વિશ્વના સૌથી શક્તિશાળી 5 મુસ્લિમો કોણ? કિંગ સલમાનથી આસિમ મુનીર સુધી આ નેતાઓએ મેળવ્યું પ્રથમ સ્થાન, ભારતના 22 લોકોનો પણ સમાવેશ
વિશ્વના સૌથી પ્રભાવશાળી મુસ્લિમોની વર્ષ 2027ની યાદી જાહેર થતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વખતે યાદીમાં એક નહીં પરંતુ પાંચ દિગ્ગજ નેતાઓને સંયુક્ત રીતે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ, પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર, સાઉદી અરેબિયાના કિંગ સલમાન, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆનને વિશ્વના સૌથી પ્રભાવશાળી મુસ્લિમોમાં ટોચનું સ્થાન મળ્યું છે.
આ યાદી ‘ધ મુસ્લિમ 500’ (The Muslim 500) તરીકે ઓળખાય છે. જોર્ડનના અમ્માન સ્થિત રોયલ ઇસ્લામિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ સેન્ટર (RISSC) દ્વારા દર વર્ષે આ યાદી પ્રકાશિત કરવામાં આવે છે. તેમાં રાજકારણ અને સૈન્ય ઉપરાંત ધર્મ, વેપાર, વિજ્ઞાન, રમતગમત, મીડિયા અને સામાજિક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવતા 500 મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવે છે.
આ વર્ષની યાદીની ખાસ વાત એ છે કે ભારતના પણ 22 મુસ્લિમોને સ્થાન મળ્યું છે. તેમાં ધાર્મિક નેતાઓથી લઈને ઉદ્યોગપતિઓ અને મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ સામેલ છે.

વિશ્વના ટોચના પાંચ પ્રભાવશાળી મુસ્લિમો કોણ છે?
1. શહબાઝ શરીફ અને આસિમ મુનીર (પાકિસ્તાન)
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને સંયુક્ત રીતે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. શહબાઝ શરીફે માર્ચ 2024માં બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી હતી. તેમના નેતૃત્વ હેઠળ પાકિસ્તાન આર્થિક સંકટમાંથી બહાર આવવા, વિદેશી મુદ્રા ભંડાર વધારવા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સહાય મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે. જોકે, મોંઘવારી, દેવું અને રાજકીય અસ્થિરતા હજુ પણ દેશ સામેના મોટા પડકારો છે.
બીજી તરફ, આસિમ મુનીર પાકિસ્તાનની સેનામાં સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંના એક છે. દેશની સુરક્ષા નીતિ અને રાજકીય બાબતોમાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ તથા યુદ્ધવિરામની પ્રક્રિયાને લઈને પણ તેમનું નામ ચર્ચામાં રહ્યું છે.
2. કિંગ સલમાન (સાઉદી અરેબિયા)
સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલઅઝીઝ પણ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે. તેઓ સાઉદી અરેબિયાના રાજા હોવાની સાથે ‘બે પવિત્ર મસ્જિદોના રક્ષક’ તરીકે ઓળખાય છે. મક્કા અને મદીના જેવા ઇસ્લામના પવિત્ર સ્થળો સાઉદી અરેબિયામાં આવેલા હોવાથી મુસ્લિમ વિશ્વમાં આ દેશનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. સાઉદી અરેબિયાની આર્થિક અને રાજકીય શક્તિ પણ તેના વૈશ્વિક પ્રભાવને મજબૂત બનાવે છે.
3. મોહમ્મદ બિન સલમાન (સાઉદી અરેબિયા)
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન, જેમને MBS તરીકે ઓળખવામાં આવે છે, તેઓ પણ ટોચના પાંચમાં સામેલ છે. તેમના નેતૃત્વ હેઠળ સાઉદી અરેબિયા તેલ પરની નિર્ભરતા ઘટાડીને પ્રવાસન, ટેક્નોલોજી, રમતગમત અને અન્ય ક્ષેત્રોમાં રોકાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. દેશના આર્થિક પરિવર્તન અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે.
4. રજબ તૈયબ એર્દોઆન (તુર્કી)
તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆન પણ સંયુક્ત પ્રથમ સ્થાન મેળવનારા નેતાઓમાં સામેલ છે. તેઓ લાંબા સમયથી તુર્કીના રાજકારણમાં પ્રભાવશાળી રહ્યા છે. તુર્કીની સૈન્ય શક્તિ, સંરક્ષણ ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીને નવી દિશા આપવામાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
મક્કા સંયુક્ત સંરક્ષણ કરારથી વધ્યો પ્રભાવ
આ પાંચ નેતાઓને સંયુક્ત રીતે પ્રથમ સ્થાન આપવા પાછળનું એક મહત્ત્વનું કારણ મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર હોવાનું જણાવવામાં આવ્યું છે. 7 ઓગસ્ટ, 2026ના રોજ સ્થાપિત થયેલા આ કરારમાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે સંરક્ષણ સહયોગને મહત્ત્વ આપવામાં આવ્યું છે.આ કરાર મુજબ, ત્રણમાંથી કોઈ એક દેશ પર સશસ્ત્ર હુમલો થાય તો તેને ત્રણેય દેશો પરનો હુમલો ગણવાની જોગવાઈ છે. આ સહયોગમાં સાઉદી અરેબિયાની આર્થિક શક્તિ, પાકિસ્તાનની સૈન્ય ક્ષમતા અને તુર્કીની ટેક્નોલોજી તથા સંરક્ષણ ક્ષેત્રની નિપુણતાને એકસાથે લાવવાનો હેતુ છે.

આ યાદીમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ, ભારતના મૌલાના મહમૂદ મદનીએ 18મું સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત અસદુદ્દીન ઓવૈસી, ઝાકિર નાઈક, અઝીમ પ્રેમજી અને શાહરૂખ ખાન જેવી ભારતીય હસ્તીઓનો પણ યાદીમાં સમાવેશ થયો છે.
કેવી રીતે તૈયાર થાય છે ‘ધ મુસ્લિમ 500’ની યાદી?
ધ મુસ્લિમ 500ની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી અને 2027માં તેની 18મી આવૃત્તિ પ્રકાશિત થઈ છે. આ યાદી તૈયાર કરતી વખતે માત્ર લોકપ્રિયતા કે સોશિયલ મીડિયા પરના અનુયાયીઓની સંખ્યાને મહત્ત્વ આપવામાં આવતું નથી.
વ્યક્તિનો મુસ્લિમ સમાજ પરનો પ્રભાવ, સમાજમાં લાવેલા પરિવર્તનો, નેતૃત્વની ક્ષમતા અને પોતાના ક્ષેત્રમાં તેમના યોગદાન જેવા પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે છે.રાજકારણ, ધાર્મિક શિક્ષણ, વ્યવસાય, વિજ્ઞાન, ટેક્નોલોજી, મીડિયા, રમતગમત, કળા અને સમાજસેવા સહિત 13 અલગ-અલગ ક્ષેત્રોના લોકોનો આ યાદીમાં સમાવેશ થાય છે.
