માત્ર ગળપણ છોડવાથી ડાયાબિટીસ કંટ્રોલ નહીં થાય, જાણો ડૉક્ટર પાસેથી તેને ‘રિવર્સ’ કરવાની સાચી રીત
આજના સમયમાં ડાયાબિટીસ એક એવી સ્થિતિ બની ગઈ છે કે જેને જો સમયસર કાબૂમાં ન લેવામાં આવે, તો તે શરીરના અન્ય અંગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. મોટાભાગના લોકો એવું માને છે કે માત્ર ખાંડ કે મીઠાઈ છોડી દેવાથી ડાયાબિટીસ મટી જશે. પરંતુ, જનરલ ફિઝિશિયન ડૉ. શાલિની સિંહ સાળુંકે જણાવે છે કે ડાયાબિટીસને માત્ર કંટ્રોલ જ નહીં, પણ કાયમી ધોરણે ‘રિવર્સ’ કરવા માટે જીવનશૈલીમાં પાયાના ફેરફારો કરવા જરૂરી છે.
કેવી રીતે થઈ શકે ડાયાબિટીસ ‘રિવર્સ’?
ડૉક્ટરના જણાવ્યા મુજબ, માત્ર દાળ-ભાત કે ગળ્યું ખાવાનું બંધ કરવાથી ડાયાબિટીસ મટતો નથી. તેને જડમૂળથી હટાવવા માટે 5 મુખ્ય ‘મેટાબોલિક ટ્રિગર્સ’ પર કામ કરવું પડે છે. જાણો ડૉક્ટરે આપેલી એ 5 મહત્વની ટિપ્સ:
૧. આહારમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધારો
તમારા ભોજનમાં ફાઈબર અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોવું જોઈએ. આ બંને તત્વો લોહીમાં શુગરના શોષણની પ્રક્રિયાને ધીમી પાડે છે, જેનાથી બ્લડ શુગર અચાનક વધી જતું નથી અને ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.
૨. મસલ બિલ્ડિંગ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ
ડાયાબિટીસને મેનેજ કરવા માટે સ્નાયુઓની મજબૂતી (Muscle Building) ખૂબ જ જરૂરી છે. આપણા સ્નાયુઓ ગ્લુકોઝને સ્ટોર કરે છે અને તેને બાળવાનું કામ કરે છે. શરીરમાં જેટલું મસલ માસ (સ્નાયુઓનું પ્રમાણ) વધારે હશે, તેટલું ગ્લુકોઝ વધુ બળશે અને બ્લડ શુગર લેવલ આપોઆપ ઓછું થશે.
૩. પૂરતી અને ગાઢ ઊંઘ (Quality Sleep)
જો તમારી ઊંઘ પૂરી ન થતી હોય, તો શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે, જેના કારણે સવારે ‘ફાસ્ટિંગ શુગર’ વધી જાય છે. ડાયાબિટીસ રિવર્સ કરવા માટે દરરોજ ૭ થી ૮ કલાકની શાંત ઊંઘ લેવી અનિવાર્ય છે.
૪. જમ્યા પછી ચાલવાની આદત
ઘણા લોકો જમીને તરત બેસી જાય છે અથવા સૂઈ જાય છે, જે ખોટું છે. જમ્યા પછી માત્ર ૧૦ થી ૧૫ મિનિટનું ચાલવું તમારા સ્નાયુઓમાં ગ્લુકોઝના ઉપયોગને વધારે છે. આનાથી લોહીમાં રહેલી શુગર ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને ડાયાબિટીસ કાબૂમાં રહે છે.
View this post on Instagram
૫. માનસિક તણાવ (Stress) ઓછો કરો
જ્યારે તમે સ્ટ્રેસ લો છો, ત્યારે શરીરમાં ‘કોર્ટિસોલ’ હોર્મોનનું સ્તર વધે છે, જે સીધી રીતે બ્લડ શુગર લેવલને વધારે છે. તેથી, યોગ કે મેડિટેશન દ્વારા મનને શાંત રાખવું જરૂરી છે.
કઈ વસ્તુઓથી શુગર લેવલ ઝડપથી વધે છે?
ડૉક્ટરે કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ વિશે પણ ચેતવણી આપી છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે:
- ગળ્યા પીણાં: સોડા, સ્વીટ કોફી અથવા પેકેટમાં મળતા ફળોના જ્યુસ.
- રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ: મેંદો, સફેદ પાસ્તા, સફેદ ચોખા અને વ્હાઈટ બ્રેડ.
- ગળ્યા ડિઝર્ટ્સ: કૂકીઝ, કેક અને અન્ય મીઠી વાનગીઓ.
- વધારે સ્ટાર્ચવાળા ખોરાક: બટાકા જેવી વસ્તુઓ અને વધુ પડતા સુકા મેવા પણ શુગર વધારી શકે છે.
