વલસાડ જિલ્લામાં બકરીઈદની ઉજવણીને ધ્યાને લઈ શાંતિ સલામતી જાળવવા ૧૦ જૂન સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું
વલસાડ જિલ્લામાં બકરી ઈદના તહેવારની ઉજવણી થનાર હોવાથી આ સમય દરમિયાન જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ. ડી. ચુડાસમાએ ગુજરાત પોલીસ અધિનિયમ (સને – ૧૯૫૧)ની કલમ -૩૭(૧) થી મળેલી સત્તાની રૂએ તા. ૧૦ જૂન, ૨૦૨૬ સુધી વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા અનુસાર શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, છરા, લાકડી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો લઈ જવાની, સ્ફોટક પદાર્થ લઈ જવાની, કોઈપણ સરઘસમાં સળગતી અથવા પેટાવેલી મશાલ લઈ જવાની, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની, અપમાન કરવાના ઈરાદાથી બિભત્સ સૂત્રો પોકારવાની, અશ્લિલ ગીતો ગાવાની અથવા ટોળામાં ફરવાની જેનાથી સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવા કોઇપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ સરકારી નોકર કે કામ કરતી વ્યક્તિઓ કે જેના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર લઈ જવાની ફરજ હોય, જિલ્લા મેજિસ્ટ્રેટ આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી વ્યક્તિ અને સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો તથા અભિયાનને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાના કોઈ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ (સને-૧૯૫૧ના ૨૨માં)ના કાયદાની કલમ-૧૩૫(૧) તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાના તમામ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.