પેપર લીક વિવાદ વચ્ચે નવા શિક્ષણ મંત્રી બનતા જ બબાલ! રાહુલ ગાંધીએ PM મોદીના નિર્ણય પર ઉઠાવ્યા ગંભીર સવાલો
કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ મંત્રાલયમાં કરવામાં આવેલા તાજેતરના ફેરફાર બાદ દેશના રાજકારણમાં એક નવો ગરમાવો આવી ગયો છે. પેપર લીક અને પરીક્ષાઓની ગડબડને લઈને દેશભરમાં યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ ભાજપ સરકાર દ્વારા અનુભવી નેતા અને પાંચ વારના લોકસભા સાંસદ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો કાર્યભાળ સોંપવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણય સામે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અત્યંત આકરા પ્રહારો કર્યા છે અને પ્રહલાદ જોશીની પસંદગી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરતી વખતે આશ્ચર્ય અને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાને દેશના શિક્ષણ મંત્રી તરીકે એક એવી વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો છે જેમણે ભૂતકાળમાં બળાત્કારોના ગુનામાં દોષિત ઠરેલા વ્યક્તિઓનો બચાવ કર્યો હતો. આ નિવેદન બાદ સંસદ પરિસરમાં ભારે હોબાળો મચી ગયો છે અને શાસક પક્ષ તેમજ વિપક્ષ સામસામે આવી ગયા છે.
There can be no filthier type of man than one who defends rapists.
Pralhad Joshi is an insult to our education system and an insult to every student in it. Crores of young women study in the institutions he now oversees.
India’s women will never accept PM Modi’s new Education… pic.twitter.com/AmmuqIHhE8
— Rahul Gandhi (@RahulGandhi) July 28, 2026
૨૦૦૨ના બિલકિસ બાનો કેસના દોષિતોની મુક્તિ અને જોશીનું નિવેદન
રાહુલ ગાંધીના આ આક્રમક વલણ પાછળ ૨૦૧૮ અને ત્યારપછીના કેટલાક રાજકીય બનાવો જવાબદાર છે. ૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર થયેલા સામૂહિક બળાત્કાર અને તેમના પરિવારજનોની હત્યાના કેસમાં ૧૧ પુરુષોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ દોષિતોને જ્યારે સમય પહેલા જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે દેશભરમાં ભારે વિરોધ અને આક્રોશનો માહોલ સર્જાયો હતો.
એ સમયે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી તરીકે કાર્યરત પ્રહલાદ જોશીએ આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે, “જ્યારે સરકાર અને સંબંધિત લોકોએ આ નિર્ણય લીધો છે, તો તેમાં મને કશું ખોટું લાગતું નથી, કારણ કે આ એક કાનૂની પ્રક્રિયાનો ભાગ છે.” તેમણે એવો પણ તર્ક આપ્યો હતો કે આ દોષિતોએ જેલમાં સારો એવો સમય વિતાવ્યો છે અને તેમના ‘સારા વર્તન’ના આધારે કાયદામાં તેમની મુક્તિની જોગવાઈ છે. જોકે, બાદમાં વર્ષ ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટે આ સમય પહેલાની મુક્તિના આદેશને રદબતલ કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાત સરકાર પાસે આવો આદેશ આપવાની સક્ષમતા નહોતી.
“જે બળાત્કારીઓનો બચાવ કરે, તેનાથી વધુ ખરાબ માણસ કોણ હોય?”: રાહુલ ગાંધી
મંગળવારે જ્યારે લોકસભામાં પેપર લીક અને પરીક્ષાઓમાં થતી ગડબડીઓ સામે કડક કાર્યવાહી માટેના નવા બિલ પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે સંસદ ભવનની બહાર આવીને રાહુલ ગાંધીએ દેશના શિક્ષણ ક્ષેત્રની સ્થિતિ અને નવા મંત્રીની પસંદગી અંગે પત્રકારો સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું, “ભારતના શિક્ષણ મંત્રીની સ્થિતિ તો જુઓ. એક તરફ દેશના આટલા બધા યુવાનો અને વિદ્યાર્થીઓ શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને પેપર લીક સામે રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે…” આ સમયે તેમની પાસે ઉભેલા તેમના બહેન અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉમેર્યું હતું કે, “માત્ર યુવાનો જ નહીં, મોટી સંખ્યામાં છાત્રાઓ અને છોકરીઓ પણ આંદોલન કરી રહી છે, જેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને તેમને માર મારવામાં આવ્યો છે.”
