ધરમપુર: મરઘમાળ ગામના ખેડૂતોએ શીખ્યા આંબાના પાકમાં જીવામૃત અને વિવિધ અર્કના ઉપયોગની કળા
ધરમપુર તાલુકાના મરઘમાળ ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ધરમપુર તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર પ્રીતેશભાઇ, કોમ્યુનિટી રિસોર્સ પર્સન (CRP) વિજયભાઈ પટેલ અને કૃષિ સખી કમળાબેન અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો હાજર હતા. પ્રીતેશભાઈ દ્વારા આંબા પાકમાં જીવામૃત, ઘનજીવામૃત અને બધા અર્કના શું ફાયદા થાય તેની માહિતી આપી હતી. પ્રાકૃતિક ખેતીની માહિતીમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એની વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. જેમાં જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેરમુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે માહિતી આપવામાં આવી હતી. CRP વિજયભાઈ દ્વારા ખેડૂતોને જીવામૃત કેવી રીતે બનાવવાનું એ અંગે પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવ્યું હતું.
