Iran ઈરાનમાં ચાલી રહેલા ભારે રાજકીય તણાવ અને ઈઝરાયેલ-અમેરિકા સાથેના સંઘર્ષની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, ઈરાને તેના નવા સર્વોચ્ચ નેતા (Supreme Leader) તરીકે મોજતબા ખામેનેઈની વરણી કરી છે. મોજતબા ખામેનેઈ પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના પુત્ર છે. 28 ફેબ્રુઆરીએ તેહરાન પર થયેલા હુમલામાં અલી ખામેનેઈના અવસાન બાદ ઈરાનમાં નેતૃત્વને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી, જેનો હવે અંત આવ્યો છે.
88 ધર્મગુરુઓની બનેલી ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ’ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસેમ્બલીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે મજતબા હુસૈની ખામેનેઈને ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના ત્રીજા સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ઈરાનમાં આ પદ વારસાગત નથી, પરંતુ મોજતબા ખામેનેઈનો પ્રભાવ ધાર્મિક અને સૈન્ય વર્તુળોમાં, ખાસ કરીને રિવોલ્યુશનરી ગાર્ડ્સમાં ઘણો ઊંડો રહ્યો છે. તેઓ લાંબા સમયથી પડદા પાછળ રહીને સત્તાના સમીકરણોમાં મહત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે.
ઈઝરાયેલ તરફથી મળતી સતત ધમકીઓને કારણે આ સમગ્ર પસંદગી પ્રક્રિયા અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. અલી ખામેનેઈના મૃત્યુ પછી લગભગ એક અઠવાડિયા સુધી દેશની કમાન ત્રણ સભ્યોની સમિતિ પાસે હતી, જેના કારણે દેશમાં અસંતોષ પણ જોવા મળ્યો હતો. લોકોનું માનવું હતું કે યુદ્ધ જેવી સ્થિતિમાં સેનાનું મનોબળ જાળવી રાખવા માટે દેશ પાસે એક મજબૂત ચહેરો હોવો જરૂરી છે.
બીજી તરફ, ઈઝરાયેલે આ વરણી સામે કડક વલણ અપનાવ્યું છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ ચેતવણી આપી છે કે તેઓ ખામેનેઈના ઉત્તરાધિકારી અને તેમની નિમણૂક કરનારા લોકોને નિશાન બનાવતા અચકાશે નહીં. હવે જોવાનું એ રહેશે કે મોજતબા ખામેનેઈના નેતૃત્વમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ સાથેના પોતાના સંબંધો અને ચાલી રહેલા યુદ્ધને કઈ દિશામાં લઈ જાય છે.
