દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં એક યુવકે વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી અનુસાર ખંભાળીયાના 40 વર્ષના દિલીપ શાંતિલાલ ઉનડકટે અસામાજિક તત્વોની ધમકીથી કંટાળીને આપઘાત (suicide) કરી લીધો છે.
આ યુવકે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો છે. તે ઉપરાંત તેણે તેણે સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં મૃતક યુવાને આપઘાત માટે મજબુર કરનાર લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે. હાલ સ્થાનિક પોલીસે સુસાઇડ નોટ અને વીડિયો પોતાના કબ્જામાં લઈને આગળની કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.
યુવક પોતાની આપવિતી જણાવતા વીડિયોમાં કહે છે કે, “મારું નામ દિલીપ શાંતિલાલ ઉનડકટ છે, મારે મગજમારી થઇ હતી સંજય, એનો ભાઇ નથુ, અને કિશન ઉર્ફે બાઠો. મારે કોર્ટની 17 તારીખ હતી અને આ લોકો મારી ઘરે આવ્યા હતા. તેમની સાથે આવેલો ચોથો વ્યક્તિ કોણ હતો તેની મને ખબર નથી. પરંતુ આઠએક વાગ્યાની આસપાસ આવીને તેમણે મને કહ્યુ હતુ કે, કોર્ટમાં તુ સમાધાન કરી લે. નહીં તો કોર્ટમાં તું કાંઇપણ બોલીશ તો તારા ફરીથી હાથપગ તોડી નાંખીશું. મારી પાસે કોઇ પૈસા નથી કે નથી બીજી કોઇ વસ્તુ એટલે હું તણાવમાં આવી ગયો હતો.”
દિલીપે વીડિયોના અંતમાં કહ્યું છે કે, “તે લોકોએ મને એટલો ત્રાસ આપ્યો છે કે, હું મરી જાવ તો કોઇપણ જાતની જવાબદારી તે લોકોની રહેશે. એ લોકો મારી પાછળ પડ્યા છે અને મારી અત્યારે એવી કોઇ સ્થિતિ નથી કે હું કાંઇ કરી શકુ. “આ લોકોને મારા મર્યા પછી યોગ્ય સજા મળે તેવી મને આશા છે.”
મૃતક દિલીપભાઇના ભાઇએ પણ સંજય, નથુ, કિશન સહિત અન્ય 4થી 5 લોકો પર આરોપ લગાવ્યો છે. હાલ મૃતકના પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો છે.