દિવ્યાંગોના સન્માન અને સુરક્ષાને નવી દિશા, સંત સુરદાસ યોજના સહિત ત્રણ મોટા ફેરફારોથી હજારો પરિવારોને રાહત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે દિવ્યાંગોના હિતમાં એક મોટો અને કલ્યાણકારી નિર્ણય લીધો છે. સંત સૂરદાસ યોજના હેઠળ આર્થિક સહાય મેળવવા માટે અગાઉ ૮૦ ટકા દિવ્યાંગતા હોવી અનિવાર્ય હતી, જે મર્યાદા હવે ઘટાડીને ૬૦ ટકા કરવામાં આવી છે. આ ફેરફાર આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ થી અમલમાં આવશે, જેના કારણે રાજ્યના હજારો નવા દિવ્યાંગ પરિવારો સરકારી સહાયના દાયરામાં આવી શકશે. સરકારના આ નિર્ણયથી મધ્યમ સ્તરની દિવ્યાંગતા ધરાવતા લોકો માટે આર્થિક સુરક્ષાના દ્વાર ખુલશે.
આજીવન બસ પાસની સુવિધાથી મુસાફરી બની સરળ
દિવ્યાંગોને મુસાફરીમાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સરકારે બસ પાસ અને સ્પેશિયલ આઈડી કાર્ડના નિયમોમાં ધરખમ સુધારો કર્યો છે. અગાઉ દિવ્યાંગોએ મુસાફરી પાસ માટે વારંવાર રીન્યુઅલની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું અને કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. હવેથી દિવ્યાંગોને આપવામાં આવેલા સ્પેશિયલ આઈડી કાર્ડના આધારે મળતો મફત મુસાફરીનો પાસ જીવનભર માટે માન્ય ગણાશે. આ નિર્ણયથી દિવ્યાંગો ગૌરવપૂર્વક અને કોઈપણ પ્રકારની હેરાનગતિ વગર રાજ્યભરમાં મુસાફરી કરી શકશે.
ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર યોજનામાંથી બીપીએલની શરત નાબૂદ
દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા અને આજીવિકા મેળવવામાં મદદ કરવા માટે સરકાર ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા સહાય આપે છે. અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે બીપીએલ કાર્ડ હોવું ફરજિયાત હતું, જે મધ્યમવર્ગના દિવ્યાંગો માટે અવરોધરૂપ હતું. રાજ્ય સરકારે હવે આ શરતને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે, જેથી આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ તમામ દિવ્યાંગો ટુ-વ્હીલર મેળવી શકશે. આ ફેરફારથી દિવ્યાંગો પોતાની રીતે કામધંધો કરી શકશે અને સમાજમાં સ્વાભિમાન સાથે જીવી શકશે.
જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા માર્ગદર્શનની વ્યવસ્થા
આણંદ જિલ્લાના દિવ્યાંગ ભાઈ-બહેનો આ યોજનાઓનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકે છે. આ કચેરી આણંદના અમુલ ડેરી રોડ પર જૂની કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી છે. અરજદારો રૂબરૂ મુલાકાત લઈ શકે છે અથવા ટેલિફોન નંબર ૦૨૬૯૨-૨૫૩૨૧૦ પર સંપર્ક કરીને જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા વિશે વિગતો મેળવી શકે છે. સરકારના આ તમામ નિર્ણયો દિવ્યાંગોના સશક્તિકરણ અને તેમના જીવનધોરણને સુધારવામાં માઈલસ્ટોન સાબિત થશે.

