અમદાવાદ સિવિલ હોસ્પિટલનો નવો તબીબી ચમત્કાર: ITP જેવી ગંભીર બીમારી ધરાવતી મહિલાનું સફળ ‘ટોટલ હિપ રિપ્લેસમેન્ટ’

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
5 Min Read

ખાનગી હોસ્પિટલોએ હાથ ઊંચા કરી દીધા, પણ અમદાવાદ સિવિલના ડૉક્ટરોએ કરી બતાવ્યો નવો કમાલ!

ગુજરાત સરકારની જનકેન્દ્રિત અને સર્વસુલભ આરોગ્ય સેવાઓની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની એશિયા ખંડની સૌથી મોટી સિવિલ હોસ્પિટલે વધુ એક અત્યંત જટિલ અને ભારે ઉચ્ચ જોખમ ધરાવતી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને સરકારી આરોગ્ય સેવાની ઉત્કૃષ્ટ ગુણવત્તા, તબીબી નિષ્ણાતતા અને અદ્યતન સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા ITP (Idiopathic Thrombocytopenic Purpura) જેવી ગંભીર રક્તસંબંધિત બીમારીથી પીડાતા દર્દીનું સફળતાપૂર્વક ‘ટોટલ હિપ રિપ્લેસમેન્ટ’ (Total Hip Replacement – THR) કરવામાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચ અને ભારે જોખમને કારણે ના પાડવામાં આવી હોવા છતાં, સરકારી હોસ્પિટલે આ સિદ્ધિ સંપૂર્ણપણે નિઃશુલ્ક મેળવી બતાવી છે.

- Advertisement -

ITP બીમારી અને સર્જરી પાછળનું ગંભીર જોખમ

સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પ્રોફેસર ડૉ. પીયૂષ મિત્તલે આ કિસ્સાની વિગતો આપતાં જણાવ્યું કે, મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી સંગીતા ત્રિવેદી લાંબા સમયથી Idiopathic Thrombocytopenic Purpura (ITP) નામની ગંભીર રક્ત સંબંધી બીમારીથી પીડાતા હતા.

સામાન્ય રીતે આપણા લોહીમાં રહેલા પ્લેટલેટ્સ (Platelets) લોહીનો ગઠ્ઠો બનાવીને રક્તસ્રાવ અટકાવવાનું કામ કરે છે. પરંતુ ITP થી પીડિત દર્દીઓના શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ખૂબ જ ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં દર્દી પર કોઈ પણ નાની કે મોટી સર્જરી કરવી એટલે અનિયંત્રિત અને જીવલેણ રક્તસ્રાવનું ભારે જોખમ વહોરવું. આથી જ તબીબી ક્ષેત્રે ITP પીડિત દર્દીઓ પર સર્જરી કરવાનું અત્યંત જોખમી માનવામાં આવે છે.

- Advertisement -

ITP 1.jpg

સ્ટેરોઇડ્સની આડઅસર: હિપનો સાંધો સંપૂર્ણ નાશ પામ્યો

સંગીતા ત્રિવેદી ITP ની ગંભીર બીમારી માટે લાંબા સમયથી દવાઓ લઈ રહ્યા હતા. આ સારવાર દરમિયાન સ્ટેરોઇડ્સ (Steroids) ના ઉપયોગને કારણે તેમને Avascular Necrosis (AVN) નામની આડઅસર થઈ હતી. આ સ્થિતિમાં હિપ (થાપા) ના હાડકા સુધી લોહી પહોંચતું બંધ થઈ જાય છે, જેના કારણે થાપાનો સાંધો ધીમે-ધીમે સડી જાય છે અને સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે.

અસહ્ય પીડા અને ચાલવાની અસમર્થતાના કારણે સંગીતાબેનનું જીવન થંભી ગયું હતું. તેમને ફરી પોતાના પગ પર ઊભા કરવા માટે ‘ટોટલ હિપ રિપ્લેસમેન્ટ’ (Total Hip Replacement) સિવાય અન્ય કોઈ તબીબી વિકલ્પ બચ્યો નહોતો.

- Advertisement -

ખાનગી હોસ્પિટલોની ના અને સિવિલમાં આશાનું નવું કિરણ

સંગીતા ત્રિવેદીએ અગાઉ અનેક ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે સંપર્ક કર્યો હતો. પરંતુ ખાનગી હોસ્પિટલોમાં સર્જરી માટે રૂ. ૩ થી ૫ લાખ જેટલો આકરો ખર્ચ જણાવવામાં આવ્યો હતો. આટલું જ નહીં, ITP બીમારીના કારણે ઓપરેશન ટેબલ પર જ જીવલેણ રક્તસ્રાવ થવાનું ઊંચું જોખમ હોવાનું કહીને મોટા ભાગની હોસ્પિટલોએ સર્જરી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

દરેક જગ્યાએથી નિરાશ થયા બાદ આ દર્દી અને તેમનો પરિવાર આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ ખાતે પહોંચ્યા. અહીં પ્રોફેસર ડૉ. પીયૂષ મિત્તલ અને તેમની ટીમે દર્દીની ગંભીરતાથી ચકાસણી કરી અને આ પડકાર ઉપાડવાનું નક્કી કર્યું.

બહુવિભાગીય (Multidisciplinary) ટીમવર્કથી મેળવી સફળતા

આટલી જટિલ સર્જરી કોઈ એક વિભાગ દ્વારા શક્ય નહોતી. તેથી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક, હેમેટોલોજી, એનેસ્થેશિયા અને બ્લડ બેંક સહિતના વિવિધ વિભાગોના તબીબોએ ભેગા મળીને એક મજબૂત માસ્ટર પ્લાન તૈયાર કર્યો.

ઓપરેશન દરમિયાન એનેસ્થેશિયા વિભાગના પ્રોફેસર ડૉ. શાકુંતલા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. દર્દીના લોહીમાં પ્લેટલેટ્સનું સ્તર જાળવી રાખવા માટે ઓપરેશન દરમિયાન જ:

  • ૫ યુનિટ પ્લેટલેટ્સ (Platelets)

  • ૧ યુનિટ ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા (FFP)

  • ૧ યુનિટ પૅક્ડ સેલ વૉલ્યુમ (PCV)

આપવામાં આવ્યા હતા. સુનિયોજિત આયોજનના કારણે સંભવિત રક્તસ્રાવને સફળતાપૂર્વક નિયંત્રિત કરવામાં આવ્યો અને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી અત્યંત સુરક્ષિત રીતે પૂર્ણ થઈ.

સંગીતાબેનના જીવનમાં ફરી ગુંજ્યું ખુશીઓનું ‘સંગીત’

સફળ શસ્ત્રક્રિયા બાદ દર્દીની તબિયત સંપૂર્ણપણે સ્થિર અને સુધારા પર છે. થાપાના અસહ્ય દુખાવામાંથી મુક્તિ મળતાં તેઓ હવે કોઈના પણ ટેકા વિના સ્વતંત્ર રીતે ચાલી શકે છે અને પોતાના દૈનિક કાર્યો સરળતાથી કરી રહ્યા છે.

ગંભીર બીમારી, લાચારી અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ઘેરાયેલા એક સામાન્ય પરિવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો ફિરી એકવાર સંજીવની સાબિત થયા છે. આ સફળ સર્જરીએ સાબિત કરી દીધું છે કે જ્યારે અનુભવી તબીબો, શ્રેષ્ઠ ટેકનોલોજી અને સેવાભાવના ભેગા થાય છે, ત્યારે સરકારી હોસ્પિટલોમાં પણ તબીબી ચમત્કારો શક્ય બને છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.