રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો ડોકલામનો મુદ્દો, મચ્યો હોબાળો.. રાજનાથ બોલ્યા- શું તે પુસ્તક પ્રકાશિત થયું છે?
સંસદના બજેટ સત્રના ચોથા દિવસની શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચા સાથે થઈ હતી. સંસદમાં રાહુલ ગાંધીએ ડોકલામનો મુદ્દો ઉઠાવ્યો છે, જેના કારણે જોરદાર હોબાળો જોવા મળી રહ્યો છે. રાહુલે કહ્યું કે પક્ષના લોકો ડરી રહ્યા છે, આ જ કારણ છે કે મને બોલવા દેવામાં નથી આવી રહ્યો.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ડોકલામમાં ચીની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એક પુસ્તકનો હવાલો આપીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ગૃહમાં સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જે પુસ્તકના આધારે રાહુલ આરોપ લગાવી રહ્યા છે, તે પુસ્તક પ્રકાશિત જ થયું નથી. રાહુલ વારંવાર ગૃહમાં એક જ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જોકે સ્પીકરે તેમ કરવાની ના પાડી હતી. હોબાળો વધતો જોઈને ગૃહને મુલતવી રાખવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું કે મને સમય આપવા બદલ ગૃહનો આભાર. આગળ કહ્યું કે પક્ષના સાથીઓ તરફથી કોંગ્રેસ પર અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. હું અત્યારે તે વિશે કોઈ વાત નહીં કરું, તેના બદલે હું કંઈક વાંચીને શરૂઆત કરી રહ્યો છું, જે આર્મી ચીફ નરવણેનું સંસ્મરણ (મેમોઇર) છે. તમે બધા ધ્યાનથી સાંભળો કે હું શું વાંચી રહ્યો છું, તેનાથી ખબર પડી જશે કે કોણ દેશભક્ત છે અને કોણ નથી.
સંસદમાં પોતાની વાત રાખતા રાહુલ ગાંધીએ ડોકલામનો મુદ્દો ઉઠાવ્યો. રાહુલે સંસ્મરણ વાંચતા કહ્યું કે 4 ચીની ટેન્ક ડોકલામમાં ભારતની ધરતી પર આવી રહી હતી, તેઓ માત્ર 100 મીટર જ દૂર હતા. રાહુલે આટલું વાંચતા જ રાજનાથ સિંહ ઉભા થઈ ગયા અને કહ્યું કે જે પુસ્તક પબ્લિશ થયું હોય તેનો ઉલ્લેખ કરો નહીંતર રહેવા દો. રક્ષામંત્રી રાજનાથ સિંહે ઉભા થઈને રાહુલ ગાંધીના નિવેદન અને બુકનો વિરોધ કર્યો. રાજનાથ સિંહે કહ્યું કે રાહુલ જે પુસ્તકનો ઉલ્લેખ કરી રહ્યા છે તે આજ સુધી પબ્લિશ જ થયું નથી, તો કેવી રીતે માની શકાય કે તે પુસ્તકમાં શું લખ્યું છે?
રાહુલના બોલતા જ લોકસભામાં NDA અને વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો. આ દરમિયાન ઓમ બિરલાએ રક્ષામંત્રીની વાત સાથે સહમતિ દર્શાવી. તેમણે કહ્યું કે તમે ગૃહમાં આનો જવાબ આપો. તમે ગૃહમાં છો, વિપક્ષના નેતા છો, નિયમ પ્રમાણે ચાલો. રાહુલે કહ્યું- નરવણેના પુસ્તકમાં રક્ષામંત્રી અને વડાપ્રધાનનો પણ ઉલ્લેખ છે, હું તમને તે જ જણાવી રહ્યો છું.
અખિલેશ યાદવે કર્યો રાહુલ ગાંધીનો સપોર્ટ
સંસદમાં ગરમાગરમી વચ્ચે અખિલેશ યાદવે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું સમર્થન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે જો દેશની વાત હોય તો વિપક્ષના નેતાને તે વાત ગૃહમાં વાંચવાની પરવાનગી આપી દેવી જોઈએ. ચીનનો સવાલ સંવેદનશીલ છે. રાહુલ ગાંધી પછી કિરેન રિજિજુએ કહ્યું કે અમે ગૃહમાં સાંભળવા માટે જ બેઠા છીએ, અધ્યક્ષ રૂલિંગ આપી ચૂક્યા છે છતાં તેઓ વાંચી રહ્યા છે, આ રીતે કેવી રીતે ચાલશે. ઓમ બિરલાએ કહ્યું- ગૃહમાં પોતાની વાત રાખવાનો અધિકાર છે પરંતુ નિયમથી ચાલવું જોઈએ.
કે.સી. વેણુગોપાલે કહ્યું કે આ લોકો રાહુલજીને બોલવા દેતા નથી. ગૃહમંત્રી અમિત શાહે હોબાળા વચ્ચે કહ્યું કે પુસ્તક તો પ્રકાશિત થયું નથી, મેગેઝિન તો ગમે તે લખી શકે છે. રાહુલે કહ્યું કે સરકાર આ પુસ્તકને પ્રકાશિત થવા દેતી નથી. આના પર રાજનાથ સિંહે કહ્યું કે ગૃહને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન કરો.
બુક પબ્લિશ જ કરવા દેવામાં આવતી નથી- રાહુલ ગાંધી
ઓમ બિરલાએ કહ્યું કે અખબારનું કટિંગ જ ગૃહમાં ચાલી શકે છે, તેના સિવાય કંઈ રાખી શકાય નહીં. રાહુલે કહ્યું, હું જે કહી રહ્યો છું તે બધું નરવણેએ કહ્યું છે, તેમની બુક પબ્લિશ થવા દેવામાં આવી નથી. અમિત શાહે કહ્યું- રાહુલે પોતે કહી દીધું છે કે પુસ્તક પ્રકાશિત થયું નથી, હવે વાત જ પૂરી થઈ જાય છે. જે બુક પબ્લિશ જ નથી તેનો ઉલ્લેખ કેવી રીતે કરી શકાય.
અમિત શાહે કહ્યું કે, જો રાષ્ટ્રપતિના ભાષણ પર કોઈ આર્ટિકલ હોય તો વાંચી શકાય છે. હોબાળો વધતો જોઈ સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે હું તમારી સૌની પાસે અપેક્ષા રાખીશ કે આપણે ગૃહની ગરિમા અને મર્યાદા જાળવી રાખીએ. જે પણ નિયમો હોય છે તે બધા ગૃહ માટે હોય છે.
રાજનાથ સિંહે કહ્યું કે જો પુસ્તકમાં તથ્યો સાચા હોત તો તેને પબ્લિશ કરવામાં આવ્યું હોત, પરંતુ તેમાં તથ્યો ખોટા છે, આ જ કારણ છે કે તે પુસ્તકને પબ્લિશ કરવામાં આવી રહ્યું નથી.
રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું કે પક્ષના લોકો કહે છે કે તેઓ આતંકવાદ સામે લડે છે, જ્યારે આ લોકો એક ફકરો વાંચવાથી ડરી રહ્યા છે. આમાં એવું શું છે જેનાથી આટલો ડર લાગે છે? જો તેઓ ડર્યા ન હોય તો મને બોલવા દે. હકીકત એ છે કે આ લોકો ડરેલા છે. જે હું કહી રહ્યો છું તે ચીન સાથે જોડાયેલું છે, જે ડોકલામમાં ભારત સાથે ચીને કર્યું છે.

