ગુજરાત બજેટ 2026-27: ખેતી અને ખેડૂતો માટે ખુલી ગયું તિજોરીનું દ્વાર, જાણો ‘જગતના તાત’ માટેની 10 મોટી જાહેરાતો
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ આજે વર્ષ 2026-27નું ₹4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. “વિકસિત ગુજરાત” ના વિઝનને સાકાર કરવા માટે આ બજેટમાં ‘અન્નદાતા’ એટલે કે ખેડૂતોને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹24,022 કરોડની માતબર જોગવાઈ કરીને સરકારે ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતીને આધુનિક બનાવવા તરફ મજબૂત ડગ માંડ્યું છે.
નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આ બજેટ “વાવણીથી વેચાણ સુધી” ખેડૂતોની પડખે ઊભા રહેવાનું વચન છે. ચાલો જાણીએ ખેડૂતો અને પશુપાલકો માટેની સૌથી મહત્વની જાહેરાતો:
1. આપત્તિમાં આર્થિક સહાય: ₹11,000 કરોડનું કૃષિ રાહત પેકેજ
તાજેતરમાં પૂર અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સરકારે ₹11,000 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ દ્વારા રાજ્યના અંદાજે 33 લાખ ખેડૂતોને સીધી આર્થિક મદદ પહોંચાડવામાં આવશે, જે તેમને ફરીથી બેઠા થવામાં મદદરૂપ થશે.
2. ખેતી માટે સસ્તી વીજળી: ₹9,324 કરોડની ફાળવણી
ખેતીમાં વીજળી એ સૌથી મોટું પરિબળ છે. ખેડૂતોને રાહત દરે વીજળી મળી રહે તે માટે બજેટમાં ₹9,324 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ રકમ દ્વારા ખેતીવાડી જોડાણો પર સબસિડી આપવામાં આવશે, જેથી ખેડૂતોના માથે વીજ બિલનો બોજ ઓછો થાય.
3. કૃષિ યાંત્રિકીકરણ: ટ્રેક્ટર અને ઓજારો માટે સબસિડી
ખેતીમાં શારીરિક શ્રમ ઘટાડવા અને આધુનિક મશીનરીના ઉપયોગને વેગ આપવા માટે ₹1,565 કરોડ ફાળવાયા છે. જેમાં:
- ટ્રેક્ટર ખરીદી: ₹800 કરોડની જોગવાઈ.
- વિવિધ કૃષિ ઓજારો: ₹765 કરોડની જોગવાઈ.
4. પાક સંગ્રહ માટે ₹1 લાખની સહાય
ખેત પેદાશોના બગાડ અટકાવવા અને ખેડૂતોને સંગ્રહ કરવાની શક્તિ આપવા માટે “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” હેઠળ 15,436 ખેડૂતોને નાના ગોડાઉન બનાવવા માટે ₹1 લાખની સહાય અપાશે. આ માટે ₹154 કરોડ ખર્ચવામાં આવશે.
5. સિંચાઈના પ્રોજેક્ટ્સ: સુકા પ્રદેશો બનશે હરિયાળા
રાજ્યના દરેક ખેતર સુધી પાણી પહોંચાડવા માટે સિંચાઈના માળખામાં મોટું રોકાણ કરવામાં આવ્યું છે:
- કચ્છ સિંચાઈ યોજના: ₹1,333 કરોડ.
- સુજલામ સુફલામ યોજના: ₹1,237 કરોડ.
- સૌની (SAUNI) યોજના: ₹473 કરોડ.
- નળકાંઠા વિસ્તાર (બીજો તબક્કો): ₹958 કરોડ.
6. ટેકાના ભાવે ખરીદી માટે ₹18,000 કરોડ
મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકો પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકારે ₹18,000 કરોડના ખર્ચે ટેકાના ભાવે ખરીદી કરવાની ખાતરી આપી છે. આનાથી અંદાજે 9.50 લાખ ખેડૂતોને સીધો લાભ થશે.
7. પશુપાલકો માટે ‘ગૌ માતા પોષણ યોજના’
પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’ માટે ₹500 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત, ગાભણ અને વિયાણ થયેલ પશુઓ માટે ખાણદાણ સહાય પેટે ₹61 કરોડ અને પશુઓની નિ:શુલ્ક સારવાર માટે ₹52 કરોડની જોગવાઈ છે.
8. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) અને વ્યાજ સહાય
ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને સસ્તું ધિરાણ મળી રહે તે માટે વ્યાજ સહાય પેટે ₹1,539 કરોડની જોગવાઈ કરાઈ છે. સમયસર લોન ભરપાઈ કરનારને આનો મોટો ફાયદો મળશે.
9. ડ્રોન ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી
ખેતીમાં આધુનિકતા લાવવા માટે ડ્રોન દ્વારા ખાતર અને દવાનો છંટકાવ કરવા માટે ₹77 કરોડ ફાળવાયા છે. જ્યારે ઝેરમુક્ત ખેતી એટલે કે ‘પ્રાકૃતિક ખેતી’ ને પ્રોત્સાહન આપવા માટે ₹392 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
10. રાજ્યના 4 ઝોનમાં બાયો-CNG પ્લાન્ટ
પશુપાલકોની વધારાની આવક માટે સરકારે નવીન અભિગમ અપનાવ્યો છે. રાજ્યના 4 ઝોનમાં બાયો-CNG પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જ્યાં પશુપાલકો ગોબરનું વેચાણ કરીને કમાણી કરી શકશે.

