આધુનિક સાધનોથી શિક્ષણમાં નવી પ્રેરણા રચતી રુકસાર
આજના ડિજિટલ યુગમાં દ્રષ્ટિની ખામી હવે ભણતરમાં અવરોધ બની શકતી નથી, તે સુરતની એક તેજસ્વી વિદ્યાર્થિનીએ સાબિત કરી બતાવ્યું છે. અંધજન શિક્ષણ મંડળ સંચાલિત શાળામાં ભણતી રુકસાર ઈકબાલ પીંજરી નામની ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીએ એક અનોખો ઈતિહાસ રચ્યો છે. સામાન્ય રીતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પરીક્ષા લખવા માટે બીજા વ્યક્તિ એટલે કે ‘રાઈટર’ની મદદ લેતા હોય છે, પરંતુ રુકસારે કોઈની પણ મદદ વગર જાતે જ લેપટોપ પર પેપર ટાઈપ કરીને પરીક્ષા આપી છે.
ટેકનોલોજી અને દ્રઢ મનોબળથી આત્મવિશ્વાસમાં વધારો
રુકસારની આ હિંમત પાછળ તેનું દ્રઢ મનોબળ અને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ જવાબદાર છે. લેપટોપ પર ટાઈપિંગ શીખીને તેણે પોતાની ક્ષમતા પુરવાર કરી છે, જેનાથી તે અન્ય સામાન્ય વિદ્યાર્થીઓની જેમ જ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકી છે. સમગ્ર ગુજરાતમાં આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે કોઈ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિનીએ પરંપરાગત પદ્ધતિને બદલે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી બોર્ડની પરીક્ષા આપી હોય.
શિક્ષણ બોર્ડ અને અધિકારીઓનો મળ્યો વિશેષ સહયોગ
વિદ્યાર્થીનીના આ સાહસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ મંજૂરી આપવામાં આવી હતી. બોર્ડના નિયામક શ્રીમતી તરૂલતાબેન અને સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ રુકસારને જરૂરી તમામ સવલતો પૂરી પાડવામાં આવી હતી. ઝોનલ અધિકારીઓ અને શાળા પરિવારે પણ રુકસારની આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે પૂરેપૂરો સહકાર આપ્યો હતો.
શિક્ષણ જગતમાં રુકસારની હિંમતને મળી રહી છે વાહવાહી
રુકસારની આ સફળતાથી માત્ર તેના પરિવારમાં જ નહીં, પરંતુ સમગ્ર શિક્ષણ જગતમાં આનંદની લહેર છે. ટેકનોલોજીના સહારે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પણ આત્મનિર્ભર બની શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. શિક્ષણ વિભાગ અને શાળાના શિક્ષકોએ રુકસારના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે તેની આ સફર અન્ય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે.
