સુરતમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા મિહિર પટેલની UPSCમાં ઝળહળતી સિદ્ધિ, પાંચમા પ્રયાસે AIR ૭૦૯
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા જાહેર કરવામાં આવેલા સિવિલ સર્વિસીસ પરીક્ષા-૨૦૨૫ના પરિણામમાં નવસારીના નાંદરખા ગામના ૨૬ વર્ષીય યુવાન મિહિર પટેલે બાજી મારી છે. હાલ સુરતમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા મિહિરે ઓલ ઇન્ડિયા લેવલે ૭૦૯મો રેન્ક મેળવીને નવસારી જિલ્લા અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સફળતા માત્ર મિહિરની મહેનત નહીં, પણ તેમના પરિવારના વર્ષો જૂના સપનાની જીત છે.
સંઘર્ષ અને મક્કમતા: પાંચમા પ્રયાસે હાંસલ કર્યું લક્ષ્ય
વર્ષ ૨૦૨૦માં આઈ.ટી. એન્જિનિયરિંગમાં સ્નાતક થયા બાદ મિહિરે અમદાવાદ સ્પીપા (SPIPA) માંથી UPSCની તૈયારી શરૂ કરી હતી. સફળતાનો માર્ગ સહેલો નહોતો; એક વાર નિષ્ફળતા અને ત્રણ વાર પ્રિલિમ્સ પાસ કર્યા બાદ આખરે પાંચમા પ્રયાસે તેમને આ મોટી સફળતા મળી છે. પિતાના અવસાન બાદ પણ હિંમત હાર્યા વગર, મમ્મી અને મોટી બહેનના સતત પ્રોત્સાહનથી તેઓ પોતાના ધ્યેય તરફ આગળ વધતા રહ્યા અને આજે એક ઉચ્ચ અધિકારી તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે.
પિતાના આગ્રહથી પડેલી સમાચાર પત્ર વાંચવાની ટેવ બની પ્રેરણા
મિહિર જણાવે છે કે તેમના સ્વર્ગસ્થ પિતા રાજેન્દ્રભાઈ તેમને નાનપણથી જ ન્યૂઝ પેપર વાંચવા માટે પ્રોત્સાહિત કરતા હતા. છાપામાં આવતા કલેક્ટર અને કમિશનરના લેખો વાંચીને તેમને આ ક્ષેત્રમાં આવવાની પ્રેરણા મળી હતી. તેમની માતા સરકારી શાળામાં શિક્ષિકા છે અને પિતાનું સપનું હતું કે દીકરો મોટો સરકારી અધિકારી બને. પિતાના એ સપનાને પૂરું કરવા માટે મિહિરે કોલેજના સમયથી જ જનરલ નોલેજ અને કરંટ અફેર્સ પર પકડ મજબૂત કરી હતી.
UPSC પાસ કરવાનો મૂળ મંત્ર: શિસ્ત, સકારાત્મકતા અને સારું મિત્ર વર્તુળ
પોતાની તૈયારી વિશે વાત કરતા મિહિરે જણાવ્યું કે UPSC જેવી અઘરી પરીક્ષા પાસ કરવા માટે ત્રણ બાબતો ખૂબ મહત્વની છે: શિસ્તબદ્ધ નિયમિત તૈયારી, સકારાત્મક અભિગમ અને સારા મિત્રો. તેઓ સાપ્તાહિક અને દૈનિક આયોજન કરીને વાંચતા હતા. અન્ય ઉમેદવારોને સલાહ આપતા તેમણે કહ્યું કે, માત્ર પરિણામ પાછળ ભાગવાને બદલે સ્વનિરીક્ષણ અને સતત અપગ્રેડેશન સાથે પરિશ્રમ કરવો જોઈએ. તેમની આ સિદ્ધિ બદલ સુરત નોંધણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
