IPL 2026: જીત છતાં શ્રેયસ અય્યરને લાગ્યો મોટો ઝટકો! BCCI એ કેમ ફટકાર્યો લાખોનો દંડ? જાણો શું છે મામલો
IPL 2026 ની આ સીઝનમાં શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને વિજયી પ્રારંભ તો કર્યો છે, પરંતુ આ જીતનો આનંદ લાંબો સમય ટકી શક્યો નહીં. મેચ જીત્યાના ગણતરીના કલાકોમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કેપ્ટન અય્યર વિરુદ્ધ કડક પગલાં લીધા છે. મેચ દરમિયાન થયેલી એક મોટી ભૂલને કારણે અય્યરને લાખો રૂપિયાનો દંડ ભરવો પડશે.
અર્શદીપ સિંહનો ‘ક્યારેય ન પૂરો થતો’ ઓવર
આ વિવાદ પાછળનું મુખ્ય કારણ પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનો એક ઓવર રહ્યો. સામાન્ય રીતે ક્રિકેટમાં એક ઓવર 6 બોલનો હોય છે, પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે બોલિંગ કરતી વખતે અર્શદીપ સિંહે 11 બોલનો ઓવર ફેંક્યો હતો.
વારંવાર વાઈડ બોલ ફેંકવાને કારણે આ ઓવર પૂરો થવાનું નામ જ નહોતો લેતો. રસપ્રદ વાત એ છે કે ઓવરના છેલ્લા બોલને પણ અમ્પાયરે વાઈડ જાહેર કર્યો હતો, જોકે શ્રેયસ અય્યરે DRS લીધું અને તે લીગલ બોલ સાબિત થયો. જો તે વાઈડ હોત, તો અર્શદીપના નામે 12 બોલનો ઓવર ફેંકવાનો એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો હોત.
શ્રેયસ અય્યર પર કેમ લાગ્યો દંડ?
અર્શદીપના આ લાંબા ઓવર અને વારંવારની ફિલ્ડ ગોઠવણીમાં થયેલા વિલંબને કારણે પંજાબ કિંગ્સની ટીમ નિયત સમયમાં પોતાના ઓવર પૂરા કરી શકી નહોતી. જેને ક્રિકેટની ભાષામાં ‘સ્લો ઓવર રેટ’ કહેવામાં આવે છે.
BCCI ના જણાવ્યા અનુસાર, ન્યૂ ચંદીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબની ટીમ સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરી છે. IPL ના ‘કોડ ઓફ કન્ડક્ટ’ મુજબ આ સીઝનની આ પહેલી ભૂલ હોવાથી કેપ્ટન શ્રેયસ અય્યર પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અય્યર આ સીઝનમાં દંડાયેલા પ્રથમ કેપ્ટન બન્યા છે.
IPL ઇતિહાસના સૌથી લાંબા ઓવર
IPL માં 11 બોલનો ઓવર ફેંકવાની ઘટના આ પહેલા પણ બની ચુકી છે. અર્શદીપ સિંહ હવે એવા બોલરોની યાદીમાં સામેલ થયો છે જેમણે 11 બોલ ફેંક્યા હોય:
| બોલરો | વર્ષ | વિરોધી ટીમ |
| મોહમ્મદ સિરાજ | 2023 | મુંબઈ ઈન્ડિયન્સ |
| તુષાર દેશપાંડે | 2023 | લખનૌ સુપર જાયન્ટ્સ |
| શાર્દુલ ઠાકુર | 2025 | KKR |
| સંદીપ શર્મા | 2025 | દિલ્હી કેપિટલ્સ |
| હાર્દિક પંડ્યા | 2025 | ગુજરાત ટાઇટન્સ |
| અર્શદીપ સિંહ | 2026 | ગુજરાત ટાઇટન્સ |
કેપ્ટન માટે હવે સાવચેત રહેવું જરૂરી
શ્રેયસ અય્યર માટે આ એક ચેતવણી સમાન છે. IPL ના નિયમો મુજબ, જો આ સીઝનમાં પંજાબ કિંગ્સ બીજી વખત સ્લો ઓવર રેટની ભૂલ કરશે, તો કેપ્ટન પર દંડની રકમ ડબલ (24 લાખ) થઈ જશે અને ટીમના બાકીના ખેલાડીઓને પણ દંડ થશે. જો ત્રીજી વાર આવી ભૂલ થશે તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ પણ લાગી શકે છે.

