ચાઈનીઝ દોરી સામે 19 વર્ષથી લડતો એક અમદાવાદી, હજારો જીવ બચાવ્યા
નવા વર્ષની ઉજવણી બાદ હવે બાળકો અને યુવાનો ઉત્તરાયણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પતંગોત્સવ આનંદ અને ઉમંગનો તહેવાર હોવા છતાં ચાઈનીઝ દોરીના કારણે આ ઉત્સાહ ઘણી વખત ઘાતક બની જાય છે. ખાસ કરીને શહેરના બ્રિજ પર વાહનચાલકો માટે આ દોરી જીવલેણ સાબિત થાય છે. આવી ઘટનાઓ અટકાવવા અમદાવાદમાં એક વ્યક્તિ છેલ્લા અનેક વર્ષોથી નિઃસ્વાર્થ સેવા આપી રહ્યો છે.
મિશન સેફ ઉત્તરાયણ હેઠળ બ્રિજ પર સુરક્ષા તાર
ઉતરાયણ નજીક આવતા ‘મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન’ દ્વારા શહેરના બ્રિજ પર સુરક્ષા તાર લગાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. AMCની મંજૂરી બાદ મનપા હસ્તકના અનેક બ્રિજ પર આ કામગીરી ચાલી રહી છે. હેતુ એક જ છે કે ચાઈનીઝ દોરીથી કોઈ નિર્દોષનો જીવ ન જાય. આ અભિયાન શહેરમાં સલામતી માટે મહત્વપૂર્ણ બન્યું છે.
મનોજ ભાવસારનો માનવતાભર્યો સંકલ્પ
આ સરાહનીય કાર્ય પાછળ શાહપુર વિસ્તારમાં રહેતા મનોજ ભાવસારનું નામ જોડાયેલું છે. વ્યવસાયે એસી ટેકનિશિયન હોવા છતાં તેમણે માનવસેવાને જીવનનો હેતુ બનાવ્યો છે. વર્ષ 2010માં ચાંદલોડિયા બ્રિજ પર થયેલી એક દુઃખદ ઘટનાએ તેમને ઝંઝોળી નાખ્યા હતા. ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે ચાઈનીઝ દોરીથી કોઈનો જીવ ન જાય તે માટે પ્રયાસ કરવો જ પડશે.
19 વર્ષથી ઉત્તરાયણ પહેલાં શરૂ થતી તૈયારી
મનોજ ભાવસાર છેલ્લા બે-ચાર વર્ષથી નહીં પરંતુ સતત 19 વર્ષથી ઉત્તરાયણ પહેલાં તૈયારીઓ શરૂ કરી દે છે. તેઓ દર વર્ષે શહેરના અંદાજે 30થી 35 બ્રિજ પર તાર બાંધે છે. આ તાર એટલી ઊંચાઈએ લગાવવામાં આવે છે કે દોરી સીધી વાહનચાલકોના ગળા સુધી ન પહોંચે. આ પ્રયાસે અનેક અકસ્માતોને અટકાવ્યા છે.
પ્રેરણાની શરૂઆત અને વિસ્તરતો અભિયાન
વર્ષ 2007માં એઈસી બ્રિજ પર મનોજ પોતે દોરીનો ભોગ બન્યા હતા. તે ઘટનાએ તેમને અંદરથી બદલી નાખ્યા અને સુરક્ષા તાર લગાવવાની મુહિમ શરૂ થઈ. શરૂઆતમાં એક જ બ્રિજથી શરૂ થયેલું કામ આજે સમગ્ર શહેર સુધી વિસ્તરી ગયું છે. આ વર્ષે તેઓ અંદાજે ચાર લાખ રૂપિયાના ખર્ચે અનેક બ્રિજ પર તાર લગાવી રહ્યા છે.
ટેકનિકલ પડકારો વચ્ચે જોખમી કામગીરી
બધા બ્રિજ પર લાઈટ પોલ ન હોવાના કારણે ઘણા સ્થળે તાર લગાવવું અત્યંત મુશ્કેલ બને છે. છતાં મનોજ ટેકનિકલ રીતે 20 ફૂટ જેટલી ઊંચાઈએ તાર બાંધીને જોખમ ઘટાડે છે. ધરણીધર, અંજલિ, વટવા ઈસનપુર, હાટકેશ્વર અને મેમ્કો જેવા સંવેદનશીલ બ્રિજ પર તેઓ પહેલેથી જ કામગીરી પૂર્ણ કરે છે. આ બ્રિજોને સૌથી જોખમી માનવામાં આવે છે.
સરકારની મદદ વગર સ્વખર્ચે માનવસેવા
હાટકેશ્વર બ્રિજ તૂટેલો હોવા છતાં ભૂતકાળમાં ત્યાં અનેક લોકો દોરીના ભોગ બન્યા હોવાનું મનોજ જણાવે છે. આટલી મહત્વની સેવા હોવા છતાં તેમને હજુ સુધી સરકાર તરફથી કોઈ ખાસ સહાય કે પ્રોત્સાહન મળ્યું નથી. તેમ છતાં તેઓ પોતાનાં જીવના જોખમે અને સ્વખર્ચે આ કામગીરી કરી રહ્યા છે. તેમની મહેનતના કારણે અનેક પરિવારો શોકમાંથી બચ્યા છે.

