ઇરાની સ્પીકરનો ટ્રમ્પને પડકાર: “અમે ઝૂકીશું નહીં, આ તમારી સૌથી મોટી ભૂલ છે”, યુદ્ધ તેજ બનવાના સંકેત.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ અમેરિકા અને ઇઝરાયલી દળોએ ઈરાનના વ્યૂહાત્મક ઉર્જા માળખા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં ઈરાનની રાજધાની તેહરાન નજીક આવેલા શાહરાન તેલ ડેપો અને દક્ષિણ ક્ષેત્રના ઉર્જા કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તેહરાનનું આકાશ કાળા ધુમાડા અને આગની જ્વાળાઓથી ભરાયેલું જોવા મળે છે.
ઇઝરાયલનો પ્રહાર અને ટ્રમ્પની ચેતવણી
ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) એ સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી સ્વીકારતા જણાવ્યું છે કે આ કાર્યવાહી ઈરાન દ્વારા કરવામાં આવતા સતત મિસાઇલ હુમલાઓના જવાબમાં છે. બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ લશ્કરી કાર્યવાહીને ‘લાંબા સમયથી વિલંબિત હસ્તક્ષેપ’ ગણાવ્યો છે. એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેમને વૈશ્વિક તેલના ભાવ વધવાની કોઈ ચિંતા નથી, કારણ કે બજારમાં પૂરતો પુરવઠો છે. ટ્રમ્પનું આ વલણ દર્શાવે છે કે અમેરિકા હવે ઈરાન વિરુદ્ધ કોઈપણ બાંધછોડ કરવાના મૂડમાં નથી.
ઈરાનનો વળતો પ્રહાર અને હિંમત
ઈરાનના સંસદ સ્પીકર મોહમ્મદ બાકર કાલિબાફે દેશને સંબોધતા કહ્યું કે, “ડોનાલ્ડ ટ્રમ્પે એવું માનીને મોટી ભૂલ કરી છે કે ઈરાન થોડા દિવસના હુમલાથી ડરી જશે. અમારું રાષ્ટ્ર શરણાગતિ સ્વીકારશે નહીં. અમે લડીશું અને અંત સુધી સંઘર્ષ કરીશું.” ઈરાને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પોતાના ‘સ્વ-બચાવ’ના અધિકારનો હવાલો આપીને રવિવારે બહેરીન, કુવૈત, કતાર, યુએઈ અને જોર્ડન પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હોવાના અહેવાલો છે.
સાઉદી અરેબિયાની કડક નારાજગી
સાઉદી અરેબિયાએ ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. સાઉદી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈરાની રાષ્ટ્રપતિના શાંતિના ભાષણો માત્ર દેખાવો છે, હકીકતમાં ઈરાન આરબ દેશોના તેલ ક્ષેત્રોને નિશાન બનાવી રહ્યું છે. સાઉદીના શાયબાહ તેલ ક્ષેત્ર પર થયેલા ડ્રોન હુમલા બાદ રિયાધે ઈરાનને ‘સૌથી મોટું નુકસાન’ ભોગવવાની તૈયારી રાખવા જણાવ્યું છે. આ દરમિયાન, સાઉદી અરેબિયાએ તે અહેવાલોને સદંતર નકારી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ હુમલામાં કોઈ ભારતીય નાગરિકનું મોત થયું છે.
વૈશ્વિક અસર અને ભારતની સ્થિતિ
યુદ્ધની આ સ્થિતિને કારણે ભારત સહિતના દેશો માટે ચિંતા વધી છે. મધ્ય પૂર્વમાં લાખો ભારતીયો વસે છે અને ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે આ ક્ષેત્ર પર નિર્ભર છે. જો યુદ્ધ વધુ વકરશે તો તેની સીધી અસર ક્રૂડ ઓઈલની આયાત અને ભારતીય સમુદાયની સુરક્ષા પર પડી શકે છે. હાલમાં ભારતીય વિદેશ મંત્રાલય સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
મધ્ય પૂર્વમાં શાંતિની આશા અત્યારે ધૂંધળી જણાઈ રહી છે. એક તરફ ઇઝરાયલ-અમેરિકાની અત્યાધુનિક સૈન્ય તાકાત છે અને બીજી તરફ ઈરાનનો હાર ન માનવાનો સંકલ્પ છે. આગામી ૪૮ કલાક આ યુદ્ધ કઈ દિશામાં જશે તે નક્કી કરવા માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.

