ખાસ્સી સ્ટુડન્ટ્સ યુનિયનની રેલી તોફાની બની: સરકારી વાહનો સળગાવ્યા, સામાન્ય નાગરિકો પર હુમલો
મેઘાલયની રાજધાની શિલોંગમાં ખાસ્સી સ્ટુડન્ટ્સ યુનિયન (KSU) દ્વારા યોજાયેલી કાળી પટ્ટી બાઇક રેલી દરમિયાન અચાનક હિંસા ભડકી ઉઠી હતી. વિદ્યાર્થી સંગઠન દ્વારા વિવિધ સરકારી નીતિઓ અને માંગણીઓને લઈને યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન અસામાજિક તત્વો અને તોફાનીઓએ ભારે ઉત્પાદ મચાવ્યો હતો. આ હિંસક ઘટનામાં સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાઓની તોડફોડ કરવામાં આવી હતી તેમજ ઓછામાં ઓછા બે સરકારી વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
મહાપુરુષોની પ્રતિમાઓને બનાવી નિશાન
મળતી માહિતી મુજબ, શિલોંગના રિલીફ એન્ડ રિહેબિલિટેશન (RR) કોલોની વિસ્તારમાંથી જ્યારે બાઇક રેલી પસાર થઈ રહી હતી, ત્યારે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હતા. સ્થાનિક સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કેટલાક બાઇક સવારોએ વિવેકાનંદ પાર્ક અને સોસાયટી ઓફિસ પરિસરમાં સ્થાપિત સ્વામી વિવેકાનંદની પ્રતિમાના કાચનું ફ્રેમ તોડી નાખ્યું હતું. આ સાથે જ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની અર્ધપ્રતિમા (બસ્ટ) ને પણ નીચે તોડી પાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. રાષ્ટ્રના મહાન આદર્શો અને પથદર્શકોની પ્રતિમાઓને ખંડિત કરવાની આ ઘટનાથી સમગ્ર શિલોંગ શહેર અને દેશભરમાં ઘેરો આક્રોશ ફેલાયો છે.
૩૧ થી વધુ વાહનોની તોડફોડ અને આગચંપી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા આખી રાત ચાલુ રહી હતી. તોફાનીઓએ માર્ગો પરથી પસાર થતા નિર્દોષ નાગરિકો સાથે મારપીટ કરી હતી અને પથરાવ કરીને આશરે ૩૧ જેટલા ખાનગી અને સરકારી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. પોલો, બારિક અને માવલાઈ જેવા વિસ્તારોમાં સરકારી વાહનોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં એફસીઆઈ (FCI) માવલાઈ પાસે સરકારી ગાડીઓને સળગાવી દેવામાં આવી હતી.
પોલીસની કડક કાર્યવાહી: ત્રણ મુખ્ય નેતાઓની ધરપકડ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેઘાલય પોલીસે મોડી રાત્રે જ કડક વલણ અપનાવ્યું હતું. ઈસ્ટ ખાસ્સી હિલ્સ જિલ્લા પોલીસે ચાહિયા સ્થિત KSU હેડક્વાર્ટર પર દરોડો પાડીને સંગઠનના પ્રમુખ રેમન્ડ ખારજાના, વાઇસ પ્રમુખ પિંકમેનલાંગ સનમિયેટ અને જનરલ સેક્રેટરી રૂબેન નજિયારની ધરપકડ કરી લીધી છે. આ નેતાઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા, નાગરિકો પર હુમલો કરવા અને ભયનું વાતાવરણ ઊભું કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
વિદ્યાર્થી સંગઠનની માંગણીઓ અને સરકારનું વલણ
નોંધનીય છે કે KSU એ મેઘાલય સરકારને ૫ મુદ્દાની માંગણીઓ સાથે ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમની માંગણીઓમાં મેઘાલય રેસિડેન્ટ્સ સેફ્ટી એન્ડ સિક્યુરિટી એક્ટ (MRSSA) નો અમલ, બહારના શ્રમિકો માટે સખત નિયમો, સરકારી ભરતી પ્રક્રિયાઓમાં સુધારો અને લાઈમસ્ટોન માઇનિંગ પ્રોજેક્ટ માટેની પબ્લિક હિયરિંગ રદ કરવાનો સમાવેશ થાય છે.
સરકાર તરફથી કેબિનેટ મંત્રી વાઈલાડમિકી શિલ્લાએ આ હિંસાની નિંદા કરી હતી અને વિદ્યાર્થી સંગઠનોને હિંસાનો માર્ગ છોડીને સરકાર સાથે ટેબલ ટોક એટલે કે સંવાદ માટે આગળ આવવા અપીલ કરી છે. હાલ સમગ્ર શિલોંગ શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.
