ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારી: દરીયાઈ સુરક્ષા અને ટેકનોલોજી સહયોગ વધારવા રાજનાથ સિંહ અને શિંજીરો કોઈઝુમી વચ્ચે બેઠક
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં બદલાતા વ્યૂહાત્મક સમીકરણો વચ્ચે ભારત અને જાપાન પોતાના સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે તૈયાર છે. જાપાનના સંરક્ષણ પ્રધાન શિંજીરો કોઈઝુમી પોતાની પ્રથમ ભારત યાત્રા દરમિયાન ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નવી દિલ્હીમાં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય શિખર વાર્તા કરશે. આ ઉચ્ચ સ્તરીય બેઠક મુખ્યત્વે દરિયાઈ સુરક્ષા, લશ્કરી સાધનોના સંયુક્ત ઉત્પાદન અને અદ્યતન સંરક્ષણ ટેકનોલોજીના આદાન-પ્રદાન પર કેન્દ્રિત રહેશે.
ઈન્ડો-પેસિફિકમાં સ્થિરતા અને દરિયાઈ સુરક્ષા પર ભાર
હિંદ મહાસાગર અને પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય ગતિવિધિઓ તથા પ્રભુત્વ સ્થાપવાના પ્રયાસો વચ્ચે બંને દેશો મુક્ત, ખુલ્લા અને નિયમ-આધારિત ઈન્ડો-પેસિફિક પ્રદેશ માટે કટિબદ્ધ છે. ભારત અને જાપાન બંનેનું મોટાભાગનું આંતરરાષ્ટ્રીય વાણિજ્ય દરિયાઈ માર્ગો પર નિર્ભર હોવાથી, દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવી બંને રાષ્ટ્રો માટે વ્યૂહાત્મક જરૂરિયાત બની ગઈ છે.

દ્વિપક્ષીય વાર્તા દરમિયાન બંને મંત્રીઓ દરિયાઈ ક્ષેત્રમાં સહિયારી ગસ્ત (Patrolling), નૌકાદળ વચ્ચે પરસ્પર માહિતીની આપ-લે અને ક્ષેત્રીય સ્થિરતા જાળવવાના વિષયો પર વિગતવાર ચર્ચા કરશે.
‘મેક ઇન ઇન્ડિયા’ અને સંરક્ષણ ટેકનોલોજી ટ્રાન્સફર
ભારત સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમ હેઠળ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા મેળવવાના લક્ષ્યને જાપાન તરફથી મોટો સપોર્ટ મળવાની શક્યતા છે. જાપાને તાજેતરમાં પોતાના ‘સંરક્ષણ સાધનો અને ટેકનોલોજી ટ્રાન્સફરના ત્રણ સિદ્ધાંતો’ (Three Principles on Transfer of Defence Equipment and Technology) માં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. આ સુધારા બાદ ભારતને જાપાની ટેકનોલોજી હસ્તાંતરિત કરવાના માર્ગો ખુલ્લા થયા છે.
વિશેષરૂપે, નેવલ સ્ટીલ્થ કોમ્યુનિકેશન સિસ્ટમ (UNICORN) ના સંયુક્ત વિકાસ અને નિકાસ અંગે બંને દેશો વચ્ચે મજબૂત સહમતિ બની છે. આ ઉપરાંત, ડ્રોન ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી અને એડવાન્સ્ડ સેન્સર્સ ક્ષેત્રે પણ સંયુક્ત પ્રોજેક્ટ્સ શરૂ કરવા અંગે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે.
મુંબઈમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડની મુલાકાત અને INS ચેન્નાઈનું નિરીક્ષણ
દિલ્હીની સત્તાવાર બેઠક પહેલા જાપાનના સંરક્ષણ પ્રધાને ૧૯ ઓગસ્ટે મુંબઈ સ્થિત વેસ્ટર્ન નેવલ કમાન્ડ નો પ્રવાસ કર્યો હતો. ત્યાં તેમણે નેવલ સ્ટાફના વડા એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન અને વાઇસ એડમિરલ સંજય વાત્સાયન સાથે બેઠક યોજી હતી.
જાપાની પ્રતિનિધિમંડળને ભારતીય નૌકાદળની ઓપરેશનલ સક્ષમતા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. મુંબઈમાં તેમને ગાર્ડ ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યું હતું, જેના પછી તેમણે ‘ગૌરવ સ્તંભ’ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી ભારતના સ્વદેશી નિર્મિત ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર INS ચેન્નાઈ ની મુલાકાત લીધી હતી.

રાજકીય અને સૈન્ય સંબંધોનું વધતું કદ
જાપાની સંરક્ષણ પ્રધાનની આ મુલાકાત તાજેતરમાં જાપાનના વડાપ્રધાન સના તાકાઈચી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે યોજાયેલી વાર્ષિક શિખર બેઠકના થોડા અઠવાડિયા બાદ થઈ રહી છે. શિખર બેઠકમાં બંને દેશોએ પોતાના સુરક્ષા સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
