ડીસાથી એકતા નગર સુધી વડાપ્રધાન મોદીના હાથે કરોડોના વિકાસ કાર્યો અને નવી ટ્રેનોનું લોકાર્પણ

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
4 Min Read

કેવડિયા એકતા નગરમાં ₹૪૦૦ કરોડના વિકાસ કાર્યો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય ‘ભારત પર્વ ૨૦૨૬’ નું કર્યું સત્તાવાર ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય વિશિષ્ટ ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. ૩૦ અને ૩૧ ઓક્ટોબરે આયોજિત આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિવિધ ક્ષેત્રોના કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે

ડીસા એરપોર્ટ પર ઉતર્યા બાદ વડાપ્રધાનનું ભવ્ય અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તેમણે બનાસકાંઠાના ભીલડી ખાતે એક વિશાળ રોડ શૉ કરીને સ્થાનિક જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શૉ બાદ વડાપ્રધાન BBBRC સેન્ટર પહોંચ્યા હતા અને કેન્દ્રનું ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

- Advertisement -

પીએમ કિસાન યોજનાનો ૨૪મો હપ્તો અને ખાટલા પરિષદ

બનાસકાંઠાના ભીલડીમાં આયોજિત વિશાળ જનસભામાં વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) નો ૨૪મો હપ્તા રિલીઝ કરીને દેશના કરોડો નાના ખેડૂત પરિવારોના બેંક ખાતામાં સીધી નાણાકીય સહાય ટ્રાન્સફર કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અફાટ જનમેદનીને જોઈને પીએમ મોદીએ ભાવુક થઈને કહ્યું હતું કે, “બનાસકાંઠાએ આજે વટ પાડી દીધો છે. દેશની સૌથી મોટી ખાટલા પરિષદ આજે અહીં યોજાઈ છે. મને આજે બનાસકાંઠાની પવિત્ર ધરતી પરથી મારા ૨૫ વર્ષના કામોનો હિસાબ આપવાનો અમૂલ્ય મોકો મળ્યો છે.”

પોતાના સંબોધન દરમિયાન એક રસપ્રદ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે હાથમાં પીએમનો ફોટો લઈને ઊભેલી એક નાની દીકરી પર તેમની નજર પડી. પીએમ મોદીએ મંચ પરથી જ હસતા મુખે કહ્યું હતું કે, “બેન તે તો આજે મને હરાવી દીધો.” આ સાથે જ તેમણે એસપીજી (SPG) ના જવાનોને આગ્રહ કરીને તે દીકરી પાસેથી ફોટો સન્માનપૂર્વક સ્વીકારી લેવા સૂચના આપી હતી.

- Advertisement -

ખેડૂત કલ્યાણ, સોલાર પંપ અને MSP ના વાયદા

ખેડૂત કલ્યાણ અંગે વાત કરતા વડાપ્રધાન મોદીએ અગાઉની સરકારો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “પહેલાંની સરકારોએ MSP અંગે દેશના ખેડૂતોને સતત દગા આપ્યા હતા, જ્યારે અમારી સરકારે એમએસપીના તમામ વાયદાઓ પૂર્ણ કરીને બતાવ્યા છે.”

તેમણે ઉમેર્યું કે વર્તમાન સરકારે દેશભરમાં અત્યાર સુધીમાં ૧૨ લાખથી વધુ સોલાર પંપ ખેડૂતોને પૂરા પાડ્યા છે. જો આ સોલાર પંપ ન મળ્યા હોત તો ખેડૂતોએ સિંચાઈ માટે ૮૦ કરોડ લીટરથી વધુ ડીઝલ ખરીદવું પડ્યું હોત. સરકારની આ સોલાર નીતિના કારણે દેશના સામાન્ય ખેડૂતોના આશરે ૫૦ લાખ કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે.

- Advertisement -

રેલવે, મેટ્રો કનેક્ટિવિટી અને કેવડિયામાં ‘ભારત પર્વ ૨૦૨૬’

ભીલડીના કાર્યક્રમ મંચ પરથી જ વડાપ્રધાને રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે અનેક મોટી સોગાદો આપી હતી. તેમણે અમદાવાદ મેટ્રો ફેઝ-૨A અને ફેઝ-૨B નો વિધિવત શિલાન્યાસ કર્યો હતો. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત અને દેશના અન્ય ભાગો વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે સાબરમતી-વારાણસી અને મહેસાણા-સાબરમતી બે નવી ટ્રેનોને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

ઉત્તર ગુજરાતના કાર્યક્રમો પૂરા કર્યા બાદ વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતા નગર (કેવડિયા) જવા રવાના થયા હતા. એકતા નગર ખાતે વડાપ્રધાને રૂ. ૪૦૦ કરોડના વિવિધ નવીન કામોનું લોકાર્પણ કર્યું હતું અને રાષ્ટ્રીય સ્તરના ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ‘ભારત પર્વ ૨૦૨૬’ નું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તંત્ર દ્વારા સુરક્ષા અને આયોજનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.