રોમથી વિશ્વને પર્યાવરણનો સંદેશ: પીએમ મોદીએ ઇટાલીના પીએમ મેલોની સાથે મળીને લગાવ્યો ખાસ છોડ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
5 Min Read

પીએમ મોદીએ રોમમાં ઇટાલીના પીએમ મેલોની સાથે મળીને લગાવ્યો ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત છોડ: જાણો આ ખાસ વૃક્ષનું મહત્વ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઇટાલીની સત્તાવાર મુલાકાત દરમિયાન રોમ ખાતે પર્યાવરણ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચ્યો હતો. પીએમ મોદીએ તેમના વૈશ્વિક પર્યાવરણ અભિયાન ‘એક પેડ મા કે નામ’ (માતાના નામે એક વૃક્ષ) અંતર્ગત ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મળીને એક ખાસ છોડ રોપ્યો હતો. બે દિવસીય વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને વડાપ્રધાન ગુરુવારે સ્વદેશ પરત ફર્યા છે, પરંતુ રોમની ધરતી પર ભારત અને ઇટાલીની મિત્રતાનું આ નવું વાવેતર લાંબા સમય સુધી બંને દેશોના મજબૂત સંબંધોની સાક્ષી પૂરશે.

ભારત અને ઇટાલીને જોડતો ‘કૃષ્ણ તૂત’ એટલે કે બ્લેક મલબેરી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે આ વૃક્ષારોપણ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, બંને વૈશ્વિક નેતાઓએ રોમમાં ‘બ્લેક મલબેરી’ (કાળું શેતૂર)નો છોડ લગાવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ભારતમાં આ છોડને ‘કૃષ્ણ તૂત’ તરીકે ઓળખવામાં આવે છે.

- Advertisement -

pm modi2.jpg

આ કોઈ સામાન્ય છોડ નથી, પરંતુ તે પોતાના સ્વાદિષ્ટ ફળ (ખાન-પાન), આયુર્વેદિક ગુણો (ઔષધીય) અને ઐતિહાસિક મહત્વ દ્વારા ભારત અને ઇટાલીની પ્રાચીન સંસ્કૃતિઓને એકબીજા સાથે જોડે છે. આ પગલું પીએમ મોદીની ‘એક પેડ મા કે નામ’ ઝુંબેશનો એક ભાગ છે, જે વૈશ્વિક સ્તરે પર્યાવરણીય જાગૃતિ અને ટકાઉ જીવનશૈલી (સસ્ટેનેબલ લિવિંગ) પ્રોત્સાહિત કરવાનો સંદેશ આપે છે.

- Advertisement -

સંબંધો હવે ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ના સર્વોચ્ચ સ્તરે

વૃક્ષારોપણ બાદ બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને લઈને ખૂબ જ સકારાત્મક અને મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ ઇટાલીના પીએમ મેલોનીની પ્રશંસા કરતા ટ્વિટ કર્યું કે, “પીએમ મેલોની સાથેની મુલાકાત અદ્ભુત રહી. ભારત-ઇટાલી મૈત્રીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની તેમની પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે.”

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે વેપાર, સ્પેસ, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેનો સહયોગ ખૂબ આગળ વધ્યો છે. આ સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવવા માટે હવે ભારત અને ઇટાલીએ પરસ્પર ભાગીદારીને સામાન્ય સ્તરેથી વધારીને ‘વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી’ (Special Strategic Partnership) ના સ્તર પર લઈ જવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

ઇટાલીના પીએમ મેલોનીએ શું કહ્યું?

બીજી તરફ, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ આ મુલાકાત અંગે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, “વર્તમાન સમયમાં વૈશ્વિક વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખૂબ મોટા ફેરફારો થઈ રહ્યા છે. આવા સમયે ઇટાલી અને ભારત વચ્ચેની ભાગીદારી એક નવું અને વધુ મજબૂત સ્વરૂપ લઈ રહી છે.”

