શું ભારત ખરેખર ઇઝરાયેલને સૌથી વધુ હથિયારો આપી રહ્યું છે? બદનામ કરવાનું ષડયંત્ર કે હકીકત, જાણો સત્ય
તાજેતરના સમયમાં વૈશ્વિક મીડિયા, ખાસ કરીને મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) અને તુર્કીના કેટલાક કટ્ટરપંથી મીડિયા આઉટલેટ્સ દ્વારા ભારત વિરુદ્ધ એક સુનિયોજિત અને પૂર્વનિયોજિત પ્રોપેગાન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. કતાર સ્થિત વૈશ્વિક મીડિયા જૂથો સતત એવા અહેવાલો પ્રકાશિત કરી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને ઇઝરાયેલ વચ્ચે સૈન્ય વેપારમાં અભૂતપૂર્વ વધારો થયો છે. આ અહેવાલોમાં ગાઝામાં ચાલી રહેલા ઇઝરાયેલના સૈન્ય અભિયાનો અને નિર્દોષ નાગરિકોના મોત માટે પરોક્ષ રીતે ભારતના હથિયારો અને દારૂગોળાને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ શું આ અહેવાલોમાં કોઈ તથ્ય છે કે પછી આ માત્ર ભારતની વૈશ્વિક છબીને ખરડવાનું એક મોટું ષડયંત્ર છે? આવો જાણીએ આ વિવાદ પાછળનું અસલી સત્ય.
ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ભારતની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ
આ પ્રકારના ભ્રામક અહેવાલો પાછળનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની પ્રતિષ્ઠાને ધૂમિલ કરવાનો છે. ભારત હંમેશાંથી ‘ગ્લોબલ સાઉથ’ (વિકાસશીલ અને ગરીબ દેશો) નો એક મજબૂત અને ભરોસાપાત્ર અવાજ રહ્યો છે. વળી, વિતેલા વર્ષોમાં આરબ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય અને આર્થિક સંબંધો અત્યંત ગાઢ બન્યા છે. અલ-જઝીરા અને તુર્કીના મીડિયા સંગઠનો આ અહેવાલો દ્વારા આરબ દેશો અને ભારતના સંબંધોમાં તિરાડ પાડવા માંગે છે, જેથી ભારતની આંતરરાષ્ટ્રીય કૂટનીતિને નબળી પાડી શકાય.
સ્ટીલના કારોબારને હથિયાર બનાવીને ‘મિડલ ઈસ્ટ આઈ’ નો નકલી નેરેટિવ
ગયા વર્ષે ૮ મેના રોજ એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે યુદ્ધ-વિરોધી કાર્યકરો ભારતથી ઇઝરાયેલ થઈ રહેલા સૈન્ય સાધનોના પુરવઠાની “પૂર” થી ચિંતિત છે. આ આખી ન્યૂઝ સ્ટોરી એન્ટી-ઇન્ડિયા સેન્ટિમેન્ટ પર આધારિત હતી.
જો કે, આ રિપોર્ટની અંદર જ્યારે પુરાવાઓની વાત આવી, ત્યારે ખુદ એક્ટિવિસ્ટોએ સ્વીકાર્યું કે ભારત માત્ર “મિલિટરી-ગ્રેડ સ્ટીલ” ની સપ્લાય કરી રહ્યું છે. તેમણે એવું તાર્કિક અનુમાન લગાવ્યું કે આ સ્ટીલનો ઉપયોગ કદાચ ૧૫૫ મીમીના તોપના ગોળા બનાવવા માટે કરવામાં આવશે અને સંભવતઃ ગાઝા યુદ્ધમાં વપરાશે. આ નબળા અને કાલ્પનિક પુરાવાના આધારે ભારત સરકારને “અતિ-દક્ષિણપંથી” કહીને ભડકાવનારી ટિપ્પણીઓ કરવામાં આવી, જે લોકશાહી ઢબે ચુંટાયેલી સરકારનું અપમાન છે.
અલ-જઝીરાની તપાસ અને આંકડાઓની માયાજાળ
અહેવાલના બરાબર ચાર દિવસ પછી, કતારની સરકારી ચેનલ અલ-જઝીરાએ પોતાની કહેવાતી ‘તપાસ’ આધારિત રિપોર્ટ બહાર પાડ્યો. આ રિપોર્ટમાં દાવો કરાયો કે ઓક્ટોબર ૨૦૨૩ થી ઓક્ટોબર ૨૦૨૫ વચ્ચે, ઇઝરાયેલને સૈન્ય સામગ્રી સપ્લાય કરવામાં અમેરિકા પછી ભારત બીજા ક્રમે છે.
અલ-જઝીરાના આંકડા મુજબ:
ઇઝરાયેલના કુલ આયાતી હથિયારોમાં અમેરિકાનો હિસ્સો ૪૨ ટકા હતો.
