ચોમાસાના અંતિમ તબક્કામાં કુદરતનો કોપ: દેશના ૨૨ રાજ્યોમાં ૭૫ કિમીની ઝડપે ફૂંકાશે પવન, ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ
દેશમાંથી વિદાય લઈ રહેલા ચોમાસાએ અંતિમ તબક્કામાં ફરી એકવાર રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ૧ ઓક્ટોબરના રોજ જારી કરવામાં આવેલા તાજા બુલેટિન મુજબ, દેશના ઉત્તર, પૂર્વ અને મધ્ય ભાગો સહિત ૨૨ થી વધુ રાજ્યોમાં આગામી કેટલાક કલાકો દરમિયાન ભારે વરસાદ, વાવાઝોડું અને કડાકા ભડાકા સાથે વીજળી પડવાની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કેટલાક દરિયાકાંઠાના અને ઉત્તરીય પ્રદેશોમાં ૭૦ થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગોમાં સર્જાયેલા અપર-એર સાયક્લોનિક પરિભ્રમણ (Cyclonic Circulation) તેમજ ઉત્તર-પૂર્વીય આસામ પર બનેલી ચક્રવાતી સિસ્ટમને કારણે વાતાવરણમાં આ અચાનક પલટો આવ્યો છે. આ સિસ્ટમ સક્રિય થવાથી દરિયાકાંઠાના વિસ્તારો, પહાડી રાજ્યો અને મેદાની ભાગોમાં હવામાન જોખમી બન્યું છે.
પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને તાપમાનમાં કડાકાની ભીતિ
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર જેવા પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની સાથે ભૂસ્ખલન (Landslides) ની શક્યતા છે. તાપમાનમાં અચાનક ૩ થી ૪ ડિગ્રી સેલ્સિયસ સુધીનો કડાકો બોલાઈ શકે છે. મનાલી જેવા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. તંત્ર દ્વારા ગીચ જંગલો અને પહાડી વિસ્તારોની મુલાકાતે આવતા પ્રવાસીઓને સુરક્ષિત રહેવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ ઓડિશા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ભારે પવન અને કરા પડવાની શક્યતાને પગલે માછીમારો તથા ખેડૂતોને પણ સાવચેત કરવામાં આવ્યા છે.

દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારનું હવામાન
રાજધાની દિલ્હીમાં દિવસ દરમિયાન મધ્યમ વરસાદ સાથે ૨૦ થી ૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી રહેવાનો અંદાજ છે.
ઉત્તર પ્રદેશના મેરઠ, ગાઝિયાબાદ, આંગ્રા, પ્રયાગરાજ, કાનપુર, ગોંડા અને લખનૌ સહિત અનેક જિલ્લાઓમાં ૩૦ થી ૪૦ કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
બિહારના પટણા, ગયા, મુઝફ્ફરપુર, ભાગલપુર અને પૂર્ણિયા સહિતના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે.

ઝારખંડ, પંજાબ, રાજસ્થાન અને અન્ય રાજ્યોની સ્થિતિ
ઝારખંડના રાંચી, ધનબાદ, હજારીબાગ અને જમશેદપુર જેવા શહેરોમાં ૩૫ કિમીની સ્પીડે પવન સાથે મુશળધાર વરસાદ પડી શકે છે.
રાજસ્થાનના જયપુર, કોટા, ઉદયપુર અને બિકાનેરમાં હળવો વરસાદ અને તેજ પવન ફૂંકાશે.
પંજાબના લુધિયાણા, જલંધર અને પટિયાલા તેમજ મધ્યપ્રદેશના ભોપાલ, ઇન્દોર અને હોશંગાબાદ વિસ્તારમાં પવનની ઝડપ ૫૦ કિમી સુધી પહોંચવાની શક્યતા સાથે વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સિવાય ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કેરળ, આંધ્રપ્રદેશ, આસામ અને મેઘાલય જેવા પૂર્વોત્તર રાજ્યોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે લોકોને નદી-નાળા અને જર્જરીત ઇમારતોથી દૂર રહેવાની સૂચના આપી છે.
