સુરતમાં AI આધારિત નકલી પટોળાના વધતા વેપારે પાટણ-રાજકોટના કારીગરોમાં પ્રચંડ આક્રોશ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

અસલ રેશમી પટોળા સામે સસ્તા પ્રિન્ટેડ પટોળાની સ્પર્ધાએ કળાના અસ્તિત્વ પર પ્રશ્ન ચિહ્ન ઊભું કર્યું

સુરતની અનેક ટેક્સટાઈલ એકમોમાં હવે AI આધારિત ડિઝાઈનથી બનેલા પ્રિન્ટેડ કપડાં ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે. આ પ્રિન્ટેડ કપડાંને પાટણ અને રાજકોટના અસલ પટોળા તરીકે રજૂ કરીને માત્ર રૂ.900થી બજારમાં વેચવામાં આવે છે. એક બાજુ મૂળ પટોળું કારીગરો દિવસો સુધી મહેનત કરીને કુદરતી રંગો અને શુદ્ધ રેશમી દોરાથી બનાવે છે, જ્યારે બીજી બાજુ સિન્થેટિક કપડાં પર કેમિકલ આધારિત રંગોથી નકલી પટોળા તૈયાર થઈ રહ્યા છે.

કારીગરોમાં વધતી નારાજગી: સદીઓથી ચાલતી કળા પર ખતરાના વાદળ

પાટણ અને રાજકોટના પટોળા કારીગરો સરકાર સમક્ષ આ મુદ્દે ગંભીર રજૂઆત કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ જીઆઈ કાયદો હોવા છતાં સુરતમાં મોટા પાયે ડુપ્લિકેટ પટોળા છપાઈ રહ્યા છે, જે મૂળ કળાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. કારીગરો જણાવે છે કે આવા નકલી પટોળા થોડા જ દિવસમાં રંગ ઉડી જતા ગાભા જેવા થઈ જાય છે, જ્યારે અસલ પટોળું વર્ષો સુધી પોતાની તેજસ્વિતા જાળવી રાખે છે.

fake patola AI print surat 2.png

- Advertisement -

જીઆઈ સુરક્ષા છતાં અસલ પટોળાને ઓછું મહત્વ, કારીગરોની વ્યથા

પાટણના રાહુલ સાલ્વી જણાવે છે કે જીઆઈનો હેતુ મૂળ કળાને, મૂળ મટિરિયલ સાથે, વૈશ્વિક સ્તરે સુરક્ષિત કરવાનું છે. છતાં કેટલીક ટેક્સટાઈલ એકમો જીઆઈના નિયમોની અવગણના કરીને નકલી પટોળાનું ઉત્પાદન કરી રહી છે. તેમણે યાદ અપાવ્યું કે ‘ખૂશ્બુ ગુજરાત કી’ના પ્રમોશન દરમિયાન જ અમિતાભ બચ્ચને પટોળાને ખાસ સ્થાન આપ્યું હતું, પરંતુ આજે એ જ વારસો સસ્તા પ્રિન્ટથી ખરડાઈ રહ્યો છે.

fake patola AI print surat 1.png

- Advertisement -

અસલ અને નકલી પટોળામાં આકાશ-જમીનનો તફાવત

મૂળ પટોળાંમાં શુદ્ધ રેશમ સાથે હળદર, મજીઠ, દાડમ, હરડે અને ગલગોટા જેવા કુદરતી રંગોનો ઉપયોગ થાય છે. તાણા-વાણા ટેકનિકથી અનોખી ડિઝાઈન તૈયાર થાય છે, જેનું મૂલ્ય ચાર લાખ સુધી પહોંચે છે. જ્યારે સુરતમાં બનેલા પ્રિન્ટેડ પટોળા રૂ.500થી 1500 સુધીમાં ઉપલબ્ધ છે, જે અસલ કળાને સીધુ નુકસાન પહોંચાડે છે.

ગુજરાતની ધરોહર બચાવવા નકલી પટોળા પર પ્રતિબંધની માંગ

કરીગરો સરકારને માંગ કરે છે કે જેમ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકાયો હતો, તેમ નકલી પટોળાના ઉત્પાદન અને વેચાણ પર પણ પ્રતિબંધ લાદવો જોઈએ. તેઓ કહે છે કે જાપાન અને અમેરિકાથી પણ લોકો આપણા અસલ પટોળા બનાવવાની પ્રક્રિયા જોવા આવે છે. આવા સમયમાં ઉદ્યોગ દ્વારા કરવામાં આવતી ડુપ્લિકેશન આ અદભૂત કળાના ભવિષ્ય માટે મોટો ખતરો ઉભો કરે છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.