પિતા-પુત્ર સહિત ડોક્ટર-નર્સનો કરુણ અંત
મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે આજે વહેલી સવારે બનેલી એક હૃદયહારી ઘટના સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી છોડી ગઈ છે. સારવાર માટે લઈ જવામાં આવતી એમ્બ્યુલન્સમાં અચાનક આગ ભડકી ઉઠતાં એક દિવસના નવજાત શિશુ, તેના પિતા, ડોક્ટર અને નર્સ એમ કુલ ચાર લોકો જીવતા સળગી ગયા. ઘટનાની ગંભીરતા એટલી ભયાનક હતી કે થોડા જ પળોમાં આખી એમ્બ્યુલન્સ આગથી ઘેરાઈ ગઈ હતી. આ ઘટનામાં એમ્બ્યુલન્સ ચાલક સહિત ત્રણ લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ જીવ ગુમાવનાર પરિવારોના કરુણ વર્તમાનોએ સમગ્ર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી છે.
સારવાર માટે અમદાવાદ લઈ જવાતાં એમ્બ્યુલન્સમાં ભડકી આગ, સીસીટીવી ફૂટેજમાં પૂરું દૃશ્ય કેદ
મોડાસાની રિચ હોસ્પિટલમાંથી એક દિવસના નાજુક નવજાતને વધુ સારવાર માટે અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ લઈ જવાતું હતું. એમ્બ્યુલન્સ રાણાસૈયદ ચોકડી પાસે પહોંચતા જ તેમાં અજાણ્યા કારણસર આગ ફાટી નીકળી. ડ્રાઇવરે વાહન અટકાવ્યું, પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ કે પળોમાં આખું વાહન બળી ખાક થઈ ગયું. સીસીટીવી ફૂટેજમાં પણ દેખાઈ રહ્યું છે કે થોડા સેકન્ડોમાં ભયાનક જ્વાળાઓએ સંપૂર્ણ એમ્બ્યુલન્સને ઘેરી લીધી હતી. નવજાત અને તેના પિતા, સાથે ગયેલા ડોક્ટર રાજકરણ રેટીયા અને નર્સ ભુરીબેન મનાત ઘટનાસ્થળે જ ભયાનક રીતે દાઝી ગયા હતા.
ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટથી આગ ફાટી નીકળવાની શંકા, કલેક્ટર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એમ્બ્યુલન્સમાં રહેલો ઓક્સિજન સિલિન્ડર અચાનક ફાટી ગયો હોઈ શકે છે. કલેક્ટર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. મૃત્યુ પામેલા જીગ્નેશભાઈ મોચીનું આ ત્રીજું બાળક હતું, જ્યારે અગાઉના બે સંતાનોનું અવસાન થયેલું. તેમની પત્નીએ અર્ધા માસે બાળકને જન્મ આપ્યો હતો અને વધુ સારવાર માટે તેને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું, પરંતુ અકાળે થયેલી દુર્ઘટનાએ નવજાત અને તેના પિતા બંનેનો જીવ લઈ લીધો. હાલ માતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ગંભીર રીતે દાઝેલા ત્રણ લોકો સારવાર હેઠળ, ગુજરાતભરમાં દુઃખની લાગણી
આ દુર્ઘટનામાં એમ્બ્યુલન્સ ના ડ્રાઇવર અંકીતભાઈ ઠાકોર, બાળકના કાકા ગૌરાંગકુમાર મોચી અને દાદી ગીતાબેન મોચી ગંભીર રીતે દાઝી ગયા છે અને હાલમાં સારવાર મેળવી રહ્યા છે. બીજી તરફ નવજાતને બચાવવા અડધી રાતે દોડી આવેલા ડોક્ટર રાજકરણ રેટીયા અને નર્સ ભુરીબેન મનાત પણ આ આગમાં જીવ ગુમાવી બેઠા. સમગ્ર ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે અને લોકોમાં ભારે દુઃખ અને વ્યથાનો માહોલ છવાઈ ગયો છે.