- Advertisement -

મેલોનીએ ઉમેર્યું કે બંને દેશો વચ્ચે સર્વોચ્ચ રાજકીય અને સંસ્થાકીય સ્તરે સતત થઈ રહેલી બેઠકો આ સંબંધોને યોગ્ય દિશા આપી રહી છે. આ ભાગીદારી આપણી આર્થિક ગતિશીલતા, આપણા સમાજની સર્જનાત્મકતા અને બે પ્રાચીન સભ્યતાઓના જ્ઞાન તથા વારસાને એક તાંતણે બાંધવાનું કામ કરે છે.

‘જોઈન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન ૨૦२૫-૨૦૨૯’ ની સમીક્ષા

ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગમાં થઈ રહેલા શાનદાર વધારા અને વિવિધતાને આવકારી હતી. સંબંધોની સાતત્યતા જાળવી રાખવા માટે પીએમ મોદી અને પીએમ મેલોની વચ્ચે દર વર્ષે ‘વાર્ષિક શિખર સંમેલન’ (એન્યુઅલ મીટિંગ્સ) યોજવા પર સહમતિ સદાઈ છે. આ બેઠકો આંતરરાષ્ટ્રીય મંચોની સાથે-સાથે મંત્રી સ્તરે અને સંસ્થાકીય સ્તરે પણ નિયમિત રીતે યોજાશે.

વાતચીત દરમિયાન બંને વડાપ્રધાનોએ આગામી પાંચ વર્ષ માટેના રોડમેપ એટલે કે ‘જોઈન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન ૨૦૨૫-૨૦૨૯’ હેઠળ થઈ રહેલી પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી હતી. જેમાં બંને દેશો નીચે મુજબના મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા છે:
૧. વેપાર અને રોકાણ: આર્થિક સંબંધોને નવી ગતિ આપવી.
૨. સંરક્ષણ અને સુરક્ષા: મિલિટરી ટેક્નોલોજી અને સંયુક્ત કવાયતો વધારવી.
૩. સાયન્સ, ટેક્નોલોજી અને ઇનોવેશન: સંશોધન ક્ષેત્રે સાથે મળીને કામ કરવું.
૪. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સ્પેસ: ભવિષ્યની ટેક્નોલોજી અને અવકાશ સંશોધનમાં ભાગીદારી.
૫. શિક્ષણ અને સંસ્કૃતિ: બંને દેશોના લોકો વચ્ચેના સંપર્કો (પીપલ-ટુ-પીપલ કનેક્ટ) મજબૂત કરવા.

આ એક્શન પ્લાનની નિયમિત દેખરેખ અને સમીક્ષા માટે બંને દેશોના વિદેશ મંત્રીઓની આગેવાની હેઠળ એક ખાસ કમિટી કે મિકેનિઝમ બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે.

pm modi.jpg

વેપાર ૨૦ અબજ યુરો સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક

આ મુલાકાત દરમિયાન માત્ર રાજદ્વારી જ નહીં, પણ આર્થિક મોરચે પણ મોટા નિર્ણયો લેવાયા છે. બંને દેશોના નેતાઓએ સંરક્ષણ, ડિજિટલ સેક્ટર, એનર્જી ટ્રાન્ઝિશન (ઊર્જા પરિવર્તન), ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોના અગ્રણી ઇટાલિયન અને ભારતીય સીઇઓ (CEOs) સાથે મુલાકાત કરી હતી.

વર્ષ ૨૦૨૯ સુધીમાં ભારત અને ઇટાલી વચ્ચેના દ્વિપક્ષીય વેપારને ૨૦ અબજ યુરો (20 Billion Euros) સુધી પહોંચાડવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે બંને નેતાઓએ ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વ્યાપાર કરાર) નો મહત્તમ લાભ ઉઠાવવા પર ભાર મૂક્યો હતો અને આ કરારને વહેલામાં વહેલી તકે લાગુ કરવા માટે આહવાન કર્યું હતું. પીએમ મોદીની આ મુલાકાતે ભારત અને ઇટાલીના સંબંધોમાં એક નવો સુવર્ણ અધ્યાય ઉમેર્યો છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.