ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ દરિયામાં ડૂબી, ૧૫ ના મોત

4 Min Read

વિયેતનામ બોટ અકસ્માત: કિનારેથી માંડ 300 મીટર દૂર ગઈ અને પલટી મારી ગઈ બોટ, પ્રત્યક્ષદર્શીએ વર્ણવી કાળજું કંપાવનારી આપવીતી

વિયેતનામના દક્ષિણ ભાગમાં આવેલા પ્રસિદ્ધ પ્રવાસી મથક ફૂ ક્વોક (Phu Quoc) ટાપુ નજીક શનિવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભારતીય પ્રવાસીઓથી ભરેલી એક હાઇ-સ્પીડ બોટ સમુદ્રમાં પલટી જતાં ઓછામાં ઓછા 15 ભારતીય નાગરિકોના કરુણ મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માત સમયે બોટમાં 32 ભારતીય પ્રવાસીઓ અને 4 વિયેતનામી ક્રૂ મેમ્બર્સ સહીત કુલ 36 લોકો સવાર હતા.

અકસ્માત એટલો ઝડપી અને ઓચિંતો હતો કે લોકોને સંભાળવાની તક પણ ન મળી. આ ઘટના અંગે એક પ્રત્યક્ષદર્શીએ જે ખુલાસો કર્યો છે તે રૂવાડાં ઊભા કરી દે તેવો છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, “બોટે કિનારો છોડ્યો જ હતો અને તે માંડ 300 થી 400 મીટર જેટલી આગળ વધી હશે, ત્યાં જ અચાનક એક વિશાળ મોજું આવ્યું અને આખી બોટ દરિયામાં પલટી મારી ગઈ”.

- Advertisement -

rec.jpg

‘લોકો અંદર ફસાઈ ગયા હતા, બચાવવાની કોઈ જગ્યા નહોતી’

સ્થાનિક મીડિયા અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હોન મે રુત એન્ગોઆઈ (Hon May Rut Ngoai) ટાપુ પરથી પરત ફરી રહેલી આ સ્પીડબોટ ખરાબ હવામાનનો ભોગ બની હતી. સમુદ્રમાં કરંટ વધુ હોવાને કારણે અને તેજ પવનને લીધે મોજાં ઉછળી રહ્યાં હતાં. બોટ પલટી જતાં જ ચીસાચીસ મચી ગઈ હતી.

- Advertisement -

આસપાસથી પસાર થતી અન્ય પ્રવાસી બોટો તાત્કાલિક મદદ માટે દોડી ગઈ હતી અને ઘણા લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જોકે, બોટ ઊંધી વળી જવાને કારણે અને સ્પીડબોટની ખાસ ડિઝાઇનને લીધે ઘણા પ્રવાસીઓ તેની અંદર જ ટ્રેપ (ફસાઈ) થઈ ગયા હતા. આ જ કારણે મૃત્યુઆંક આટલો મોટો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ વિયેતનામી કોસ્ટ ગાર્ડ, નેવી અને બોર્ડર ગાર્ડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી હતી.

21 પ્રવાસીઓનો આબાદ બચાવ, 2ની હાલત ગંભીર

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં કુલ 21 લોકોને દરિયામાંથી સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે, જેમાંથી બે પ્રવાસીઓની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. તમામ ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રારંભિક અહેવાલો મુજબ, આ પ્રવાસીઓમાં આંધ્રપ્રદેશના નાગરિકો પણ સામેલ હોવાની આશંકા છે, જે અંગે ભારત સરકાર વિગતો એકત્ર કરી રહી છે.

પીએમ મોદીએ વ્યક્ત કર્યું ઊંડું દુઃખ

આ ભયાનક દુર્ઘટના પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ લખ્યું:

- Advertisement -

“વિયેતનામના ફૂ ક્વોક નજીક ભારતીય નાગરિકોની બોટ અકસ્માતનો ભોગ બની હોવાના સમાચારથી અત્યંત દુઃખી છું. પોતાના વ્હાલસોયા ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ છે. હું ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. આપણી એમ્બેસી અને કોન્સ્યુલેટ તમામ સંભવિત મદદ પુરી પાડી રહ્યા છે અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.”

reci.jpg

ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

વિયેતનામમાં સ્થિત ભારતીય એમ્બેસીએ (Embassy of India in Hanoi) તમામ 32 ભારતીય મુસાફરોની યાદી મેળવી લીધી છે અને મૃતકોની સત્તાવાર ઓળખ વિયેતનામી સત્તાવાળાઓ સાથે મળીને કરવામાં આવી રહી છે. પ્રવાસીઓના પરિવારોની મદદ માટે તાત્કાલિક ધોરણે ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.

પરિવારજનો નીચે આપેલા નંબરો પર સંપર્ક કરીને માહિતી મેળવી શકે છે

કંટ્રોલ રૂમનું સ્થળહેલ્પલાઇન નંબર્સ
હો ચી મિન્હ સિટી (કોન્સ્યુલેટ)+84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414
હનોઈ (એમ્બેસી)+84 91 308 9165
Share This Article