શું અયાતુલ્લા અલી ખામેનેઈના જનાજામાં સામેલ નહીં થાય મુજ્તબા? જાણો કઈ વાતનો સતાવી રહ્યો છે મોટો ડર
ઈરાનથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાનના વર્તમાન સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈ પોતાના પિતા અને પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના જનાજા (અંતિમ સંસ્કાર) માં સામેલ નહીં થાય. સુપ્રીમ લીડરના પ્રતિનિધિ અયાતુલ્લાહ હકીમ ઈલાહીના હવાલાથી આ સનસનીખેજ માહિતી સામે આવી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી, પરંતુ આ સમાચાર સામે આવ્યા બાદ આખા મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) ના રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.
ઇઝરાયેલી હુમલાનો ભય: સુરક્ષા એજન્સીઓની કડક સલાહ
મીડિયા રિપોર્ટ્સ અને ‘અલ જઝીરા’ ના અહેવાલો અનુસાર, આ મોટો નિર્ણય મુજ્તબા ખામેનેઈની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઈરાનની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓને ડર છે કે અંતિમ સંસ્કારના કાર્યક્રમ દરમિયાન ઇઝરાયેલ કોઈ મોટો હવાઈ કે મિસાઈલ હુમલો કરી શકે છે. આથી, સુરક્ષા એજન્સીઓએ મુજ્તબાને આ સાર્વજનિક કાર્યક્રમથી સંપૂર્ણપણે દૂર રહેવાની કડક સલાહ આપી છે.

સુપ્રીમ લીડરના પ્રતિનિધિ અયાતુલ્લાહ હકીમ ઈલાહીએ જણાવ્યું હતું કે, ભલે હાલમાં અમેરિકા સાથે શાંતિ સમજૂતી થઈ ગઈ હોય, પરંતુ બંને પક્ષો વચ્ચે હજુ પણ ઊંડી અવિશ્વાસની ભાવના પ્રવર્તી રહી છે. આ સિવાય ઇઝરાયેલ સાથેનો તણાવ પણ ચરમસીમાએ છે. ઈલાહીએ ઉમેર્યું કે, સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈ ભલે સુરક્ષાના કારણે હાજર ન રહે, પરંતુ આ ઐતિહાસિક અંતિમ સંસ્કારમાં સમગ્ર ઈરાન અને વિશ્વભરમાંથી લાખો લોકો સામેલ થાય તેવી આશા છે, જેના માટે દેશમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
જમીનથી લઈને આકાશ સુધી લોખંડી બંદોબસ્ત
ઈરાની સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરમિનિયાએ દેશભરમાં કડક સુરક્ષા પગલાંની જાહેરાત કરી છે. સેનાની વધારાની ટુકડીઓની તૈનાતીને કારણે ઈરાનની સરહદોને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, દેશની એર ડિફેન્સ ફોર્સ (વાયુ સેના) ઈરાનના આકાશ પર ૨૪ કલાક ચાંપતી નજર રાખી રહી છે અને તમામ વિદેશી ફ્લાઇટ્સ પર વિશેષ કંટ્રોલ રાખવામાં આવી રહ્યો છે. સેના પોતાના તમામ સંસાધનોનો ઉપયોગ કરીને આ અંતિમ સંસ્કારને ભવ્ય અને સન્માનજનક રીતે સંપન્ન કરાવવા માટે એલર્ટ મોડ પર છે.

ભારતના વિદેશ રાજ્ય મંત્રી અને બિહારના રાજ્યપાલ જશે ઈરાન
અયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારની પ્રક્રિયા ૪ જુલાઈથી શરૂ થશે અને આગામી ૯ જુલાઈએ મશહદ શહેરમાં તેમને સુપુર્દ-એ-ખાક (દફનાવવામાં) કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણે ભારત સરકાર તરફથી દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વિદેશ રાજ્ય મંત્રી પવિત્ર માર્ગેરિટા અને બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનૈન ઈરાન જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય નેતાઓનું આ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૩ જુલાઈએ જ ઈરાન જવા રવાના થશે.