કાર્યકારી અધ્યક્ષની ચર્ચાએ ગુજરાત કોંગ્રેસની આંતરિક ફૂટ ફરી બહાર લાવી
ગુજરાત કોંગ્રેસની આંતરિક સ્થિતિ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વર્ષોથી ચાલતી ગોઠવણી, જૂથબંધી અને એકબીજાની ખેંચતાણમાંથી પક્ષ બહાર આવી શકતો નથી. એક મુદ્દો ઉકેલાય ત્યાં બીજો વિવાદ ઉભો થાય એવી પરિસ્થિતિ સતત જોવા મળી રહી છે. હાલ જિગ્નેશ મેવાણીને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવાની સંભાવનાને લઈને પક્ષની અંદર નવી ‘કોલ્ડવોર’ શરૂ થઈ ગઈ છે. આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ બે ભાગે વહેંચાઈ ગયા છે અને આંતરિક ઘર્ષણ ફરી સપાટી પર આવ્યું છે.
મુદ્દો શું છે અને વિવાદ ક્યાંથી શરૂ થયો
રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાત મુલાકાત દરમિયાન પક્ષને ફરી સજીવન કરવા માટે ‘રેસના ઘોડા લાવવાની’ વાત કરી હતી અને નિષ્ક્રિય નેતાઓને સાઈડલાઈન કરવાના સ્પષ્ટ સંકેત આપ્યા હતા. ત્યારબાદ ઘણા નેતાઓ પોતાની ભૂમિકાને લઈને ચિંતિત બન્યા છે. હવે જિગ્નેશ મેવાણીને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની ચર્ચાએ આ આંતરિક અસંતોષને ખુલ્લેઆમ બહાર લાવી દીધો છે. મેવાણીને આગળ લાવવાની વાત સામે કોંગ્રેસના કેટલાક જૂના અને પ્રભાવશાળી નેતાઓ ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.
મેવાણીની આક્રમક છબી અને અંદરખાને નારાજગી
જિગ્નેશ મેવાણી આજે કોંગ્રેસના યુવા અને આક્રમક નેતા તરીકે ઉભરી રહ્યા છે. તેઓ સતત સરકાર સામે કડક મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, જેના કારણે સત્તાધારીઓ પણ અસહજ બની રહ્યા છે. એક તરફ મેવાણીની આ ભૂમિકા કોંગ્રેસને મેદાનમાં સક્રિય બનાવે છે, તો બીજી તરફ પક્ષની અંદર કેટલાક નેતાઓને તેમની આક્રમકતા ખટકી રહી છે. ખાસ કરીને જૂના નેતાઓને લાગે છે કે મેવાણી આગળ આવવાથી તેમની રાજકીય જગ્યા સીમિત થઈ શકે છે. આ ભયથી જ અંદરખાને વિરોધ વધુ તીવ્ર બન્યો છે.
કોંગ્રેસના બે જૂથ આમને સામને
મેવાણીને કાર્યકારી અધ્યક્ષ બનાવવા મુદ્દે કોંગ્રેસ પ્રદેશમાં સ્પષ્ટ રીતે બે જૂથ ઉભા થયા છે. એક જૂથ મેવાણીની તરફેણમાં છે અને માને છે કે આવા યુવા અને લડાકૂ નેતાઓ જ પક્ષને ફરી ઉભો કરી શકે. જ્યારે બીજો જૂથ મેવાણીને ‘કટ ટુ સાઈઝ’ કરવા પ્રયાસ કરી રહ્યો છે. આ વિરોધી જૂથમાં ભરત સોલંકી જેવા નેતાઓ ખુલ્લેઆમ મેદાને ઉતર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના સમર્થકોને ટિકિટ અપાવવા માટે પણ અંદરખાને ગોઠવણીઓ શરૂ થઈ ગઈ છે.
અમિત ચાવડાની આક્રમક ટીમ અને બદલાતી હિલચાલ
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં પોતાની નવી ટીમમાં વધુ આક્રમક અને મેદાની નેતાઓને સ્થાન આપ્યું છે. જિગ્નેશ મેવાણી સાથે લાલજી દેસાઈ, ગેનીબેન ઠાકોર, પાલ આંબલિયા, અનંત પટેલ, કિરીટ પટેલ અને વિમલ ચુડાસમા જેવા નેતાઓને આગળ લાવવામાં આવ્યા છે. આ ટીમ સરકાર સામે સીધો મોરચો સંભાળવામાં સક્ષમ હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મેવાણીને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની ચર્ચાએ વધુ જોર પકડ્યું છે, પરંતુ કેટલાક નેતાઓ આ પ્રક્રિયામાં અડચણ ઉભી કરી રહ્યા છે.
દિલ્હી દરબાર સુધી પહોંચ્યો મુદ્દો
ચર્ચાનો વિષય એ છે કે આ સમગ્ર વિવાદ હવે માત્ર ગુજરાત પૂરતો રહ્યો નથી. મેવાણીની નિમણૂકને લઈને મુદ્દો દિલ્હી સુધી પહોંચી ગયો છે અને કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ રજૂ થયો છે. હાઈકમાન્ડ પહેલેથી જ ભરત સોલંકી સહિત કેટલાક નેતાઓથી નારાજ હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં હાઈકમાન્ડ કયો નિર્ણય લે છે અને કોને આગળ વધારવામાં આવે છે તે ગુજરાત કોંગ્રેસના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