પ્રિયંકા ગાંધીની વાતને આગળ વધારતા રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું, “અને આટલી બધી છોકરીઓ વિરોધ કરી રહી છે ત્યારે ભાજપ એક એવા માણસને શિક્ષણ મંત્રી બનાવે છે જે બળાત્કારીઓનો રક્ષક રહ્યો છે. આ સૌથી હલકી માનસિકતા છે. જે વ્યક્તિ એમ કહેતી હોય કે બળાત્કારીઓને રક્ષણ મળવું જોઈએ, તેનાથી વધુ ખરાબ કોઈ માણસ ન હોઈ શકે. અને આજે આ વ્યક્તિ ભારતના શિક્ષણ મંત્રી છે! વડાપ્રધાનની આ પ્રતિક્રિયા ખૂબ જ વિચિત્ર છે. મંત્રીમંડળમાં આટલા બધા લોકો હતા, તેઓ ગમે તેને પસંદ કરી શક્યા હોત, પણ તેમણે બળાત્કારીઓનું રક્ષણ કરનાર વ્યક્તિની જ પસંદગી કરી.”
સંસદમાં પણ ગાજ્યો મુદ્દો: પ્રિયંકા ગાંધીના શબ્દો રેકોર્ડ પરથી હટાવાયા
માત્ર સંસદની બહાર જ નહીં, પરંતુ લોકસભાના ગૃહમાં પણ આ મુદ્દે ભારે ગરમાગરમી જોવા મળી હતી. સંસદની અંદર પોતાના સંબોધન દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ પ્રહલાદ જોશીના ભૂતકાળના નિવેદનો અને બિલકિસ બાનો કેસના દોષિતોના બચાવ અંગે ટીકા કરી હતી. જોકે, બાદમાં લોકસભાના અધ્યક્ષ દ્વારા તેમના આ નિવેદન અને વિવાદિત શબ્દોને ગૃહની કાર્યવાહીના અધિકૃત રેકોર્ડ પરથી દૂર (એક્સપંજ) કરી દેવામાં આવ્યા હતા.
બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટી અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે ૨૦ જૂનથી સતત પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. પેપર લીકની ઘટનાઓ બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી આ વિરોધ પ્રદર્શનની મુખ્ય ક શરત હતી. શનિવારે ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું, જેના કલાકો બાદ જ વિદ્યાર્થીઓએ પોતાનું આંદોલન સમેટી લીધું હતું. પરંતુ હવે પ્રહલાદ જોશીને આ પદ સોંપાતા વિપક્ષને સરકાર ઘેરવા માટે એક નવો અને તીખો મુદ્દો મળી ગયો છે.
આગામી દિવસોમાં રાજકારણ વધુ ગરમાવાના એંધાણ
શિક્ષણ ક્ષેત્રે એક તરફ પેપર લીકના દૂષણને કારણે દેશભરના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ છે, ત્યારે બીજી તરફ નવા શિક્ષણ મંત્રીની નિમણૂક જ વિવાદોના વટોળમાં ઘેરાઈ ગઈ છે. વિપક્ષે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તેઓ આ મુદ્દાને આસાનીથી છોડવાના નથી. આવનારા દિવસોમાં સંસદથી લઈને રસ્તા સુધી આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વધુ તીખા રાજકીય પ્રહારો જોવા મળી શકે છે.