અફઘાનિસ્તાનના હુમલાથી પાકિસ્તાન ધ્રૂજ્યું: નૂર ખાન એરબેઝ સહિત અનેક સૈન્ય મથકો પર એર સ્ટ્રાઈકનો દાવો
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર તણાવ હવે તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. તાલિબાને પાકિસ્તાનના અત્યંત મહત્વપૂર્ણ ગણાતા નૂર ખાન એરબેઝ પર ભીષણ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. અફઘાન લડવૈયાઓએ ડ્યુરન્ડ લાઇન ઓળંગીને પાકિસ્તાનના ક્વેટા અને ખૈબર પખ્તુનખ્વા સ્થિત સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આ હુમલાઓએ બંને દેશો વચ્ચે પૂર્ણ કક્ષાના યુદ્ધ જેવી સ્થિતિ સર્જી દીધી છે.
રાતભર ગુંજ્યા વિસ્ફોટો: પાકિસ્તાનના સૈન્ય મથકો નિશાન પર
વિશ્વભરમાં જ્યારે ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની ચર્ચા છે, ત્યારે બીજી તરફ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો મામલો પણ વણસી રહ્યો છે. સોમવારે તાલિબાન સરકાર તરફથી સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું કે તેઓએ રાવલપિંડીમાં આવેલા પાકિસ્તાનના વ્યૂહાત્મક ‘નૂર ખાન એરબેઝ’ પર હુમલો કર્યો છે. તાલિબાનના એક મંત્રીએ દાવો કર્યો છે કે તેમના લડવૈયાઓ પાકિસ્તાની સરહદમાં ઘૂસી ચૂક્યા છે અને ક્વેટામાં 12મી કોર્પ્સના હેડક્વાર્ટર તેમજ ખૈબર પખ્તુનખ્વાના મહોમદ ક્ષેત્રના સૈન્ય કેમ્પ પર પણ સચોટ પ્રહારો કરવામાં આવ્યા છે.
ડેપ્યુટી પ્રવક્તા હમદુલ્લાહની સોશિયલ મીડિયા પોસ્ટ અને જવાબી કાર્યવાહી
તાલિબાન સંરક્ષણ મંત્રાલયના ડેપ્યુટી પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે આ હુમલાઓ અંગે સોશિયલ મીડિયા પર વિગતો શેર કરી છે. તેમણે એક અરબી આયાત ટાંકીને લખ્યું છે કે, “જે તમારી પર હુમલો કરે, તમે પણ તેની પર તેટલી જ તીવ્રતાથી જવાબી કાર્યવાહી કરો.”
તેમણે હુમલાનો એક વીડિયો પોસ્ટ કરતા વધુમાં ઉમેર્યું કે, “આજે રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયની વાયુસેનાએ પાકિસ્તાનમાં મુખ્ય સૈન્ય મથકો વિરુદ્ધ સચોટ અને સંકલિત હવાઈ અભિયાન ચલાવ્યું છે.” નોંધનીય છે કે આ હુમલા પહેલા પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે અત્યાર સુધીમાં 400થી વધુ અફઘાન લડવૈયાઓ માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે, જેના જવાબમાં તાલિબાને આ મોટી સ્ટ્રાઈક કરી હોવાનું મનાય છે.
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
فَمَنِ اعْتَدَىٰ عَلَيْكُمْ فَاعْتَدُوا عَلَيْهِ بِمِثْلِ مَا اعْتَدَىٰ عَلَيْكُمْ
Today, the Air Force of the Ministry of National Defense conducted precise and coordinated aerial operations against key military installations in Pakistan.. https://t.co/lJM1ghVmEv
— Hamdullah Fitratحمدالله فطرت (@FitratHamd) March 1, 2026
ડ્યુરન્ડ લાઇન પર યુદ્ધ જેવો માહોલ: વધતો જતો સરહદી વિવાદ
છેલ્લા ચાર દિવસથી બંને દેશો વચ્ચે સતત ગોળીબાર અને હુમલાઓનો સિલસિલો જારી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને આ હુમલાઓ અને જાનહાનિ અંગે અલગ-અલગ દાવાઓ કરી રહ્યા છે. ડ્યુરન્ડ લાઇન પરની આ હિંસાને કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જો આ તણાવ જલ્દી શાંત નહીં થાય, તો દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં સુરક્ષાની ગંભીર કટોકટી સર્જાઈ શકે છે.
