દરેક સારી વસ્તુનો અંત આવે છે… કરણ જોહરે કીધું અલવિદા, આવી રહી છે શોની છેલ્લી સિઝન
ટેલિવિઝન અને ઓટીટીની દુનિયાના સૌથી લોકપ્રિય અને ગૉસિપથી ભરપૂર ચેટ શો ‘કોફી વિથ કરણ’ (Koffee With Karan) ને લઈને એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ખુદ શોના હોસ્ટ અને બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહરે એવું એલાન કરી દીધું છે કે આ શોની 9મી સિઝન તેની આખરી સિઝન હશે.
લગભગ 22 વર્ષો સુધી દર્શકોનું ભરપૂર મનોરંજન કરનાર આ આઇકોનિક ચેટ શો હંમેશાં માટે બંધ થવા જઈ રહ્યો છે. કરણ જોહરે એક ઇમોશનલ વીડિયો શેર કરીને આ વાતની જાણકારી આપી છે, જેના પછી તેના ફેન્સ ખૂબ જ ભાવુક થઈ ગયા છે.

14 ઓક્ટોબરથી શરૂ થશે અંતિમ સીઝન
કરણ જોહરે ખુલાસો કર્યો કે ‘કોફી વિથ કરણ’ની નવી અને અંતિમ સીઝન 14 ઓક્ટોબર, 2026ના રોજ OTT પ્લેટફોર્મ ડિઝની+ હોટસ્ટાર (Disney+ Hotstar) પર સ્ટ્રીમ થવાનું શરૂ થશે.
આ શો જૂન 2004માં શરૂ થયો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં તેની આઠ સફળ સીઝન પ્રસારિત થઈ ચૂકી છે, જેમાં કુલ 161 એપિસોડનો સમાવેશ થાય છે. આ સફરને યાદ કરતા કરણ જોહરે જણાવ્યું કે આ શો દ્વારા તેમણે બોલિવૂડના અનેક સ્ટાર્સ, મિત્રો, પરિવારના સભ્યો અને અન્ય હસ્તીઓનું તેમના ‘કોફી કાઉચ’ પર સ્વાગત કર્યું છે અને તેમને તીક્ષ્ણ તેમજ મનોરંજક પ્રશ્નો પૂછ્યા છે.
જ્યારે પિતા સાથે શેર કર્યો હતો આઈડિયા
પોતાના ઇમોશનલ વીડિયોમાં કરણ જોહરે શો સાથે જોડાયેલા શરૂઆતના દિવસોને યાદ કર્યા. તેણે જણાવ્યું કે જ્યારે તેણે પહેલીવાર પોતાના દિવંગત પિતા યશ જોહર સાથે આ ટૉક શોનો આઈડિયા શેર કર્યો હતો, ત્યારે તેના પિતાએ હસતા-હસતા કહ્યું હતું કે તું તમારા મિત્રોને બોલાવીશ અને વાતો કરીશ—આ તો તું રોજ કરે છે, તેના તને કોણ પૈસા આપશે?
કરણ જોહરનો અવાજ તે સમયે ભારે થઈ ગયો જ્યારે તેણે જણાવ્યું કે આ વિચારને શેર કર્યાના થોડા જ દિવસો પછી, એટલે કે 26 જૂન 2004 ના રોજ તેના પિતાનું અવસાન થયું હતું. આના પછી, તેણે પહેલીવાર 16 ઓગસ્ટ 2004 ના રોજ આ શોનું શૂટિંગ શરૂ કર્યું હતું.
વિવાદ, નેપોટિઝમ અને સ્ટાર્સના કરિયર પર અસર
‘કોફી વિથ કરણ’ તેના બિન્દાસ અંદાજ, તીખા સવાલો અને ગૉસિપ માટે હંમેશાં ચર્ચામાં રહ્યો છે. કરણે મજાકિયા અંદાજમાં આ વાત પણ સ્વીકારી કે આ શોના કારણે તેને આજે પણ ‘નેપોટિઝમ’ જેવા મોટા શબ્દોનો સામનો કરવો પડે છે.
શો દરમિયાન સેલિબ્રિટીઝ દ્વારા કહેવામાં આવેલી ઘણી વાતો અને ખુલાસાઓ એવા રહ્યા, જેણે નેશનલ આઇકન્સ અને ઘણા મોટા સ્ટાર્સના કરિયરને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. આ બધું હોવા છતાં, દર્શકોએ આ શોને હંમેશાં અઢળક પ્રેમ આપ્યો છે.
આખરી સિઝનમાં જોવા મળી શકે છે આ સિતારાઓ
શોની અંતિમ સીઝન અંગે દર્શકોમાં ભારે ઉત્સાહ અને આતુરતા જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર, ‘કોફી વિથ કરણ સીઝન 9’ના અંતિમ એપિસોડ્સમાં ઘણા જાણીતા કલાકારો મહેમાન તરીકે જોવા મળી શકે છે, જેમાં નીચેના મોટા નામોનો સમાવેશ થાય છે:
વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદન્ના
આમિર ખાન, સૈફ અલી ખાન અને અક્ષય ખન્ના
અજય દેવગણ અને કાજોલ
જેવા મોટા નામ સામેલ થઈ શકે છે. કરણ જોહરે પોતાના ફેન્સનો આભાર માનતા કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આ સફરને એક સુંદર અંત આપવામાં આવે અને બધાની સાથે કોફીનો આખરી કપ પીવામાં આવે.

