ગાઝામાં ફરી લોહી વહ્યું: ઇઝરાયલી ડ્રોન અને તોપમારાના હુમલામાં 9 વર્ષની બાળકી સહિત 6 પેલેસ્ટિનિયનોના મોત, યુદ્ધવિરામ છતાં હિંસા ચાલુ
ગાઝા પટ્ટીમાં સત્તાવાર રીતે યુદ્ધવિરામ લાગુ હોવા છતાં જમીની સ્તરે હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રવિવારે ગાઝાના અલગ-અલગ વિસ્તારોમાં થયેલા ઇઝરાયલી સેનાના ડ્રોન હુમલા અને ગોળીબારમાં એક 9 વર્ષની માસૂમ બાળકી સહિત ઓછામાં ઓછા છ પેલેસ્ટિનિયનોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ આપ્યા છે.
ઇઝરાયલી સૈન્યએ આ હુમલાઓની કબૂલાત કરતા દાવો કર્યો છે કે તેમણે હમાસના “આતંકવાદી માળખા” અને શસ્ત્ર ઉત્પાદન સ્થળોને નિશાન બનાવ્યા હતા. જોકે, આ હુમલામાં સામાન્ય નાગરિકો ભોગ બન્યા હોવાથી માનવતાવાદી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લુહારની દુકાન પર ડ્રોન હુમલો અને બેવડો પ્રહાર
ગાઝા શહેરના સાબ્રા પડોશમાં આવેલી એક લુહારની દુકાનને નિશાન બનાવીને ઇઝરાયલે ભીષણ ડ્રોન હુમલો કર્યો હતો. શિફા હોસ્પિટલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઘટનાસ્થળે જ ચાર પેલેસ્ટિનિયનોના મોત નીપજ્યા હતા.
સૌથી આઘાતજનક બાબત એ છે કે, પ્રથમ હુમલા બાદ સ્થાનિક લોકોને સેના તરફથી વિસ્તાર ખાલી કરવાનો આદેશ મળ્યો હતો. પરંતુ લોકો કશું સમજે કે સ્થળાંતર કરે તે પહેલાં, અંદાજે એક જ કલાકની અંદર તે જ લુહારની દુકાન પર ફરીથી તીવ્ર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. પેલેસ્ટિનિયન રેડ ક્રેસેન્ટ સોસાયટીની એમ્બ્યુલન્સ સેવાએ જણાવ્યું કે આ બેવડા પ્રહારને કારણે આસપાસના 14 થી વધુ લોકો લોહીલુહાણ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
9 વર્ષની તાલાનું મોત અને વિસ્થાપિતોના તંબુ પર હુમલો
રવિવારે લોહીની હોળી માત્ર ગાઝા સિટી પૂરતી મર્યાદિત નહોતી. મધ્ય ગાઝામાં આવેલા એક વિસ્થાપન શિબિર (Displacement Camp) પર ઇઝરાયલી દળો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 9 વર્ષની માસૂમ બાળકી તાલા અબુ માતરનું કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે આ અંગે ઇઝરાયલી સૈન્યને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હંમેશની જેમ હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કે તેઓ આવી કોઈ ઘટનાથી અજાણ છે.
આ ઉપરાંત, દક્ષિણ ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં પણ શરણાર્થીઓના એક તંબુ પર ઇઝરાયલે હુમલો કર્યો હતો, જેમાં વધુ એક પેલેસ્ટિનિયન નાગરિકનું મોત થયું હોવાની પુષ્ટિ નાસેર હોસ્પિટલના તબીબોએ કરી છે. આ હુમલાને ઇઝરાયલી સેનાએ તેમની “નિયમિત પ્રવૃત્તિઓનો ભાગ” ગણાવ્યો હતો.

યુદ્ધવિરામ છતાં દરરોજનો ભયાવહ આંકડો
નોંધનીય છે કે 10 ઓક્ટોબરથી ગાઝામાં યુદ્ધવિરામ અમલી બન્યો છે, જેના કારણે અગાઉની સરખામણીએ હુમલાઓમાં ઘટાડો જરૂર થયો છે, પરંતુ ઇઝરાયલ તરફથી થતી કાર્યવાહી સંપૂર્ણપણે બંધ થઈ નથી. સેનાનો દાવો છે કે તેઓ માત્ર હમાસના આતંકવાદીઓને જ નિશાન બનાવે છે જેઓ નવા હુમલાઓનું આયોજન કરી રહ્યા હોય છે, પરંતુ હકીકત એ છે કે આમા સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં હોમાઈ રહ્યા છે.
આંકડાની દ્રષ્ટિએ ભયાનક સ્થિતિ: ગાઝાના આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, યુદ્ધવિરામ અમલમાં આવ્યા બાદ જ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,098 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જેમાંથી 260 તો માત્ર માસૂમ બાળકો છે. તેની સામે આ જ સમયગાળા દરમિયાન પાંચ ઇઝરાયલી સૈનિકોના મોત થયા છે.
વિનાશ અને મડાગાંઠ વચ્ચે અટવાયેલું ગાઝા
7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસ દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલામાં 1,200 લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને બંધક બનાવાયા હતા, જેના જવાબમાં શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 73,221 પેલેસ્ટિનિયનોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, મૃતકોમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે.