અનિયમિતતાઓના ભંડાફોડ બાદ સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક
અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલને આખરે સરકારના નિયંત્રણ હેઠળ લેવામાં આવી છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને અમલમાં મૂકતા શાળાનો વહીવટ હવે સરકારી હસ્તક આવ્યો છે. મણિનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અમુલ ભટ્ટ વાલીઓ સાથે શાળાએ પહોંચ્યા હતા. વાલીઓએ લાંબા સમયથી ચાલતા પ્રશ્નોના ઉકેલ બદલ જિલ્લા શિક્ષણ અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પગલાંને શૈક્ષણિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
તપાસ બાદ સરકાર દ્વારા વહીવટ સંભાળવાનો નિર્ણય
સેવન્થ ડે હાયર સેકન્ડરી સ્કૂલના સંચાલનમાં તપાસ દરમિયાન અનેક ખામીઓ સામે આવતા સરકારે સીધો હસ્તક્ષેપ કર્યો છે. શાળાનો વહીવટ હવે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીના તાબા હેઠળ રહેશે. શાળાના વહીવટદાર તરીકે DEOની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું હતું કે શાળા પાસે ત્રણ બિલ્ડિંગ હોવા છતાં માત્ર એક જ બિલ્ડિંગ માટે બી.યુ. પરમિશન લેવામાં આવી હતી. આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે.
એફિડેવિટ અને જમીન ઉપયોગમાં ગંભીર અનિયમિતતા
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગુજરાત બોર્ડ સમક્ષ આપેલા એફિડેવિટમાં ICSE શાળાની માહિતી છુપાવવામાં આવી હતી. ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર અલગ સંસ્થાના નામે સંચાલન થતું હોવાનું બહાર આવ્યું છે. તપાસ અહેવાલમાં કુલ 12 ગંભીર અનિયમિતતાઓ નોંધાઈ છે. આ તમામ મુદ્દાઓને આધારે શાળાને સરકાર હસ્તક લેવા અંગેનો નિર્ણય લેવાયો હોવાનું શિક્ષણ મંત્રી દ્વારા સ્પષ્ટ કરાયું છે.
શિક્ષણ મંત્રીનું નિવેદન અને તપાસ સમિતિનો અહેવાલ
શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે શાળામાં બનેલી એક ગંભીર ઘટનાના પગલે સરકાર દ્વારા તપાસ સમિતિ રચવામાં આવી હતી. સમિતિના અહેવાલમાં અનેક ગેરરીતિઓ અને નિયમભંગની વિગતો સામે આવી છે. આ અહેવાલના આધારે રાજ્ય સરકારે શાળાનો વહીવટ પોતાના નિયંત્રણમાં લેવા નિર્ણય કર્યો છે. સરકારનું કહેવું છે કે વિદ્યાર્થીઓના હિતમાં આ પગલું અનિવાર્ય હતું.
મંજૂરી વગર ફેરફાર અને સંચાલનમાં ગેરવ્યવસ્થા
શાળાના દસ્તાવેજોમાં અલગ-અલગ ટ્રસ્ટ અને સોસાયટીઓનો ઉલ્લેખ જોવા મળ્યો છે. CISCEના નિયમો મુજબ શાળાનું સંચાલન એક જ બિનનફાકારક સંસ્થા દ્વારા થવું જરૂરી છે, પરંતુ આ બાબતે કોઈ સ્પષ્ટતા રજૂ કરાઈ નથી. શાળાના વહીવટ, ટ્રસ્ટ અથવા પરિસરમાં કરાયેલા ફેરફારો માટે બોર્ડની પૂર્વ મંજૂરી લેવી જરૂરી હતી, જે અંગે કોઈ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. આ તમામ બાબતોને નિયમભંગ માનવામાં આવી રહી છે.
શાળામાં પુસ્તકો વેચાણ અને નફાખોરીના આક્ષેપ
તપાસમાં શાળાના પરિસરમાં પુસ્તકોનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમન અધિનિયમ, 2017 મુજબ નફાખોરી પર સ્પષ્ટ પ્રતિબંધ છે. શાળાએ રજૂ કરેલા ઓડિટેડ હિસાબમાં પુસ્તકોના વેચાણની નોંધ મળી છે. આ બાબત કાયદાના ભંગ સમાન હોવાનું પ્રાથમિક દૃષ્ટીએ જણાય છે. ઉપરાંત, બોર્ડની મંજૂરી વગર બે પાળીમાં શાળા ચલાવવામાં આવતી હોવાની બાબત પણ સામે આવી છે.
જમીન ભાડાપટ્ટા અને બિલ્ડિંગ મંજૂરી અંગે શંકા
હાલ જે જમીન પર શાળા આવેલી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શૈક્ષણિક હેતુ માટે 99 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવી છે. પરંતુ લીઝધારક સંસ્થા અને શાળાનું સંચાલન કરતી સંસ્થા અલગ હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિ ભાડાકરારની શરતોના ભંગ તરફ ઈશારો કરે છે. ઉપરાંત, નકશામાં દર્શાવેલા બિલ્ડિંગ અને વાસ્તવિક બાંધકામ વચ્ચે પણ તફાવત જોવા મળ્યો છે, જે વધુ તપાસનો વિષય બન્યો છે.

