2025-2026 ની UPSC ભરતી પર સંકટ? કેન્દ્ર સરકારે ક્રીમી લેયરના નિયમો પર સ્પષ્ટતા માંગી
અન્ય પછાત વર્ગ (OBC) અનામતમાં ક્રીમી લેયર નક્કી કરવાના માપદંડોને લઈને દેશમાં કાનૂની અને વહીવટી સંગ્રામ વધુ તીવ્ર બન્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણય બાદ દેશની સરકારી ભરતી પ્રક્રિયાઓ પર તેની ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના પર્સનલ અને ટ્રેનિંગ વિભાગ (DoPT) એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ૧૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ આપેલી આદેશ પર પુનર્વિચક્ષણ અને સ્પષ્ટતા માંગી છે. કેન્દ્રએ ખાસ કરીને વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ ની UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાઓ માટે આ નિયમોમાંથી તાત્કાલિક મુક્તિ આપવા વિનંતી કરી છે.
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય અને બંધારણીય દલીલ
ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને આર. મહાદેવનની બેન્ચે “યુનિયન ઓફ ઈન્ડિયા વિરુદ્ધ રોહિત નાથન” કેસમાં ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે ઉમેદવારને માત્ર તેના માતાપિતાના પગાર કે આર્થિક આવકના આધારે OBC ક્રીમી લેયરમાં વર્ગીકૃત કરી શકાય નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્રીમી લેયરનું નિર્ધારણ કરતી વખતે માતાપિતાના પદ, હોદ્દા અને સામાજિક સ્થિતિનો પણ વિચાર કરવો અનિવાર્ય છે.
આ સાથે જ, અદાલતે ૨૦૦૪ ના એ સરકારી આદેશને રદબાતલ ઠેરવ્યો હતો, જેમાં જાહેર ક્ષેત્રના સાહસો (PSU), બેંકો અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના બાળકોને માત્ર આવકના આધારે ક્રીમી લેયરમાં મૂકવામાં આવતા હતા, જ્યારે સરકારી કર્મચારીઓના બાળકોને તેમના પદના આધારે મુક્તિ અપાતી હતી. કોર્ટે આ ભેદભાવને બંધારણના અનુચ્છેદ ૧૪ અને ૧૬ હેઠળ ગેરંટી આપવામાં આવેલા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
કેન્દ્ર સરકારની વહીવટી ચિંતાઓ અને મુકદ્દમાનો ભય
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે કેન્દ્ર સરકારે પોતાની ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. સરકારનું કહેવું છે કે આ ચુકાદાને તાત્કાલિક અથવા પાછલી અસરથી લાગુ કરવાથી દેશના વહીવટી તંત્રમાં મોટો અફરાતફરીનો માહોલ સર્જાઈ શકે છે.
સિવિલ સર્વિસીસ પરીક્ષા ૨૦૨૫ ના આખરી પરિણામો ૬ માર્ચે જાહેર થઈ ચૂક્યા છે. હવે જો નવા નિયમો લાગુ કરવામાં આવે તો સફળ ઉમેદવારોની સેવા ફાળવણી, કેડર વિતરણ, તાલીમ અને સમગ્ર વહીવટી માળખું ખોરવાઈ શકે છે. આ ઉપરાંત, ૨૦૧૬ થી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર, રેલ્વે, બેંકો, અર્ધલશ્કરી દળો અને યુનિવર્સિટીઓમાં આશરે ૩.૭ લાખ OBC ઉમેદવારોની નિમણૂક થઈ ચૂકી છે. જો અદાલતી નિર્ણય પાછલી અસરથી અમલી બનશે, તો દેશભરમાં હજારો કાનૂની વિવાદો અને નવી અરજીઓનો પૂરો આવશે.
સરકારી અને ખાનગી પદોની સમકક્ષતા નક્કી કરવામાં લાગશે સમય
કેન્દ્ર સરકારે અદાલતને જણાવ્યું છે કે ખાનગી ક્ષેત્ર, રાજ્ય સરકારો અને જાહેર ક્ષેત્રના વિવિધ હોદ્દાઓને કેન્દ્ર સરકારના પદોની સમકક્ષ ગણવા માટે મોટી સંસ્થાકીય પ્રક્રિયા હાથ ધરવી પડશે. રાજ્યો અને વિવિધ સંસ્થાઓ સાથે વાટાઘાટો કરીને નવા માપદંડો ઘડવામાં આશરે બે વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે. તેથી તાત્કાલિક ધોરણે આ સુધારાઓ લાગુ કરવા વ્યાવહારિક રીતે શક્ય નથી.
“વધુ આવક ધરાવતા ધનિકો પણ અનામતનો લાભ લેશે”
કેન્દ્ર સરકારની સૌથી મહત્વની દલીલ એ છે કે માત્ર પદને આધાર બનાવવાથી આર્થિક રીતે સક્ષમ લોકોને અન્યાયી લાભ મળી શકે છે. જો આવકની મર્યાદા દૂર કરીને માત્ર સરકારી પદને જ આધાર બનાવવામાં આવે તો વાર્ષિક ₹૧ કરોડથી વધુ કમાણી કરતા ધનિક માતાપિતાના બાળકો પણ નોન-ક્રીમી લેયરમાં આવી જશે. આનાથી ખરેખર વંચિત, આર્થિક રીતે નબળા અને સંસાધન-વિહોણા OBC ઉમેદવારોના હક પર તરાપ વાગશે.
ખાસ બેન્ચની રચના માટે સમંતિ
કેન્દ્ર સરકારની આ ગંભીર રજૂઆતો બાદ મુખ્ય ન્યાયાધીશે આ મામલાને ગંભીરતાથી લીધો છે. સરકારે વિનંતી કરી હતી કે આ અરજીની સુનાવણી મૂળ નિર્ણય આપનાર બેન્ચ સમક્ષ જ રાખવામાં આવે. આ વિનંતીને સ્વીકારીને મુખ્ય ન્યાયાધીશે ટૂંક સમયમાં જ એક વિશેષ બેન્ચની રચના કરીને આ મામલે ઝડપી સુનાવણી હાથ ધરવાની ખાતરી આપી છે.