ભારત ૨૬ ટકા સાથે બીજા ક્રમે હોવાનો દાવો કરાયો.
બાકીના દેશોમાં રોમાનિયા (૮%), તાઇવાન (૪%) અને ચેક રિપબ્લિક (૩%) નો સમાવેશ થાય છે.
આ રિપોર્ટમાં અમેરિકા કરતાં પણ વધુ ફોકસ ભારત પર રાખવામાં આવ્યું હતું, જેથી દુનિયા સામે ભારતને ઇઝરાયેલના હુમલાખોર સહયોગી તરીકે પ્રોજેક્ટ કરી શકાય. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના પ્રોફેસર સ્ટીફન હમ્ફ્રીઝના હવાલાથી એવું પણ કહેવાયું કે હથિયારો સપ્લાય કરનારા દેશો આંતરરાષ્ટ્રીય યુદ્ધ અપરાધોમાં ભાગીદાર ગણાશે.
અલ-જઝીરાના પોતાના જ આંકડાઓએ ખોલી તેની પોલ
ચોંકાવનારી વાત એ છે કે અલ-જઝીરાનો આ રિપોર્ટ તેની પોતાની જ પોલ ખોલે છે. આ જ રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે ઓક્ટોબર ૨૦૨૩ થી ઓક્ટોબર ૨૦૨૫ વચ્ચે (બે વર્ષમાં) ભારતે ઇઝરાયેલને કુલ ૨૩૦ મિલિયન ડોલર (અંદાજે ૧૧૫ મિલિયન ડોલર પ્રતિ વર્ષ) ના સંરક્ષણ સાધનોની નિકાસ કરી છે.
હવે જો આ આંકડાને ભારતની વાસ્તવિક સંરક્ષણ ક્ષમતા સાથે સરખાવીએ:
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ભારતની કુલ સંરક્ષણ નિકાસ (Defense Export) આશરે ૪.૧ અબજ ડોલર (૪,૧૦૦ મિલિયન ડોલર) હતી.
આ હિસાબે ઇઝરાયેલને કરવામાં આવેલી નિકાસ ભારતના કુલ સંરક્ષણ વેપારના માત્ર ૨.૮ ટકા જ થાય છે.
આ ૨.૮ ટકાના મામૂલી વેપારને ૨૬ ટકા કહીને મોટો આંકડો બતાવવો એ પીળા પત્રકારત્વ (Yellow Journalism) નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
ભારતનું વૈશ્વિક બજાર અને ભારત-ઇઝરાયેલ સંબંધોનો સાચો ઇતિહાસ
વાસ્તવિકતા એ છે કે ભારતની સંરક્ષણ સામગ્રીના મુખ્ય ખરીદદારો અમેરિકા, આર્મેનિયા અને ફ્રાન્સ છે. આ સિવાય શ્રીલંકા, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, બેલ્જિયમ, જર્મની અને ઘણા આફ્રિકન દેશો ભારતીય હથિયારો ખરીદે છે. ઇઝરાયેલ આ લાંબી યાદીમાં માત્ર એક સામાન્ય ખરીદદાર દેશ છે, કોઈ મોટો કે વિશેષ ભાગીદાર નથી.
બીજી મહત્વની વાત એ છે કે ભારત અને ઇઝરાયેલના સંરક્ષણ સંબંધો ગાઝા યુદ્ધ શરૂ થયું તેનાથી પણ ઘણા વર્ષો જૂના છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ વચ્ચે ભારત પોતે ઇઝરાયેલ પાસેથી સૌથી વધુ હથિયારો ખરીદનારો દેશ રહ્યો છે (રશિયા અને ફ્રાન્સ પછી ત્રીજો મોટો સપ્લાયર, આશરે ૧૫%). તેથી બંને દેશો વચ્ચેનો આ વેપાર લાંબા સમયથી ચાલી રહેલી દ્વિપક્ષીય પ્રક્રિયા છે, જેનો વર્તમાન યુદ્ધ સાથે કોઈ સીધો સંબંધ નથી.
કતારની ચેનલ અલ-જઝીરાની બેવડી નીતિ પર સવાલો
જે અલ-જઝીરા ભારતીય લોકશાહી, ભારતની વ્યવસ્થા અને તેની રક્ષા નીતિ પર સવાલો ઉઠાવે છે, તે કતાર દેશમાંથી ઓપરેટ થાય છે જ્યાં લોકશાહીનું નામનિશાન નથી. આ ચેનલે આજ સુધી ક્યારેય કતારમાં શા માટે લોકશાહી કે માનવાધિકાર નથી તેના પર ચર્ચા કરી નથી. એટલું જ નહીં, દુનિયાના કેટલાય મોટા આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓને કતારમાં આશરો કેમ આપવામાં આવે છે, તેના પર પણ અલ-જઝીરા હંમેશાં મૌન સેવે છે.

