શું ભારતીય કંપનીઓ AI ગેમ બદલી નાખશે? જાણો કેમ રોકાણકારો નેટવેબ પર ફિદા છે!
આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માત્ર એક ટ્રેન્ડ નથી રહ્યો, પરંતુ એક જરૂરિયાત બની ગયો છે. AIને માત્ર સોફ્ટવેર કે એપ્સ દ્વારા નથી ચલાવી શકાતું; તેના માટે અત્યાધુનિક હાર્ડવેર, શક્તિશાળી GPU, વિશાળ સ્ટોરેજ ક્ષમતા અને ક્લાઉડ સિસ્ટમ્સના એક મજબૂત પાયાની જરૂર હોય છે. આ પરિસ્થિતિમાં, ડેટા સેન્ટર્સ અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરી પાડતી કંપનીઓ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ભારત સરકાર પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દેશમાં જ વિકસાવવા પર ભાર આપી રહી છે, જેથી આપણો ડેટા અને કમ્પ્યુટિંગ પાવર સુરક્ષિત રહે.
AI: કંપનીનું નવું ગ્રોથ એન્જિન
નેટવેબ ટેક્નોલોજીસ માટે AI એ વિકાસનું સૌથી મોટું સાધન સાબિત થયું છે. કંપનીના આંકડા તેની પ્રગતિની સાક્ષી પૂરે છે:
-
કમિક વધારો: નાણાકીય વર્ષ 2026ની કંપનીના કુલ રેવેન્યુમાં AI બિઝનેસનો ફાળો 14.7 ટકા હતો, જે વધીને 25.4 ટકા થયો.
-
ત્રીજી ક્વાર્ટરની સફળતા: વર્ષના ત્રીજા ક્વાર્ટર સુધીમાં તો AI સિસ્ટમ્સનું યોગદાન કંપનીની કુલ આવકના 64 ટકા સુધી પહોંચી ગયું હતું.
-
વાર્ષિક વૃદ્ધિ: સમગ્ર નાણાકીય વર્ષ 2026માં AI બિઝનેસમાં 459.6 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો અને કંપનીની કુલ આવકમાં આ સેગમેન્ટનો હિસ્સો 43.4 ટકા રહ્યો.
શા માટે નેટવેબ ટેક્નોલોજીસને મળી રહ્યા છે મોટા ઓર્ડર?
નેટવેબ ટેક્નોલોજીસ માત્ર GPU સપ્લાયર નથી, પરંતુ તે એક સિસ્ટમ ડિઝાઇનર છે. કંપની AI સિસ્ટમ્સના સંપૂર્ણ ઇકોસિસ્ટમને તૈયાર કરે છે, જેમાં કમ્પ્યુટિંગ, સ્ટોરેજ, સોફ્ટવેર અને ક્લાઉડ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. Nvidia સાથેની તેની વ્યૂહાત્મક ભાગીદારી અને ભારત સરકારની પ્રોત્સાહક નીતિઓનો લાભ તેમને સ્પષ્ટપણે મળી રહ્યો છે.
નાણાકીય વર્ષ 2026 દરમિયાન કંપનીને 2,184 કરોડ અને 450 કરોડ રૂપિયાના વ્યૂહાત્મક ઓર્ડર મળ્યા છે, જે દર્શાવે છે કે ભારતનું AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં નેટવેબની ભૂમિકા કેટલી મહત્વની છે.
મજબૂત નાણાકીય સ્થિતિ અને દેવા-મુક્ત ભવિષ્ય
કંપનીના આર્થિક પરિણામો ખૂબ જ પ્રોત્સાહક રહ્યા છે:
-
રેવેન્યુમાં જંગી ઉછાળો: ઓપરેશન દ્વારા મળતી આવકમાં 90 ટકાનો વધારો થયો છે, જે 2,183.6 કરોડ રૂપિયાને સ્પર્શી ગયો છે.
-
નફાકારકતા: કંપનીનો ચોખ્ખો નફો 80.9 ટકા વધીને 205.8 કરોડ રૂપિયા રહ્યો છે.
-
ઓપરેટિંગ EBITDA: આ આંકડો પણ 79 ટકા વધીને 284.8 કરોડ રૂપિયા નોંધાયો છે.
સૌથી મહત્વની વાત એ છે કે કંપની હાલમાં ‘ડેટ-ફ્રી’ (દેવા-મુક્ત) છે અને માર્ચ 2026 સુધીમાં તેની પાસે 83.3 કરોડ રૂપિયાની નેટ ફ્રી કેશ પોઝિશન છે. આ પ્રકારની મજબૂત બેલેન્સશીટ રોકાણકારો માટે એક સુરક્ષિત સંકેત ગણાય છે.
AI ઉપરાંત પણ બિઝનેસનો મજબૂત પાયો
જોકે AI કંપનીનો ગ્રોથ એન્જિન છે, પરંતુ કંપની માત્ર તેના પર નિર્ભર નથી. હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ અને પ્રાઇવેટ ક્લાઉડ બિઝનેસમાં પણ નેટવેબ એક મજબૂત ખેલાડી છે. કંપનીની વર્તમાન ઓર્ડર બુક ખૂબ જ આકર્ષક છે. નાણાકીય વર્ષ 2027ની શરૂઆતમાં જ કંપની પાસે 2,100 કરોડ રૂપિયાથી વધુની ઓર્ડર બુક હતી, જે નવા L1 ઓર્ડર્સ ઉમેરતા 2,400 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

