પંજાબનો વોન્ટેડ, ગુજરાતમાં ઝડપાયો: પાકિસ્તાની ISI કનેક્શનનો પર્દાફાશ!
સીમા પારથી આતંક ફેલાવવાના મનસૂબા ઘડતા તત્વો સામે ગુજરાત પોલીસે લાલ આંખ કરી છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે પંજાબમાં ગ્રેનેડ હુમલા કરવાનું ષડયંત્ર રચનાર મુખ્ય આરોપીને ગુજરાત ATS એ બનાસકાંઠામાંથી ઝડપી પાડ્યો છે.
ગુજરાત એ.ટી.એસ. (ATS) દ્વારા દેશભરમાં કાર્યરત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક પર સતત વોચ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન પંજાબ પોલીસ દ્વારા શેર કરવામાં આવેલી બાતમીના આધારે ગુજરાત ATS અને બનાસકાંઠા SOG એ એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો આરોપી
પંજાબ પોલીસના ગ્રેનેડ સ્મગલિંગ કેસનો વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંઘ ઉર્ફે વિક્કી (રહે. નંગલ પનુઆલ, અમૃતસર) બનાસકાંઠાના ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કરીને પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. એ.ટી.એસ.ના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય અને તેમની ટીમ દ્વારા સચોટ વર્કઆઉટ કરીને આ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો.
કોણ છે સહેજાદ ભટ્ટી અને શું હતું કાવતરું?
તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી બિક્રમજીતસિંઘ પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટી અને આબિદ જટ્ટ ની ગેંગનો સભ્ય છે.
સહેજાદ ભટ્ટી પાકિસ્તાની ઇન્ટેલીજન્સ એજન્સી ISI માટે કામ કરતો ગેંગસ્ટર છે.
તે પંજાબમાં સુરક્ષા એકમો, પોલીસ સ્ટેશનો અને પ્રખ્યાત વ્યક્તિઓ પર ગ્રેનેડ હુમલા કરાવવાનું નેટવર્ક ચલાવે છે.
બિક્રમજીતસિંઘ પંજાબથી દૂર રહીને ગેંગ માટે સ્થાનિક માણસોની ભરતી કરતો અને હુમલાના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો.
કાયદેસરની કાર્યવાહી
આ આરોપી વિરુદ્ધ અમૃતસરના સ્પેશિયલ ઓપરેશન સેલ (SSOC) ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 61(2), વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગુજરાત ATS એ આરોપીની અટકાયત અંગે પંજાબ પોલીસને જાણ કરી છે અને તેને આગળની કાર્યવાહી માટે સોંપવાની તજવીજ હાથ ધરી છે.
ગુજરાત પોલીસની આ સતર્કતાએ સાબિત કરી દીધું છે કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર ગમે ત્યાં છુપાય, તે પોલીસની નજરથી બચી શકશે નહીં.

