સાડા સાત લાખ લોકોનું આયોજન અને કમળ આકારની વિધાનસભા: 60 દાયકામાં કેટલું બદલાયું આપણું ગાંધીનગર?
૨ ઓગસ્ટ, ૧૯૬૫ના રોજ જ્યારે સાબરમતી નદીના કિનારે ખુલ્લા ખેતરો વચ્ચે ગુજરાતની નવી રાજધાનીની પ્રથમ ઈંટ મૂકાઈ હતી, ત્યારે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ નગર એક દિવસ રાજ્યનું રાજકીય હૃદય, હરિયાળીની મિસાલ અને સુઆયોજિત શહેરી વિકાસનું વૈશ્વિક મોડેલ બનશે. સ્થાપનાના ૬૧ વર્ષ પૂર્ણ કરી ચૂકેલું ગાંધીનગર આજે માત્ર વહીવટી પાટનગર નથી રહ્યું, પરંતુ તે ગુજરાતના સ્વાભિમાન, વિઝન અને આયોજનશક્તિનું જીવંત ઉદાહરણ બન્યું છે.
સમયની સાથે ગાંધીનગરની ઓળખ સતત બદલાતી અને સમૃદ્ધ થતી રહી છે. શરૂઆતમાં જે શહેર ‘ગાંધીયન સિટી’ અને ઓછા પ્રદૂષણને કારણે ‘અનપોલ્યુટેડ સિટી’ તરીકે ઓળખાયું, તે સમય જતાં કરોડો વૃક્ષોના વાવેતરથી ‘ગ્રીન સિટી’ બન્યું. એક સમયે ધૂળિયા ગામડાં જેવું લાગતું આ નગર તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને કારણે વૈશ્વિક નકશા પર ઉભરી આવ્યું. આજે ગિફ્ટ સિટી (GIFT City), મહાત્મા મંદિર, વર્લ્ડ ક્લાસ મેટ્રો કનેક્ટિવિટી અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓ સાથે આ પરંપરાને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે.
મહાગુજરાત આંદોલન અને નવી રાજધાનીનો જન્મ
૧ મે, ૧૯૬૦ના રોજ મહાગુજરાત આંદોલનના પરિણામે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. તે સમયે સહુથી મોટો પ્રશ્ન એ હતો કે રાજ્યનું પાટનગર ક્યાં બનાવવું? અમદાવાદ રાજ્યનું સૌથી મોટું અને વિકસિત શહેર હતું, પરંતુ તત્કાલીન નેતાઓએ કોઈ તૈયાર શહેરને રાજધાની બનાવવાને બદલે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તદ્દન નવું, આયોજનબદ્ધ શહેર વસાવવાનો સાહસિક નિર્ણય લીધો.

જોકે તે સમયે ચંડીગઢ અને ભુવનેશ્વર જેવા મોડેલ શહેરો ઉપલબ્ધ હતા, છતાં ગુજરાતે પોતાની આગવી સંસ્કૃતિ અને ઓળખ ધરાવતું પાટનગર બનાવવાનો માર્ગ પસંદ કર્યો.
પશ્ચિમી સ્થાપત્યકાર નહીં, ભારતીય હસ્તકળા પર ભરોસો
ગાંધીનગરના ઈતિહાસ પર સંશોધન કરનાર પ્રોફેસર રવિ કાલીયા નોંધે છે કે શરૂઆતમાં વિશ્વવિખ્યાત અમેરિકન આર્કિટેક્ટ લુઈ કાનને આ શહેરના પ્લાનિંગ માટે લાવવાની વિચારણા થઈ હતી. અમદાવાદના કેટલાક ઉદ્યોગપતિઓ પણ આ પ્રસ્તાવના સમર્થનમાં હતા અને ચાર વર્ષ માટે એક લાખ ડૉલરની ફીનો પ્રસ્તાવ પણ તૈયાર હતો. પરંતુ, રાજ્ય સરકારે ભારપૂર્વક નિર્ણય કર્યો કે ગુજરાતની રાજધાનીનું નિર્માણ ભારતીય આયોજકો દ્વારા જ થશે.
આ ઐતિહાસિક જવાબદારી એચ. કે. મેવાડાને સોંપવામાં આવી, જેમાં તેમની સાથે પ્રકાશ એમ. આપ્ટે જોડાયા. આ બંને ગુરુ-શિષ્યે ચંડીગઢના નિર્માણ વખતે પ્રખ્યાત સ્થાપત્યકાર લી કોર્બુઝિયર સાથે કામ કર્યું હતું. પરંતુ ગાંધીનગરમાં તેમણે કોઈ પશ્ચિમી મોડેલની નકલ કરવાને બદલે ભારતીય નગર આયોજન, ગુજરાતની પરંપરા અને મહાત્મા ગાંધીના વિચારોને પ્રાધાન્ય આપ્યું.
