₹11 ની વસ્તુના દર્દી પાસેથી લેવાય છે ₹325! IAS તુકારામ મુંઢેએ કર્યો મોટો પર્દાફાશ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
4 Min Read

મેડિકલ બિલમાં મોટી ગરબડ! મૂળ કિંમત અને MRP વચ્ચેનો તફાવત જોઈને તમે પણ ચોંકી જશો

મહારાષ્ટ્રમાં તબીબી સારવાર દરમિયાન વપરાતી દવાઓ અને સર્જિકલ સામગ્રી (મેડિકલ કન્ઝ્યુમબલ્સ)ના ભાવમાં થઈ રહેલી ભ્રષ્ટાચારી લૂંટનો એક મોટો પર્દાફાશ થયો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના વડા અને આઈએઈએસ અધિકારી તુકારામ મુંઢેએ હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતા અતિશય માર્જિન અને કિંમતોના તફાવતને છતો કર્યો છે. તેમના અનુસાર, જે સામગ્રીની મૂળ કિંમત ખૂબ ઓછી હોય છે, તે દર્દીઓને સેંકડો અને હજારો ગણા ઊંચા ભાવે વેચવામાં આવે છે, જે જાહેર આરોગ્ય ક્ષેત્રે એક ગંભીર ચિંતાનો વિષય છે.

Medicine Price

- Advertisement -

₹11 ની સામગ્રીનું ₹325 નું બિલ: ભાવમાં 2,800% નો જંગી તફાવત

એફડીએ (FDA) દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. તુકારામ મુંઢેએ સોશિયલ મીડિયા પર આંકડા શેર કરતા જણાવ્યું હતું કે ઉત્પાદકો અને વિતરકો દ્વારા ચીજવસ્તુઓની મૂળ ખરીદ કિંમત (Trade Price) અને તેના પર છાપવામાં આવતી મહત્તમ વેચાણ કિંમત (MRP) વચ્ચે ખૂબ મોટો તફાવત રાખવામાં આવે છે.

  • IV ઇન્ફ્યુઝન સેટ (ગ્લુકોઝ બોટલની પાઇપ): જેની મૂળ ખરીદ કિંમત માત્ર ₹11.05 છે, તેની MRP ₹325 છાપવામાં આવી હતી. એટલે કે તેના પર 2,841 ટકા જેટલું માર્જિન વસૂલવામાં આવતું હતું.

  • સિરીંજ: માત્ર ₹6.75 ની મૂળ કિંમત ધરાવતી સિરીંજ પર ₹57.20 ની MRP છાપવામાં આવી હતી.

  • કેથેટર (Catheter): ₹29.41 માં મળતા કેથેટરની MRP ₹310 રાખવામાં આવી હતી.

આ આંકડા દર્શાવે છે કે હોસ્પિટલના બિલનો સૌથી મોંઘો હિસ્સો ઘણીવાર એવી વસ્તુઓનો હોય છે, જેના વાસ્તવિક ઉત્પાદન ખર્ચ વિશે દર્દીને કોઈ અંદાજ હોતો નથી.

- Advertisement -

દર્દીઓ માટે ભાવની સરખામણી કરવી અશક્ય

આઈએઈએસ તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ દર્દી હોસ્પિટલમાં દાખલ થાય છે, ત્યારે તેની પાસે તબીબી સામગ્રીના ભાવની સરખામણી કરવાનો, વિકલ્પો શોધવાનો કે છાપેલી MRP સામે સવાલ કરવાનો કોઈ અધિકાર કે તક હોતી નથી. આ કોઈ પોતાની મરજીથી કરવામાં આવતી ખરીદી નથી, પરંતુ ઈમરજન્સી અને મજબૂરીમાં થતી ખરીદી છે.

MEDICINE .jpg

ઉત્પાદકો અને સપ્લાયરો દ્વારા અગાઉથી જ ઊંચી MRP નક્કી કરી દેવામાં આવે છે, જે ખરીદ કિંમતથી સંપૂર્ણપણે અલગ હોય છે. પરિણામે, જે વ્યક્તિ બિલ ચૂકવે છે (એટલે કે દર્દી કે તેના પરિજનો), તેની પાસે જ સાચી માહિતીનો સૌથી વધુ અભાવ હોય છે.

- Advertisement -

નિયમનકારી ખામીઓ અને કાયદાકીય મર્યાદાઓ

આ મુદ્દે સિસ્ટમની ખામી તરફ ધ્યાન દોરતા તેમણે ઉમેર્યું હતું કે ‘ડ્રગ્સ (પ્રાઈસ કંટ્રોલ) ઓર્ડર, 2013’ હેઠળ નિયત કરેલી કેટલીક આવશ્યક દવાની કિંમતો પર સરકારનું સત્તાવાર નિયંત્રણ હોય છે. પરંતુ મોટાભાગના મેડિકલ ડિવાઇસ અને સર્જિકલ કન્ઝ્યુમબલ્સ (જેમ કે સિરીંજ, પાઇપ, બેન્ડેજ વગેરે) આ કિંમત નિયંત્રણ હેઠળ આવતા નથી. આ કાયદાકીય છટકબારીના કારણે ઉત્પાદકો અને હોસ્પિટલો અનિયંત્રિત માર્જિન વસૂલે છે.

કેન્દ્ર સરકારને સમીક્ષા માટે ભલામણ અને કડક કાર્યવાહી

મહારાષ્ટ્ર એફડીએ દ્વારા આ તમામ તારણો અને રિપોર્ટ કેન્દ્ર સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) ને મોકલી આપવામાં આવ્યા છે. મુંઢેએ ભલામણ કરી છે કે મેડિકલ સાધનોની મૂળ ખરીદ કિંમત અને પ્રિન્ટેડ MRP વચ્ચે કેટલો તફાવત રાખી શકાય, તે અંગે કડક દિશા-નિર્દેશો બનાવવામાં આવે.

આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં એફડીએ દ્વારા ખાદ્ય સુરક્ષા અને દવાઓના નિયમોનું ઉલ્લંઘન કરતી હોસ્પિટલો, રેસ્ટોરન્ટ્સ અને સંસ્થાઓ સામે મોટા પાયે દરોડા પાડીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને સામાન્ય જનતા તરફથી ભારે સમર્થન મળી રહ્યું છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.