ખોટા ઓપરેશન કૌભાંડમાં કાર્તિક પટેલ અને રાહુલ જૈનની અરજી ફગાવાઈ
અમદાવાદની ચર્ચિત ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ સાથે જોડાયેલા કૌભાંડમાં આરોપીઓને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ અને રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી અદાલતે ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણય બાદ હવે બંને આરોપીઓ સામે નિયમિત ટ્રાયલનો માર્ગ ખુલ્લો થયો છે. નજીકના સમયમાં બંને સામે ઔપચારિક રીતે ચાર્જ ફ્રેમ થવાની કાર્યવાહી હાથ ધરાશે.
ખોટા ઓપરેશનથી દર્દીઓના જીવ જોખમમાં
તપાસ દરમિયાન ખુલ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલમાં જરૂરિયાત ન હોવા છતાં લોકોને દર્દી ગણાવી ગંભીર બીમારીનો ભય બતાવવામાં આવતો હતો. ત્યારબાદ એન્જીયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જેવા મોટા ઓપરેશનો કરવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર સારવારના કારણે ત્રણ દર્દીઓના મોત થયાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલો બહાર આવતા આરોગ્ય જગતમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
મજબૂત પુરાવા હોવાથી ટ્રાયલ જરૂરી
ડિસ્ચાર્જ અરજી ફગાવતા કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે આરોપીઓ સામે પૂરતા અને મજબૂત પુરાવા ઉપલબ્ધ છે. અદાલતનું માનવું છે કે કાર્તિક પટેલ અને રાહુલ જૈન સમગ્ર ગુનાહિત પ્રવૃત્તિ અને કાવતરામાં સક્રિય રીતે સંડોવાયેલા હતા. આ પરિસ્થિતિમાં ટ્રાયલ ચલાવવો અત્યંત જરૂરી છે. કોર્ટના આ નિરીક્ષણથી આરોપીઓની મુશ્કેલી વધુ વધી છે.
હજારો પાનાની ચાર્જશીટમાં ગંભીર ખુલાસા
આ કૌભાંડ મામલે તપાસ એજન્સીએ લગભગ 6070 પાનાની વિશાળ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં કુલ 30 મહત્વના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત 7 સાક્ષીઓના મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવેલા નિવેદનો પણ રેકોર્ડ પર છે. આ દસ્તાવેજોમાં આરોપીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નાણાકીય હેરાફેરીના વિગતવાર પુરાવા રજૂ કરાયા છે.
નવા હોસ્પિટલ પ્રોજેક્ટ પહેલાં જ ભાંડો ફૂટ્યો
તપાસમાં એવી માહિતી પણ સામે આવી છે કે કાર્તિક પટેલે આ કૌભાંડમાંથી કમાયેલો મોટો નાણાંકીય લાભ ઉપયોગમાં લઈને નરોડા વિસ્તારમાં નવી મોટી હોસ્પિટલ શરૂ કરવાની યોજના બનાવી હતી. જોકે તે પહેલા જ ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ જાહેર થતાં તેની તમામ યોજનાઓ પર પાણી ફરી વળ્યું. હવે આ કેસમાં આગળની કાનૂની કાર્યવાહીથી વધુ ખુલાસા થવાની શક્યતા છે.

