Donald Trump અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મે ૨૦૨૫માં થયેલા સંઘર્ષને લઈને સનસનાટીભર્યો દાવો કર્યો છે. વોશિંગ્ટનમાં આયોજિત ‘બોર્ડ ઓફ પીસ’ કાર્યક્રમમાં બોલતા ટ્રમ્પે કહ્યું કે, તેમણે જ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરીને ‘ઓપરેશન સિંદૂર’ પછી સર્જાયેલું યુદ્ધ અટકાવ્યું હતું. ટ્રમ્પનો દાવો છે કે આ સૈન્ય ટકરાવમાં બંને પક્ષોના મળીને કુલ ૧૧ લડાકુ વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ટ્રમ્પના નિવેદનમાં વિમાનોની સંખ્યા સતત બદલાતી રહી છે; અગાઉ તેમણે ૫, ૭, ૮ અને ૧૦ વિમાનોનો દાવો કર્યો હતો, જે હવે વધીને ૧૧ પર પહોંચ્યો છે. ટ્રમ્પે એમ પણ ઉમેર્યું કે આ વિમાનો ખૂબ જ મોંઘા હતા અને જ્યારે ઘણું નાણું ડૂબવાની વાત આવી ત્યારે બંને દેશોને લાગ્યું કે યુદ્ધ રોકવું જોઈએ.
ટ્રમ્પે માત્ર લશ્કરી જ નહીં પણ આર્થિક દબાણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે તેમણે બંને દેશોના નેતાઓને ફોન કરીને ચેતવણી આપી હતી કે જો યુદ્ધ નહીં અટકે તો અમેરિકા તેમની સાથેના તમામ વેપારી સંબંધો ખતમ કરી દેશે. ટ્રમ્પે પોતાના અંદાજમાં કહ્યું કે, “મેં તેમને કહ્યું હતું કે જો તમે મામલો નહીં સુલઝાવો તો હું તમારા દેશો પર ૨૦૦ ટકા ટેરિફ લગાવી દઈશ.” આ ભાષણ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, પીએમ મોદી અત્યારે આ કાર્યક્રમ લાઈવ જોઈ રહ્યા છે અને તેઓ આ બાબતે ઉત્સાહિત છે.
मैंने भारत और पाकिस्तान के नेताओं से फोन पर कहा- अगर तुम लड़ोगे तो मैं 200% टैरिफ लगा दूंगा।
जैसे ही पैसों की बात आई, दोनों देश के नेताओं ने कहा- ‘हम लड़ना नहीं चाहते’।
मोदी को जवाब देना चाहिए-
• आपने देश के सम्मान का सौदा क्यों किया?
• आखिर आप ट्रंप से डरते क्यों हैं? pic.twitter.com/nsHLLS78x5
— Congress (@INCIndia) February 19, 2026
બીજી તરફ, ભારત સરકારે હંમેશની જેમ ટ્રમ્પના આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. ભારતીય વિદેશ મંત્રાલયનું વલણ સ્પષ્ટ છે કે પાકિસ્તાન સાથેના તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થીની જરૂર નથી. મે ૨૦૨૫માં થયેલા યુદ્ધવિરામ અંગે ભારતે અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે આ બંને દેશોના મિલિટરી ઓપરેશન્સના ડાયરેક્ટર જનરલ (DGMOs) વચ્ચેના સીધા સંવાદનું પરિણામ હતું, કોઈ બાહ્ય દબાણનું નહીં. ટ્રમ્પના દાવાઓ અને ભારતના સત્તાવાર નિવેદનો વચ્ચેનો આ વિરોધાભાસ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.
