સવારના નાસ્તામાં ખાઓ પ્રોટીનથી ભરપૂર ચાટ: તેલ વગર ઝટપટ કરો તૈયાર, નોંધી લો આ હેલ્ધી રેસિપી
આજના વ્યસ્ત જીવનમાં સવારનો નાસ્તો પૌષ્ટિક હોવો ખૂબ જરૂરી છે. જો તમે વજન ઘટાડવા માંગતા હોવ અથવા જિમ જતા હોવ, તો પ્રોટીનયુક્ત નાસ્તો તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રોટીન ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને શરીરમાં ધીમે-ધીમે એનર્જી મળતી રહે છે. આજે અમે તમને જણાવીશું તેલ વગરની બે ખાસ ચાટ – ‘છોલે ચાટ’ અને ‘રાજમા ચાટ’ વિશે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે.
૧. પ્રોટીનથી ભરપૂર છોલે ચાટ
જો તમારી પાસે સવારે નાસ્તો બનાવવાનો સમય ઓછો હોય, તો તમે ફટાફટ આ છોલે ચાટ તૈયાર કરી શકો છો. છોલે (કાબુલી ચણા) વિટામિન B9 (ફોલેટ), વિટામિન B6, ફાઈબર, આયર્ન અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે.
કેવી રીતે બનાવશો?
- સૌ પ્રથમ કાબુલી ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો.
- સવારે તેને કુકરમાં મીઠું નાખીને સારી રીતે બાફી લો.
- બાફેલા ચણામાંથી પાણી કાઢી તેને ઠંડા થવા દો.
- હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, ટામેટાં અને લીલા ધાણા ઉમેરો.
- સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ નાખીને તેને સર્વ કરો. આ ચાટ પ્રોટીનનો જબરદસ્ત સ્ત્રોત છે.
૨. હેલ્ધી અને ટેસ્ટી રાજમા ચાટ
રાજમા માત્ર શાક માટે જ નહીં, પણ ચાટ તરીકે પણ અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. તે તેલ વગર તૈયાર થતો હોવાથી ડાયટિંગ કરનારાઓ માટે ઉત્તમ નાસ્તો છે.
કેવી રીતે બનાવશો?
- રાજમાને રાત્રે પલાળીને સવારે બાફી લો.
- રાજમા ઠંડા થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં ઉમેરો.
- સ્વાદ વધારવા માટે તમે તેમાં કાકડીના ટુકડા અથવા તમારી પસંદગીની ચટણી પણ ઉમેરી શકો છો.
- જો તમને ફ્રૂટ્સ પસંદ હોય, તો રાજમામાં સફરજન, દાડમ કે દ્રાક્ષ ઉમેરીને ‘ફ્રૂટ રાજમા ચાટ’ પણ બનાવી શકાય છે. ગળપણ માટે થોડું મધ અને ચટપટા સ્વાદ માટે ચાટ મસાલો અને સંચળ ઉમેરો.
શા માટે આ નાસ્તો શ્રેષ્ઠ છે?
તેલ વગરનો નાસ્તો: આમાં એક ટીપું પણ તેલ વપરાતું નથી, જે હૃદય અને વજન ઘટાડવા માટે સારું છે.
ઝડપી અને સરળ: આ રેસિપી માત્ર મિનિટોમાં તૈયાર થઈ જાય છે.
પ્રોટીનનો ખજાનો: છોલે અને રાજમા બંને પ્રોટીનથી ભરપૂર છે, જે મસલ્સ બિલ્ડિંગમાં મદદ કરે છે.

