ઈરાનના હુમલાથી દુબઈમાં ફફડાટ: અમીર લોકો લાખો રૂપિયા ખર્ચીને સાઉદી આરબ રસ્તે ભાગી રહ્યા છે
ઈરાન દ્વારા અખાતી દેશો (Gulf Countries) પર કરવામાં આવેલા તાજેતરના હુમલાઓએ સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધનો ભય ફેલાવ્યો છે. આ તણાવપૂર્ણ સ્થિતિને કારણે દુબઈ અને અન્ય અખાતી શહેરોમાં વસતા અમીર અને પ્રભાવશાળી લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, સુરક્ષિત સ્થળે પહોંચવા માટે આ ધનાઢ્ય લોકો મોટી રકમ ખર્ચી રહ્યા છે અને સાઉદી આરબના રસ્તે પ્રદેશ છોડવાની કોશિશ કરી રહ્યા છે. અનેક દેશોના એરપોર્ટ બંધ હોવાને કારણે હાલમાં રિયાધ સુરક્ષિત બહાર નીકળવા માટેનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
રિયાધ બન્યું ‘એક્ઝિટ પોઈન્ટ’: 10 કલાકની મુસાફરી કરીને લોકો સાઉદી પહોંચ્યા
ઈરાને વીકેન્ડ દરમિયાન યુએઈ, કતાર, બહેરીન અને સાઉદી આરબ જેવા દેશો પર હુમલા કર્યા બાદ આ વિસ્તારોમાં ભારે તણાવ છે. સેમાફોરના રિપોર્ટ મુજબ, સાઉદી આરબનું રિયાધ શહેર અત્યારે અમીર ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ અધિકારીઓ માટે બહાર નીકળવાનો મુખ્ય માર્ગ બની ગયું છે. સાઉદીની રાજધાનીનું ‘કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ હજુ પણ સામાન્ય રીતે કાર્યરત હોવાથી લોકો ત્યાં પહોંચવા માટે પડાપડી કરી રહ્યા છે. ગંભીર સ્થિતિ એવી છે કે લોકો દુબઈથી રિયાધ સુધી પહોંચવા માટે 10-10 કલાકનું ડ્રાઈવિંગ કરીને સરહદ પાર કરી રહ્યા છે જેથી ત્યાંથી ફ્લાઈટ મળી શકે.
પ્રાઈવેટ સિક્યુરિટી અને લક્ઝરી ઈવેક્યુએશનનો ક્રેઝ
જે લોકો મોટી રકમ ચૂકવવા સક્ષમ છે, તેઓ પ્રાઈવેટ સિક્યુરિટી કંપનીઓની મદદ લઈ રહ્યા છે. આ કંપનીઓ ગ્રાહકોને સુરક્ષિત રીતે રિયાધ પહોંચાડવા માટે મોટી SUV ગાડીઓનો કાફલો તૈયાર કરી રહી છે. રિયાધ પહોંચ્યા બાદ આ લોકો માટે ખાસ ચાર્ટર્ડ એરક્રાફ્ટની વ્યવસ્થા કરવામાં આવે છે. આ રીતે વિસ્તાર છોડનારાઓમાં મુખ્યત્વે ગ્લોબલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનના સિનિયર એક્ઝિક્યુટિવ્સ, બિઝનેસ ટ્રાવેલર્સ અને તે ધનિક પ્રવાસીઓ સામેલ છે જેઓ વેકેશન ગાળવા અખાતી દેશોમાં આવ્યા હતા.
પ્રાઈવેટ જેટના ભાડામાં તોતિંગ વધારો: કિંમત $350,000 સુધી પહોંચી
યુદ્ધ જેવી સ્થિતિને કારણે વિમાનના ભાડામાં આસમાની વધારો જોવા મળ્યો છે. વિમાના પ્રાઈવેટના CEO અમીર નારને જણાવ્યું હતું કે, અખાતી દેશો છોડવા માંગતા લોકો માટે અત્યારે રિયાધ જ એકમાત્ર વાસ્તવિક વિકલ્પ બચ્યો છે. ભારે માંગને કારણે રિયાધથી યુરોપ જવા માટેના પ્રાઈવેટ જેટનું ભાડું વધીને 350,000 ડોલર (આશરે 2.9 કરોડ રૂપિયાથી વધુ) સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસો કરતા આ કિંમત અનેકગણી વધારે હોવા છતાં, જીવ બચાવવા અને સુરક્ષિત સ્થળે પહોંચવા માટે લોકો આટલી મોટી રકમ ખર્ચતા ખચકાતા નથી.

