સાદી મેથી કે ફણગાવેલી મેથી? જાણો ડાયાબિટીસના દર્દીઓ માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ
આજના સમયમાં ગતિહીન જીવનશૈલી અને અસંતુલિત આહારના કારણે ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના આંકડા અનુસાર, ભારતમાં આશરે ૭૭ મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાય છે, જ્યારે ૨૫ મિલિયનથી વધુ લોકો ‘પ્રી-ડાયાબિટીક’ સ્ટેજમાં છે.
ડાયાબિટીસનું સંચાલન કરવા માટે માત્ર દબાઈથી કામ નથી ચાલતું, પરંતુ તમે શું ખાઓ છો અને કયા સમયે ખાઓ છો તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, બપોરના ભોજન પહેલાં ફણગાવેલી મેથીનું સેવન બ્લડ સુગરમાં અચાનક થતા વધારાને રોકવાનો એક અચૂક દેશી ઉપાય છે.
આવકના સાધનો અને સુવિધાઓ વધવાની સાથે ભારતીયોમાં ડાયાબિટીસનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મોટો પડકાર ભોજન લીધા પછી લોહીમાં ગ્લુકોઝનું સ્તર અચાનક વધી જવું (Post-prandial Sugar Spike) છે. જો ભોજનમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય, તો પેન્ક્રિયાસ પર ઇન્સ્યુલિન બનાવવાનું દબાણ વધે છે.
આરોગ્ય નિષ્ણાતો અને પોષણશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, દિવસના મુખ્ય ભોજન એટલે કે બપોરના લંચ પહેલાં ફણગાવેલી મેથી (Sprouted Fenugreek) નું સેવન કરવાથી આ સમસ્યામાંથી મોટી રાહત મળી શકે છે.
સાદી મેથી અને ફણગાવેલી મેથી વચ્ચેનો તફાવત
આપણે સામાન્ય રીતે રસોડામાં સૂકી મેથીના દાણાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેને પલાળીને ફણગાવીને ખાવાથી તેના ગુણધર્મો અનેકગણા વધી જાય છે.
જ્યારે મેથીના દાણા અંકુરિત થાય છે, ત્યારે તેમાં રહેલા જટિલ પોષક તત્વો સરળ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ પ્રક્રિયાથી મેથીમાં એન્ટી-ઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધે છે, દાણા નરમ પડે છે અને તેનું પચવું ખૂબ જ આસાન બની જાય છે. સાદી મેથી સ્વાદમાં વધુ કડવી હોય છે, જ્યારે ફણગાવેલી મેથીનો કડવાશ ઓછી થઈ જાય છે અને તેને સીધી ખાવી વધુ સરળ બને છે.
ફણગાવેલી મેથી બ્લડ સુગર કેવી રીતે ઘટાડે છે?
મેથીના ફણગાવેલા દાણામાં ભરપૂર માત્રામાં દ્રાવ્ય ફાઇબર (Soluble Fiber) હોય છે. જ્યારે તમે ભોજન પહેલાં આ ફાઇબર લો છો, ત્યારે તે પેટમાં એક જેલ જેવું પડ બનાવે છે, જે આપણે ખાઈએ છીએ તે ખોરાકમાંથી કાર્બોહાઇડ્રેટ્સ અને ગ્લુકોઝના શોષણને ધીમું કરી દે છે.
તબીબી દ્રષ્ટિએ, ફણગાવેલી મેથીમાં બે મુખ્ય કુદરતી ઘટકો મળી આવે છે: ‘ગેલક્ટોમેનન’ (Galactomannan) અને ‘૪-હાઇડ્રોક્સીઇસોલ્યુસીન’ (4-hydroxyisoleucine).
આ ઘટકો લોહીમાં સુગર ભળવાની ગતિને ધીમી કરે છે અને શરીરના કોષોમાં ઇન્સ્યુલિન સંવેદનશીલતા (Insulin Sensitivity) વધારે છે. જે લોકોને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સમસ્યા છે, તેમના માટે ફણગાવેલી મેથી ઇન્સ્યુલિનના સ્ત્રાવને કુદરતી રીતે ઉત્તેજિત કરવાનું કામ કરે છે.
બપોરના ભોજન (Lunch) પહેલાં જ શા માટે ખાવી?
સામાન્ય રીતે ભારતીય થાળીમાં બપોરના સમયે રોટલી, ભાત કે પૂરી જેવા કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધારે હોય છે.
ભોજનના ૧૫ થી ૨૦ મિનિટ પહેલાં એકથી બે ચમચી ફણગાવેલી મેથી ખાવાથી પેટમાં ભરેલાપણું (Satiety) લાગે છે. આનાથી વ્યક્તિ ભોજનમાં વધુ પડતા કાર્બોહાઇડ્રેટ્સ કે કેલરી ખાવાથી બચે છે. આ ઉપરાંત, બપોરે જમ્યા પછી ઘણા લોકોને ભારેપણું અને આળસ કે થાક અનુભવાય છે; મેથીનું સેવન સુગર લેવલને સ્ટેબલ રાખતું હોવાથી બપોર પછી શરીરની એનર્જી જળવાઈ રહે છે.
ઘરે મેથી ફણગાવવાની સરળ રીત
ઘરે જ તાજી ફણગાવેલી મેથી બનાવવી ખૂબ જ સરળ છે:
૧. પલાળવું: બે થી ત્રણ ચમચી સાદી મેથીના દાણાને સ્વચ્છ પાણીથી ધોઈને આખી રાત (૮ થી ૧૦ કલાક) પાણીમાં પલાળી રાખો.
૨. નિતારવું: સવારે પાણી સંપૂર્ણપણે નિતારી લો અને દાણાને અલગ કરી લો.
૩. બાંધવું: આ પલાળેલા દાણાને પાતળા સુતરાઉ કે મલમલના ભીના કાપડમાં બાંધીને કોઈ હૂંફાળી જગ્યાએ રાખી દો.
૪. અંકુરણ: ૨૪ થી ૪૮ કલાકની અંદર સુંદર સફેદ ફણગા ફૂટી નીકળશે. આ ફણગાવેલી મેથીને ફ્રિજમાં રાખીને ૨-૩ દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય છે.
ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે દવાની સાથે આ કુદરતી આહાર પદ્ધતિ અપનાવવી અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.