માત્ર આયર્ન ખાવું પૂરતું નથી, તેનું એબ્સોર્પ્શન (શોષણ) પણ જરૂરી છે: હિમોગ્લોબિન વધારવા માટેના શ્રેષ્ઠ ઉપાયો
શરીરમાં હિમોગ્લોબિનનું ઓછું પ્રમાણ જેને આપણે સામાન્ય ભાષામાં ‘લોહીની ઉણપ’ કહીએ છીએ, તે ઘણી સમસ્યાઓ નોતરી શકે છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ માટે તે વધુ જોખમી છે. જાણીતા રોબોટિક સર્જન ડો. તૃપ્તિ રહેજાના જણાવ્યા અનુસાર, ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરતી હોય છે કે તેઓ પાલક, બીટ કે દાડમ ખાય છે છતાં તેમનું હિમોગ્લોબિન વધતું નથી. તેનું મુખ્ય કારણ એ છે કે આયર્ન ધરાવતો ખોરાક ખાવા છતાં શરીર તેને યોગ્ય રીતે શોષી શકતું નથી.
હિમોગ્લોબિન વધારવા માટે આયર્ન ખાવું જેટલું જરૂરી છે, તેટલું જ તેને શરીરમાં પચાવવું એટલે કે એબ્સોર્બ કરવું પણ જરૂરી છે. ડોક્ટરે એવા કેટલાક ફૂડ કોમ્બિનેશન સૂચવ્યા છે જે આ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.
હિમોગ્લોબિન વધારવા માટેના બેસ્ટ ફૂડ કોમ્બિનેશન
શરીરમાં આયર્નનું પ્રમાણ વધારવા માટે નીચે મુજબના ખોરાકને જોડીમાં લેવા જોઈએ:
- પાલક અને લીંબુ: પાલકમાં આયર્ન ભરપૂર હોય છે, પણ તે શરીરમાં સહેલાઈથી પચતું નથી. જો તમે પાલકના શાક પર લીંબુનો રસ નીચોવીને ખાશો, તો લીંબુમાં રહેલું વિટામિન-સી પાલકના આયર્નને શરીરમાં શોષવામાં મદદ કરશે.
- દાડમ અને કોળાના બીજ (Pumpkin Seeds): એક વાટકી દાડમના દાણામાં એક ચમચી કોળાના બીજ ઉમેરીને ખાવા જોઈએ. કોળાના બીજમાં આયર્ન હોય છે, જ્યારે દાડમમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ હિમોગ્લોબિન બનવાની પ્રક્રિયાને વેગ આપે છે.
- બીટ, ગાજર અને મોસંબીનો જ્યુસ: બીટ અને ગાજર લોહી વધારવા માટે જાણીતા છે. જો તેની સાથે મોસંબીનો રસ લેવામાં આવે તો વિટામિન-સીને કારણે આયર્નનું એબ્સોર્પ્શન વધુ સારી રીતે થાય છે.
- ગોળ અને ચણા: દેશી ગોળ આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે. તેની સાથે શેકેલા ચણા ખાવાથી તેમાં રહેલું પ્રોટીન આયર્નને હિમોગ્લોબિનમાં બદલવાની પ્રક્રિયામાં સહાયક બને છે.
- ખજૂર અને બદામ: રોજ ૨ ખજૂર અને ૫ પલાળેલી બદામ ખાવી જોઈએ. ખજૂર આયર્નથી ભરપૂર હોય છે અને બદામમાં રહેલું કોપર લાલ રક્તકણો (Red Blood Cells) બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
View this post on Instagram
આ ભૂલ ક્યારેય ન કરશો: સાવચેતીના પગલાં
ડોક્ટર રહેજા ખાસ ચેતવણી આપે છે કે આયર્નયુક્ત ખોરાક લેતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
મહત્વની નોંધ: જો તમે આયર્નથી ભરપૂર ખોરાક ખાઈ રહ્યા હોવ, તો તેના એક કલાક પહેલા અને એક કલાક પછી ક્યારેય ચા કે કોફી પીવી જોઈએ નહીં.
ચા અને કોફીમાં ‘ટેનિન્સ’ નામનું તત્વ હોય છે, જે શરીરમાં આયર્નને શોષાતા અટકાવે છે. એટલે કે, તમે ગમે તેટલો પૌષ્ટિક ખોરાક લેશો, પણ જો ઉપરથી ચા પીશો તો તે આયર્ન બ્લોક થઈ જશે અને શરીરમાં લોહી વધશે નહીં.
