મતદાર યાદીમાંથી બહાર રહી ગયેલા લોકો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય: ૨૦ રાજ્યોમાં શરૂ થશે ખાસ પુનઃસ્થાપન ઝુંબેશ, જૂના ફોર્મ ૬ થી થશે નોંધણી
દેશભરમાં મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન લાખો પાત્ર નાગરિકોના નામો કાઢી નાખવા અંગે ઉભા થયેલા ગંભીર પ્રશ્નો વચ્ચે ચૂંટણી પંચે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પંચે ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, જ્યાં SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, ત્યાં મતદાર યાદીમાંથી બહાર રહી ગયેલા લાયક નાગરિકો અને પ્રથમ વખત મતદાન કરવા પાત્ર બનેલા યુવાનોને ફરીથી સામેલ કરવા માટે એક વિશેષ ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ આપ્યો છે.
૨૯ સપ્ટેમ્બરે જારી કરાયા કડક નિર્દેશો
ચૂંટણી પંચે ૨૯ સપ્ટેમ્બરના રોજ તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) ને લેખિત આદેશો મોકલ્યા હતા. ત્યારબાદ ગુરુવારે યોજાયેલી વીડિયો કોન્ફરન્સિંગ બેઠકમાં તમામ રાજ્યોના ચૂંટણી અધિકારીઓ સાથે આ નિર્દેશોનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. પંચે સ્પષ્ટ કર્યું છે કે મુખ્ય ચૂંટણી અધિકારીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO) અને ચૂંટણી નોંધણી અધિકારીઓ (ERO) એ મતદાર યાદીને અદ્યતન કરવા માટે તાત્કાલિક અસરથી વિશેષ ઝુંબેશ શરૂ કરવી જોઈએ. આ ઝુંબેશનો મુખ્ય હેતુ એવા લોકોને ન્યાય આપવાનો છે જેઓ કોઈ કારણોસર SIR પ્રક્રિયા દરમિયાન યાદીમાંથી બહાર ફેંકાઈ ગયા હતા.
૧૩ કરોડથી વધુ નામો દૂર થતાં વધ્યું હતું ઘર્ષણ
ઉલ્લેખનીય છે કે ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરાયેલી SIR પ્રક્રિયા દરમિયાન ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી ૧૩ કરોડથી વધુ નામો કાઢી નાખવામાં આવ્યા હતા. આ બાબતે ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અને પારદર્શિતા પર આકરા સવાલો ઉઠ્યા હતા. ‘ધી ઈન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ, ખુદ પંચની અંદર જ અધિકારીઓના નિર્ણયો સામે આંતરિક વાંધાઓ નોંધાયા હતા.
ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા ૧૦ મહિના દરમિયાન ૧૪ થી વધુ વખત તેમની જાણ બહાર લેવાયેલા નિર્ણયો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને નવા મતદારો માટે ઉપયોગમાં લેવાતા ઓનલાઈન ‘ફોર્મ ૬’ માં કરાયેલા ફેરફારો અને ઈસીઆઈનેટ (ECINet) સિસ્ટમના અતિ-કેન્દ્રીકરણ અંગે તેમણે સખત વાંધો ઉઠાવ્યો હતો.
હવે સામાન્ય ફોર્મ ૬ લાગુ થશે
SIR પ્રક્રિયા દરમિયાન ઓનલાઈન ફોર્મ ૬ માં એક વધારાની ઘોષણા પૂછવામાં આવતી હતી, જેમાં અરજદારે દર્શાવવું પડતું હતું કે શું તેમના અથવા તેમના માતા-પિતાના નામ અગાઉના SIR માં સામેલ હતા કે નહીં. જો ૧૮ વર્ષના યુવાનના પિતાનું નામ કાઢી નાખવામાં આવ્યું હોય, તો તેના માટે ફોર્મ ભરવું અશક્ય બની જતું હતું. ચૂંટણી કમિશનર સંધુએ આ વધારાની શરતને “અનધિકૃત અને ગેરકાયદેસર” ગણાવી હતી.
હવે પંચે ૨૯ સપ્ટેમ્બરના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે SIR પૂર્ણ થયેલા ૨૦ રાજ્યોમાં આ વધારાની શરત હટાવી લેવામાં આવી છે. હવે તમામ નવા અને બાકાત રહી ગયેલા મતદારો સામાન્ય વૈધાનિક ફોર્મ ૬ દ્વારા સરળતાથી અરજી કરી શકશે.