મુખ્ય શિલ્પી એચ. કે. મેવાડા કોણ હતા?
ગાંધીનગરના મુખ્ય નગર આયોજક હરગોવિંદ કાળીદાસ મેવાડા (એચ. કે. મેવાડા)નો જન્મ ૨૩ જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના દેનાપ ગામે થયો હતો. તેમણે અમેરિકાની પ્રતિષ્ઠિત કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર અને ટાઉન પ્લાનિંગમાં ઉચ્ચ પદવી મેળવી હતી.
ભારત પરત ફર્યા બાદ ૧૯૫૦ના દાયકામાં તેમણે ચંડીગઢ પ્રોજેક્ટમાં કામ કર્યું અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ, આસામ અને રાજસ્થાનમાં સીનિયર ટાઉન પ્લાનર તરીકે સેવાઓ આપી. તેમના આ બહોળા અનુભવ અને ગાંધીવાદી વિચારસરણીને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી ૧૯૬૫માં ગુજરાત સરકારે તેમને નવા પાટનગરના મુખ્ય ટાઉન પ્લાનર તરીકે નિયુક્ત કર્યા હતા.
ગાંધીવાદી વિચારો અને સાડા સાત લાખ લોકોનું આયોજન
શહેરનું નામ માત્ર પૂજ્ય બાપુના નામ પરથી નહોતું રખાયું, પરંતુ તેની આખી સંરચના ગાંધીજીના વિચારોથી પ્રેરિત હતી. સાબરમતી આશ્રમની નજીક જ સાબરમતી નદીના કિનારે આ શહેર ગોઠવાયું. મૂળ પ્લાનમાં ગાંધી સ્મારકની જગ્યા રખાઈ હતી, જે વર્ષો પછી ‘મહાત્મા મંદિર’ સ્વરૂપે સાકાર થઈ.
ગાંધીનગરનું આયોજન તેના સમય કરતાં ઘણું આગળનું હતું. પ્રથમ તબક્કામાં ૩૦ સેક્ટરો વિકસાવીને ૧.૫ લાખ વસતી ધારણ કરવાની ક્ષમતા રખાઈ હતી, પરંતુ એફ.એસ.આઈ. (FSI) વધારીને તેને ૩ લાખ સુધી લઈ જવાઈ. એટલું જ નહીં, ભવિષ્યમાં શહેર ઉત્તર-પશ્ચિમ દિશામાં વિસ્તરીને વધુ ૩૦ સેક્ટરો સાથે કુલ સાડા સાત લાખની વસતીને સમાવી શકે તેવું ભવિષ્યલક્ષી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
અનોખું ગ્રીડ માળખું અને કમળ આકારની વિધાનસભા
ગાંધીનગરની ખરી ઓળખ તેના ૧x૧ કિલોમીટરના ચોરસ સેક્ટરો, કક્કાવારી (અ, બ, ક…) અને આંકડા આધારિત રસ્તાઓ, દરેક ચાર રસ્તે આવેલા ગોળચક્કરો અને વિશાળ ગ્રીન બેલ્ટ છે.
શહેરનું સૌથી મોટું આકર્ષણ તેની વિધાનસભા (ગુજરાત વિધાન મંડળ) છે. પ્રોફેસર રવિ કાલીયા લખે છે કે વિધાનસભાનું આંતરિક સ્થાપત્ય કમળની પાંખડીઓ પરથી પ્રેરિત છે. આખું ગૃહ વચ્ચે રહેલા વિશાળ થાંભલા પર ટકેલું છે, જે ભારતીય વાસ્તુ અને આધુનિક આર્કિટેક્ચરનું અદભુત મિશ્રણ રજૂ કરે છે.
રેતીના વંટોળથી ધમધમતા મહાનગર સુધી
‘આપણું સૌનું ગાંધીનગર’ પુસ્તકમાં અરુણ બુચ યાદ કરે છે કે શરૂઆતના દિવસોમાં દિવસે રેતીની ડમરીઓ ઊડતી અને રાત્રે ભયાનક શાંતિ છવાઈ જતી. તે સમયે શહેરની વસતી માત્ર ૧૪,૦૦૦ ની હતી. સરકારે તબક્કાવાર ૧૬,૪૬૬ જેટલા સરકારી આવાસો બનાવ્યા અને ધીમે ધીમે કચેરીઓ શિફ્ટ થતાં નગરમાં પ્રાણ પૂરાયા.
દ્વારકા, ગિરિનગર, વલ્લભી, અણહિલવાડ પાટણ અને અમદાવાદની ઐતિહાસિક પરંપરામાં ગાંધીનગર ગુજરાતની નવી રાજધાની તરીકે ઉમેરાયું. ૬૧ વર્ષના આરે પહોંચેલું આ શહેર આજે પણ થાક્યા વિના સતત વિકસી રહ્યું છે અને ગુજરાતના ભવિષ્યની દિશા નક્કી કરી રહ્યું છે.