નર્મદા પરિક્રમાર્થીઓ માટે સુરક્ષા, સ્વચ્છતા અને આરોગ્યની વિશેષ વ્યવસ્થા
ભારતીય સંસ્કૃતિમાં નર્મદા પરિક્રમા એ માત્ર શારીરિક પ્રવાસ નથી, પણ આસ્થા અને આધ્યાત્મિક શક્તિ મેળવવાનો એક અનોખો માર્ગ છે. ગુજરાતમાં દર વર્ષે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા આ સનાતન પરંપરાનું જીવંત પ્રતીક છે. આ વર્ષે આગામી ૧૯ માર્ચથી ૧૭ એપ્રિલ ૨૦૨૬ સુધી ચાલનારી ૩૦ દિવસીય યાત્રા માટે રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્રને સાર્થક કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓનું આધુનિક માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે.
૧૦ કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓ માટે ભવ્ય સુવિધાઓનું આયોજન
યાત્રિકોની સુગમતા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે રૂ. ૧૦ કરોડના ખર્ચે હંગામી અને કાયમી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓને આરામ મળે તે માટે રૂ. ૫.૪૧ કરોડના ખર્ચે વિશાળ વોટરપ્રૂફ ડોમ, ગાદલા-ઓશીકા સાથેની બેઠક વ્યવસ્થા, મોબાઈલ ટોયલેટ અને ૨૪ કલાક એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાશે. માર્ગમાં ઠેર-ઠેર વોટર સ્ટેશન અને મેડિકલ યુનિટ ઊભા કરવામાં આવશે, જેથી હજારોની સંખ્યામાં ઉમટી પડનારા ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ પોતાની ભક્તિમાં લીન રહી શકે.
આધુનિક ટેકનોલોજી અને સુરક્ષા સાથેનું ક્રાઉડ મેનેજમેન્ટ
પરિક્રમા દરમિયાન સુરક્ષા અને સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ૧૮ કિલોમીટરના સમગ્ર માર્ગ પર એલઈડી અને ફ્લડ લાઈટ લગાવીને રાત્રિના સમયે પણ યાત્રા સુરક્ષિત બનાવવામાં આવી છે. લાખો લોકોની ભીડને નિયંત્રિત કરવા માટે આઈઆર (IR) અને આરએફઆઈડી (RFID) જેવી આધુનિક હેડ કાઉન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સીસીટીવી કેમેરા અને વૉચ ટાવર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ સાથે જ મહિલાઓ અને પુરુષો માટે અલગ શૌચાલય અને સ્નાનગૃહની હંગામી વ્યવસ્થા સાથે હાઉસકીપિંગ ટીમો સતત કાર્યરત રહેશે.
કાયમી માળખાગત વિકાસથી યાત્રાળુઓને લાંબાગાળાની રાહત
રાજ્ય સરકાર માત્ર હંગામી નહીં પણ કાયમી સુવિધાઓ વિકસાવવા પર પણ ભાર મૂકી રહી છે. રૂ. ૫.૦૭ કરોડના ખર્ચે મઢી દેવસ્થાન, સિદ્ધટેકરી અને બલબલા કુંડ જેવા મુખ્ય સ્થળોએ પેવર બ્લોક, યાત્રી નિવાસનું નવીનીકરણ, સોલાર લાઈટ અને ડ્રેનેજ સિસ્ટમ જેવા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ કાયમી સુવિધાઓ ભવિષ્યમાં પણ પરિક્રમાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સરકારના આ પ્રયાસોથી ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત જળવાઈ રહેશે અને શ્રદ્ધાળુઓ સુખદાયક વાતાવરણમાં નર્મદા મૈયાની આરાધના કરી શકશે.

