અંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં સનસનાટીભર્યો ખુલાસો: ઓમાની કો-પાયલટે તેલ અવીવની ઇમારતો સાથે વિમાન તોડવાનો કર્યો પ્રયાસ; ભારતીય કેપ્ટન સ્મિત માછરે જીવના જોખમે ૧૮૦ લોકોનો જીવ બચાવ્યો
આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રમાંથી એક અત્યંત ચોંકાવનારા અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ‘ફ્લાયદુબઈ’ ની ફ્લાઇટમાં એક ઓમાની સહ-પાયલટે (કો-પાયલટ) વિમાનને મિડ-એરમાં જ ક્રેશ કરવાનો અને તેલ અવીવ શહેરની સૌથી ઊંચી ઇમારતો સાથે અથડાવવાનો ઘાતક પ્રયાસ કર્યો હતો. જોકે, આ ફ્લાઇટના મુખ્ય કેપ્ટન અને ભારતીય પાઇલટ સ્મિત માછરે પોતાના જીવની પરવા કર્યા વગર અત્યંત બહાદુરી અને સમયસૂચકતા દાખવીને આ આત્મઘાતી યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી. ઇટાલિયન અખબાર ‘કોરીએર ડેલા સેરા’ (Corriere della Sera) દ્વારા જાહેર કરવામાં આવેલા એક વિસ્તૃત અહેવાલમાં આ વિમાન દુર્ઘટનાના પ્રયાસનો મિનિટ-દર-મિનિટનો સનસનાટીભર્યો ખુલાસો કરવામાં આવ્યો છે.
આ અહેવાલ મુજબ, ૩૦ સપ્ટેમ્બરના રોજ ફ્લાઇટ રવાના થઈ ત્યારથી જ કોકપીટમાં અસામાન્ય સ્થિતિ અને અંધાધૂંધી સર્જાવા લાગી હતી. ફ્લાઇટમાં ૧૭૪ મુસાફરો અને ૬ ક્રૂ સભ્યો મળીને કુલ ૧૮૦ લોકો સવાર હતા. આ ફ્લાઇટના ૨૯ વર્ષીય ઓમાની સહ-પાયલટ હમ્મામ અલ-હમ્મામીએ અચાનક કોકપીટની અંદર રહેલી ઇમરજન્સી કુહાડીથી મુખ્ય કેપ્ટન સ્મિત માછર પર જીવલેણ હુમલો કરી દીધો હતો.
તેલ અવીવની ઇમારતો સાથે વિમાન અથડાવવાનું હતું ષડયંત્ર
ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓ અને વૈશ્વિક તપાસ અહેવાલોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે કો-પાયલટ અલ-હમ્મામી કટ્ટરપંથી વિચારોથી પ્રભાવિત હતો. તેની યોજના પહેલા ભારતીય કેપ્ટનને કોકપીટમાં જ કુહાડીના ઘા મારીને મારી નાખવાની હતી. ત્યારબાદ વિમાનનું સંપૂર્ણ નિયંત્રણ (યોક) પોતાના હાથમાં લઈને બોઇંગ 737 વિમાનને સીધું તેલ અવીવ શહેર તરફ લઈ જઈ ત્યાં આવેલી સૌથી ઊંચી ઈમારતો સાથે અથડાવવાનું હતું.
તેણે આ આખી કાર્યવાહી એટલી ઝડપથી પૂરી કરવાનું આયોજન કર્યું હતું જેથી ઇઝરાયલના ફાઇટર જેટ્સને વિમાનને આંતરવાનો કે રોકવાનો સમય જ ન મળે અને સુરક્ષા અધિકારીઓ વાટાઘાટો પણ ન કરી શકે. જોકે, જ્યારે આ આત્મઘાતી યોજના નિષ્ફળ જવા લાગી, ત્યારે તેણે બોઇંગ 737 ના બંને એન્જિન એકસાથે બંધ કરીને વિમાનને સીધું જમીન પર પટકવાનો પ્રયાસ કર્યો હતો.
૩૦ સેકન્ડમાં ૧૬,૦૦૦ ફૂટ નીચે ખાબકતું વિમાન સંભાળ્યું
કોકપીટમાં કુહાડીના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થવા છતાં, ભારતીય કેપ્ટન સ્મિત માછરે હિમ્મત હારી ન હતી. ગંભીર ઈજાઓ સાથે તેમણે કોઈક રીતે કોકપીટનો દરવાજો ખોલીને બાકીના ક્રૂ સભ્યો અને કેટલાક મુસાફરો સુધી સંદેશો પહોંચાડ્યો. જોતજોતામાં વિમાનનું એન્જિન પ્રભાવિત થતાં જહાજ લગભગ ૧૬,૦૦૦ ફૂટ જેટલું નીચે ખાબકવા લાગ્યું હતું.
પરંતુ, કેપ્ટન માછરે ક્રૂ સભ્યો અને બહાદુર મુસાફરોના સહયોગથી ઉન્મત્ત બનેલા ઓમાની કો-પાયલટને કાબુમાં લીધો અને લોહીલુહાણ હાલતમાં પણ માત્ર ૩૦ સેકન્ડની અંદર ૧૬,૦૦૦ ફૂટ નીચે પડી રહેલા વિમાનને ફરીથી સ્થિર (સ્ટેબલ) કરવામાં સફળતા મેળવી હતી. કેપ્ટનની આ અદભુત એકાગ્રતા અને સાહસને કારણે સેકન્ડોની વારમાં થનારી એક મોટી વિમાન દુર્ઘટના અને સેંકડો લોકોના મોત ટળી ગયા હતા.
સાઉદી અરેબિયામાં ઇમરજન્સી લેન્ડિંગ અને આરોપીની અટકાયત
પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યા બાદ, કેપ્ટન સ્મિત માછરે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક કર્યો હતો અને વિમાનને સાઉદી અરેબિયાના તાબુક (Tabuk) એરપોર્ટ તરફ વાળીને સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે અન્ય ફ્લાઇટ દ્વારા તેલ અવીવ મોકલવામાં આવ્યા હતા.
બીજી તરફ, સાઉદી અરેબિયન સિક્યોરિટી ઓથોરિટીએ હુમલાખોર કો-પાયલટ હમ્મામ અલ-હમ્મામીને તાત્કાલિક કસ્ટડીમાં લઈ કડક પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ તેને વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે સંયુક્ત આરબ અમીરાત (UAE) ને સોંપવામાં આવ્યો છે, જ્યાં હાલ તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ હવે તેના ભૂતકાળ અને કટ્ટરપંથી કનેક્શન અંગે ઊંડી તપાસ ચલાવી રહી છે.
