલ લોરલરે અમેરિકન કોંગ્રેસમાં એક બિલ રજૂ કર્યું હતું, જેમાં ભૌતિક નિકાસની સાથે-સાથે ક્લાઉડ દ્વારા રિમોટ એક્સેસને પણ પ્રતિબંધોના દાયરામાં લાવવાની વાત કહેવામાં આવી હતી. આ બિલ અમેરિકન પ્રતિનિધિ સભામાંથી પસાર પણ થઈ ચૂક્યું છે.
Nvidiaમાં થયેલા મોટા ફેરફાર બાદ લેવાયો નિર્ણય
આ કડક નિર્ણય દુનિયાની દિગ્ગજ ચિપ નિર્માતા કંપની ‘એનવિડિયા’ના સહ-સ્થાપક જેન્સેન હુઆંગે CEO પદેથી રાજીનામું આપ્યાના ગણતરીના દિવસો બાદ સામે આવ્યો છે. અહેવાલો મુજબ, હુઆંગે એક ચીની મહિલા સાથેના પોતાના સંબંધોની તપાસ શરૂ થયા બાદ પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. તે મહિલા અગાઉ સિંગાપોર સ્થિત ‘મેગાસ્પીડ ઇન્ટરનેશનલ’ કંપનીમાં કાર્યરત હતી, જેના પર અમેરિકન નિયમોનું ઉલ્લંઘન કરીને એનવિડિયાની એડવાન્સ ચિપ્સ ચોરીછૂપીથી ચીન મોકલવા અને મલેશિયા તથા દક્ષિણ-પૂર્વ એશિયાના ડેટા સેન્ટરો દ્વારા ચીની કંપનીઓને કમ્પ્યુટિંગ પાવર ઉપલબ્ધ કરાવવાની શંકા છે. ટ્રમ્પ સરકારના આ નવા પગલાથી ચીનના AI સપનાઓને મોટો ઝટકો લાગવો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.
