સાવન બરવાલે એશિયન ગેમ્સમાં રચ્યો ઈતિહાસ, મેરેથોનમાં 44 વર્ષ બાદ ભારતને મળ્યું મેડલ
જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલી 2026 એશિયન ગેમ્સમાં 26 સપ્ટેમ્બરનો દિવસ ભારતીય એથ્લેટિક્સ માટે યાદગાર બની ગયો. ભારતીય સેનાના દોડવીર સાવન બરવાલે પુરુષોની મેરેથોનમાં રજત પદક જીતીને ભારતને આ સ્પર્ધામાં 44 વર્ષ બાદ મેડલ અપાવ્યો. 28 વર્ષીય બરવાલે 42.195 કિલોમીટરનું અંતર 2 કલાક 11 મિનિટ 37 સેકન્ડમાં પૂર્ણ કર્યું. આ સાથે તેમણે પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ સુધારીને નવો ભારતીય રેકોર્ડ પણ બનાવ્યો.
બરવાલ ગોલ્ડ મેડલથી માત્ર 48 સેકન્ડ દૂર રહ્યા. જાપાનના ઈચિતાકા યામાશિતાએ 2:10:49ના સમય સાથે સુવર્ણ પદક જીત્યું, જ્યારે ચીનના પેઇયુ ફેંગે 2:12:13ના સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. બરવાલ માટે આ સિદ્ધિ ખાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે મેરેથોનમાં આ તેમનો માત્ર બીજો સ્પર્ધાત્મક પ્રયાસ હતો.

44 વર્ષનો ઈંતઝાર થયો પૂરો
એશિયન ગેમ્સની પુરુષ મેરેથોનમાં ભારતે છેલ્લે 1982માં મેડલ જીત્યો હતો. દિલ્હીમાં યોજાયેલી તે ગેમ્સમાં હોસુર કુકપ્પા સીતારણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ભારતીય એથ્લેટિક્સ ફેડરેશનના રેકોર્ડ મુજબ સીતારણે 2:25:07ના સમય સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું.આ પહેલાં 1951માં દિલ્હીમાં યોજાયેલી પ્રથમ એશિયન ગેમ્સમાં ભારતે મેરેથોનમાં બે મેડલ જીત્યા હતા. છોટા સિંહે ગોલ્ડ અને સુરત સિંહ માથુરે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. એટલે બરવાલ એશિયન ગેમ્સની પુરુષ મેરેથોનમાં ભારતના ચોથા મેડલ વિજેતા બન્યા છે.
બરવાલે નાગોયામાં શરૂઆતથી જ અગ્રણી દોડવીરોના જૂથ સાથે પોતાની સ્થિતિ જાળવી રાખી હતી. રેસના મધ્ય તબક્કે પણ તેઓ ગોલ્ડના દાવેદારોમાં હતા. 35 કિલોમીટર સુધી તેઓ આગળના જૂથમાં રહ્યા, પરંતુ અંતિમ તબક્કામાં યામાશિતાએ ગતિ વધારીને લીડ બનાવી. બરવાલે પોતાની ગતિ જાળવી રાખી અને બીજું સ્થાન મજબૂત કર્યું.
આ વર્ષે જ તોડ્યો હતો 48 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ
સાવન બરવાલની આ સફળતા અચાનક મળેલી નથી. તેમણે આ વર્ષની શરૂઆતમાં ટ્રેક અને લાંબા અંતરની દોડમાંથી મેરેથોન તરફ પોતાનું ધ્યાન ફેરવ્યું હતું. એપ્રિલમાં નેધરલેન્ડ્સમાં યોજાયેલી રોટરડેમ મેરેથોનમાં તેમણે 2 કલાક 11 મિનિટ 58 સેકન્ડનો સમય નોંધાવીને શિવનાથ સિંહનો 48 વર્ષ જૂનો ભારતીય રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો.
નાગોયામાં તેમણે પોતાના જ રેકોર્ડમાં વધુ 21 સેકન્ડનો સુધારો કર્યો. એટલે એક જ વર્ષમાં બરવાલે પુરુષોની મેરેથોનનો રાષ્ટ્રીય રેકોર્ડ બે વખત સુધાર્યો છે. એશિયન ગેમ્સમાં મળેલું રજત પદક આ રેકોર્ડબ્રેકિંગ પ્રદર્શનને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.
બરવાલે મેરેથોન પહેલાં 5,000 મીટર, 10,000 મીટર અને હાફ-મેરેથોન જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. મેરેથોનમાં તેમની શરૂઆત પ્રમાણમાં તાજેતરની છે, પરંતુ થોડા જ સમયમાં તેમણે આ લાંબી દોડમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેમની નાગોયા રેસમાં ધીરજ અને અંતિમ તબક્કામાં ગતિ જાળવી રાખવાની ક્ષમતા નિર્ણાયક બની.
A new National Record and a historic Silver for India! 🥈🔥
44 years later, Sawan Barwal puts India back on the Men’s Marathon podium at the Asian Games with a sensational 𝟐:𝟏𝟏:𝟑𝟕 finish! 💪
Watch the 20th Asian Games Aichi-Nagoya LIVE on Sony Sports Network TV channels & Sony LIV.
#SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026 #TeamIndia #BaarBaarBharatHarBaarBharat
— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2026
સેનાના જવાનથી એશિયન ગેમ્સના મેડલ વિજેતા સુધી
સાવન બરવાલ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના વતની છે અને ભારતીય સેનામાં દોડવીર તરીકે સેવા આપે છે. તેઓ 2019માં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ સેનામાં જોડાયા હતા. નાગોયામાં મળેલા રજત પદક બાદ તેમણે જણાવ્યું કે તેમનું મુખ્ય લક્ષ્ય મેડલ જીતવાનું હતું; રાષ્ટ્રીય રેકોર્ડ સુધારવાનો ખાસ વિચાર નહોતો.રેસ દરમિયાન તેમણે અગ્રણી દોડવીરો સાથે રહેવાની યોજના બનાવી હતી. 35 કિલોમીટર પછી મેરેથોનનો સૌથી પડકારજનક તબક્કો શરૂ થયો, છતાં બરવાલે પોતાની ગતિ જાળવી રાખી. અંતે જાપાનના યામાશિતા ગોલ્ડ સાથે આગળ નીકળી ગયા, પરંતુ ભારતીય દોડવીરે દબાણ વચ્ચે બીજું સ્થાન જાળવી રાખ્યું.