જૂની અને નવી યાદીઓનું મેચિંગ અને ઘરે-ઘરે ચકાસણી
વીડિયો કોન્ફરન્સ દરમિયાન નાયબ ચૂંટણી કમિશનરે રાજ્યોને આદેશ આપ્યો છે કે તેઓ SIR પહેલાંની અને SIR પછીની મતદાર યાદીઓની તુલના કરે. આ તુલના દ્વારા એવા લોકોની યાદી તૈયાર કરવામાં આવશે કે જેમના નામ દૂર કરવામાં આવ્યા છે પરંતુ તેઓ અન્ય કોઈ સ્થળે નોંધાયેલા નથી, ડુપ્લિકેટ નથી કે જેમનું મૃત્યુ થયું નથી.
અધિકારીઓને આવા મતદારોના ઘરે રૂબરૂ જઈને માહિતી એકત્રિત કરવા અને તેમની પાસેથી ફોર્મ ૬ ભરાવવાની સૂચના અપાઈ છે. આ કામગીરીમાં રાજકીય પક્ષોના બૂથ-સ્તરના એજન્ટો (BLA) ની પણ મદદ લેવાણા નિર્દેશ છે.
ગોવાના ૯૭ મતદારોનો કિસ્સો અને ECINet નો વિવાદ
આ સમગ્ર પ્રક્રિયામાં ગોવાનો કિસ્સો આંખ ઉઘાડનારો રહ્યો છે. ગોવામાં ERO સ્તરે તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા બાદ પણ ૯૭ લાયક મતદારોના નામો આખરી યાદીમાં ઉમેરી શકાયા નહોતા, કારણ કે ECINet સોફ્ટવેરમાં સ્થાનિક અધિકારીઓ પાસે નામ ઉમેરવાનો વિકલ્પ જ બંધ કરી દેવાયો હતો. ગોવા CEO ની કચેરીએ ચૂંટણી પંચને ૮ પત્રો લખ્યા હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નહોતો.
આ બાબતે ચૂંટણી કમિશનર સંધુએ ૧૪ ઓગસ્ટે વાંધો ઉઠાવ્યો હતો કે કાયદા મુજબ મતદાર યાદી તૈયાર કરવાની જવાબદારી ERO, DEO અને CEO ની છે, પરંતુ IT વિભાગ દ્વારા તેમની સત્તાઓ સીમિત કરી દેવાઈ હતી. ૨૬ સપ્ટેમ્બરે મળેલી પૂર્ણ કમિશનની બેઠકમાં આ અંગે સમીક્ષા કરવા અને IIT/IIIT ના નિષ્ણાતોની એક કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો હતો.
મહારાષ્ટ્રમાં ૧.૨૨ કરોડ રેકોર્ડ તપાસ હેઠળ: ઉતાવળ ન કરવા આદેશ
હાલ મહારાષ્ટ્ર સૌથી મોટું રાજ્ય છે જ્યાં SIR કામગીરી ચાલી રહી છે, જ્યાં ૧.૨૨ કરોડ રેકોર્ડ્સ ચકાસણી હેઠળ છે. આમાંથી ૬૨.૪૮ લાખ કેસ વિસંગતતાઓ સાથે અને પ૯.૭૫ લાખ કિસ્સાઓ અગાઉના સંબંધીઓ સાથે મેચ ન થવાને કારણે ફ્લેગ થયા છે.
ચૂંટણી પંચે મહારાષ્ટ્રના તમામ અધિકારીઓને કડક સૂચના આપી છે કે કોઈપણ મતદારનું નામ ઉતાવળમાં કાઢી નાખવું નહીં. મતદારને પોતાની વાત રજૂ કરવાની અને દસ્તાવેજો આપવાની પૂરતી તક આપવી. “અનમેપ્ડ” અથવા “તાર્કિક વિસંગતતા” ધરાવતા મતદારોને હવે સરકારી ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નથી; બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પોતે તેમના ઘરે જઈને દસ્તાવેજો એકત્રિત કરશે. મહારાષ્ટ્રમાં ૩, ૪, ૧૦ અને ૧૧ ઓક્ટોબરના રોજ વિશેષ કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે.
