ઇઝરાયલમાં રાજકીય ભૂકંપ: 27 ઓક્ટોબરે યોજાશે સામાન્ય ચૂંટણી, ગાઝા અને ઇરાન યુદ્ધ વચ્ચે પીએમ બેન્જામિન નેતન્યાહૂની આકરી કસોટી
પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ) ના ભયાવહ યુદ્ધની વચ્ચે હવે ઇઝરાયલના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. ઇઝરાયલની સંસદે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે દેશમાં આગામી 27 ઓક્ટોબરે રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાશે. કાયદાકીય દ્રષ્ટિએ આ વર્તમાન સરકારની છેલ્લી તારીખ છે. ગાઝા યુદ્ધ, લેબનોન સંઘર્ષ અને ઇરાન સાથેના સીધા સૈન્ય સંઘર્ષ બાદ યોજાનારી આ ચૂંટણીને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વ અને તેમની લોકપ્રિયતા પરના એક મોટા ‘લોકમત’ (Referendum) તરીકે જોવામાં આવી રહી છે.
ઇઝરાયલની સંસદ, જે ‘નેસેટ’ (Knesset) તરીકે ઓળખાય છે, તેનો વર્તમાન કાર્યકાળ 17 જુલાઈએ સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ સાથે જ ઇઝરાયલના ઇતિહાસમાં દાયકાઓ પછી પ્રથમ વખત એવું બનશે કે કોઈ શાસક ગઠબંધન પોતાનો ચાર વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ પૂરો કરી શકશે.

સંસદ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, “વર્તમાન નેસેટ તેનો સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરે તેવી અપેક્ષા છે. કાયદા મુજબ 27 ઓક્ટોબરની તારીખ નક્કી હોવાથી સંસદનો કાર્યકાળ ઘટાડવાનો કે તેને વહેલી વિસર્જિત કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.”
નેતન્યાહૂનો દાવો: “હું ચૂંટણી જીતવા માટે જ મેદાનમાં ઉતરીશ”
76 વર્ષીય બેન્જામિન નેતન્યાહૂ ઇઝરાયલના ઇતિહાસમાં સૌથી લાંબો સમય વડા પ્રધાન પદ ભોગવનારા નેતા છે. ભલે તેમનો કાર્યકાળ સળંગ રહ્યો નથી, પરંતુ તેમણે અવારનવાર સત્તા પર વાપસી કરીને પોતાની રાજકીય કુનેહ સાબિત કરી છે. આ વખતે પણ તેમણે ફરી ચૂંટણી લડવાનો અને મોટા બહુમત સાથે “જીતવાનો ઇરાદો” જાહેર કર્યો છે, જે તેમના રાજકીય જીવનની સૌથી નિર્ણાયક સ્પર્ધા બની રહેશે.
હાલમાં તેમની સરકાર જે ઇઝરાયલના ઇતિહાસની સૌથી કટ્ટર જમણેરી (Right-wing) સરકાર ગણાય છે ચૂંટણી પહેલાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે સંસદમાં શ્રેણીબદ્ધ બિલો પસાર કરવા દોડધામ કરી રહી છે. નેતન્યાહૂએ તાજેતરમાં સંકેત આપ્યા હતા કે, “મારો હેતુ હવે માત્ર કોઈ એક વિચારધારાવાળી સરકાર બનાવવાનો નથી, પરંતુ હું એક એવી વ્યાપક રાષ્ટ્રીય સરકાર સ્થાપવા માંગુ છું જે ડાબેરી કે આરબ પક્ષો પર નિર્ભર ન હોય, પરંતુ સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરતી હોય.”
જનતામાં નારાજગી: લોકપ્રિયતાના ગ્રાફમાં મોટો કડાકો
ભલે નેતન્યાહૂ રાષ્ટ્રીય એકતાની વાતો કરી રહ્યા હોય, પરંતુ જમીની હકીકત અને જનતાનો મૂડ કંઈક અલગ જ ઈશારો કરે છે. જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા તાજેતરના એક ચોંકાવનારા સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે, નેતન્યાહૂ માટે જનસમર્થન માર્ચ મહિનાના 40.5 ટકાથી ઘટીને જૂન મહિનામાં માત્ર 29.4 ટકા થઈ ગયું છે. આ સિવાય, 92 ટકાથી વધુ ઇઝરાયલીઓનું માનવું છે કે વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં ઇરાન મધ્ય પૂર્વના આ યુદ્ધમાં વિજેતા તરીકે ઉભરી આવ્યું છે.
આ નારાજગી પાછળનું મુખ્ય કારણ ફેબ્રુઆરીના અંતમાં અમેરિકાની મધ્યસ્થીથી ઇરાન સામે લાગુ કરાયેલો યુદ્ધવિરામ છે. ઇઝરાયલની જનતાનો એક મોટો વર્ગ માને છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે થયેલી આ સમજૂતી ઇઝરાયલના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ છે. આ ઉપરાંત, 7 ઓક્ટોબરના હમાસના હુમલા વખતે થયેલી ભયાનક સુરક્ષા ખામીઓ (Security Failures) ને લઈને પણ લોકોમાં નેતન્યાહૂ સામે ભારે આક્રોશ છે. જનતા હવે ભૂતપૂર્વ લશ્કરી વડા ગાદી આઇઝેનકોટ (Gadi Eisenkot) ને નેતન્યાહૂના મુખ્ય હરીફ અને મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહી છે.

ચૂંટણીના મુખ્ય એજન્ડા અને વિવાદો
કટ્ટરવાદી યહૂદીઓની સૈન્ય ભરતીનો વિવાદ: ઇઝરાયલમાં અતિ-રૂઢિચુસ્ત (Ultra-Orthodox) યહૂદી પુરુષોને લશ્કરી સેવામાંથી મુક્તિ મળેલી છે. સામાન્ય જનતા અને સેનાની માંગ છે કે લાંબા યુદ્ધને કારણે સૈનિકોની અછત છે, તેથી તમામને સેનામાં સામેલ કરવા જોઈએ. જોકે, નેતન્યાહૂના કટ્ટર સાથી પક્ષોએ ધમકી આપી છે કે જો આ મુક્તિ હટાવી લેવાશે, તો તેઓ સરકાર પાડી દેશે.
ન્યાયિક સુધારા અને ભ્રષ્ટાચારના કેસ: યુદ્ધ પહેલાં નેતન્યાહૂએ શરૂ કરેલા વિવાદાસ્પદ ન્યાયિક સુધારા (Judicial Reforms) અને તેમની સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસો પણ મતદારોના મગજમાં છે.
ગાઝાનું ભવિષ્ય: યુદ્ધ પછી ગાઝામાં કોનું શાસન રહેશે તે અંગેની અનિશ્ચિતતા પણ મોટો મુદ્દો છે.
નેતન્યાહૂએ પોતાના બચાવમાં જણાવ્યું છે કે, “એકવાર આપણે ઇરાનના અસ્તિત્વના જોખમને સદંતર દૂર કરી દઈશું, ત્યારબાદ આપણી રાષ્ટ્રીય સરકાર દેશની અંદર શાંતિ સ્થાપશે. લેબનોન અને હિઝબુલ્લાહ સાથે આપણે જે કરારો કરી રહ્યા છીએ, તેનાથી આપણી પ્રાદેશિક મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે.”