પિતાને ગુમાવનાર રિંકુ સિંહની વહારે આવ્યા ગૌતમ ગંભીર, મુશ્કેલ સમયમાં વધાર્યો યુવા ખેલાડીનો ઉત્સાહ

3 Min Read

“તું એકલો નથી, આખી ટીમ તારી સાથે છે” પિતાના અવસાન બાદ પરત ફરેલા રિંકુ સિંઘને ગૌતમ ગંભીરે આપ્યો ટેકો

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે વેસ્ટ ઈન્ડિઝ સામેની નિર્ણાયક મેચ પહેલા ટીમ મીટિંગમાં રિંકુ સિંઘના મજબૂત ચરિત્ર અને સમર્પણની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. રિંકુ સિંઘ તેના પિતા ખાનચંદ સિંઘના નિધનના ગણતરીના કલાકોમાં જ ભારતીય કેમ્પમાં પરત ફર્યો હતો, જે તેના વ્યવસાયિક અભિગમ અને દેશ પ્રત્યેના લગાવની સાક્ષી પૂરે છે.

અંગત દુઃખ વચ્ચે ટીમ પ્રત્યેનું સમર્પણ

રિંકુ સિંઘના પિતા લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. સાઉથ આફ્રિકા સામેની મેચ બાદ પિતાની તબિયત વધુ બગડતા રિંકુ તાત્કાલિક ઘરે રવાના થયો હતો. પિતાના અવસાન બાદ અંતિમ સંસ્કાર પતાવીને તે તુરંત ચેન્નાઈ પરત ફર્યો અને ટીમ સાથે જોડાઈ ગયો. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ ભારત માટે ‘વર્ચ્યુઅલ નોકઆઉટ’ સમાન હતી, અને આવા મુશ્કેલ સમયમાં રિંકુનું ટીમમાં પરત ફરવું ગૌતમ ગંભીરને સ્પર્શી ગયું હતું.

- Advertisement -

gutam.jpg

BCCI દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં ગંભીર રિંકુને પ્રોત્સાહન આપતા કહે છે:

- Advertisement -

“રિંકુ, આટલા મોટા આઘાત પછી ટીમમાં પરત ફરવા માટે ખૂબ જ હિંમત જોઈએ. એક વાત યાદ રાખજે, તું આ લડાઈમાં એકલો નથી, આખી ટીમ તારી પાછળ મજબૂતીથી ઉભી છે. તું બસ મજબૂત રહે.”

“દબાણથી ભાગશો નહીં, તેને સ્વીકારો” ગંભીરની સ્પીચ

ટીમ હડલમાં ગૌતમ ગંભીરે ખેલાડીઓમાં જોશ ભરતા એક જોરદાર ભાષણ આપ્યું હતું. તેણે ખેલાડીઓને દબાણમાં ડરવાને બદલે તેનો સામનો કરવાની સલાહ આપી હતી. ગંભીરે કહ્યું કે, “મિત્રો, દબાણ તો રહેવાનું જ છે. પરંતુ આપણે તેનાથી દૂર ભાગવાનું નથી. આપણે તેને અપનાવવાનું છે. જો તમને લાગે કે તમે દબાણમાં છો, તો સકારાત્મક પગલાં ભરો. તમે આખી જિંદગી આવા જ નોકઆઉટ મુકાબલાઓ માટે ક્રિકેટ રમ્યા છો.”

ગંભીરે વધુમાં ઉમેર્યું કે, “મેદાનમાં પૂરા જોશ સાથે ઉતરો અને આગામી 40 ઓવર સુધી દબાણને હાવી થવા ન દો. હિંમત રાખો, દેશ માટે રમવાનો આનંદ માણો અને સૌથી અગત્યનું, એકબીજા માટે રમવાનો આનંદ માણો. ગુડ લક!”

- Advertisement -

ભારતની શાનદાર જીત અને સેમીફાઈનલમાં એન્ટ્રી

ગૌતમ ગંભીરના પ્રેરણાદાયી શબ્દો અને ટીમના સંયુક્ત પ્રયાસોનું પરિણામ મેદાન પર જોવા મળ્યું હતું. જોકે રિંકુ સિંઘને પ્લેઈંગ XI માં જગ્યા નહોતી મળી, પરંતુ ટીમના અન્ય ખેલાડીઓએ અદ્ભુત લડત આપી હતી. ખાસ કરીને સંજુ સેમસને મુશ્કેલ પરિસ્થિતિમાં 97 રનની ઐતિહાસિક ઈનિંગ રમીને ભારતને પાંચ વિકેટથી જીત અપાવી હતી. આ જીત સાથે જ ભારતે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

Share This Article